ધ્રોલના મોટા ઈટાળા ગામમાં આર એન્ડ બીના મદદનીશ ઇજનેર પર જીવલેણ હુમલો

  • August 08, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલના મોટા ઈટાળા ગામમાં આર એન્ડ બીના મદદનીશ ઇજનેર પર જીવલેણ હુમલો

ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામમાં એક સાઇટ પર કામ ચાલી રહ્યું હતું, જે સ્થળે નિરીક્ષણ માટે ગયેલા આરએનબી વિભાગના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર પર કોન્ટ્રાક્ટરે અચાનક હુમલો કરી દેતાં ભારે દોડધામ થઈ હતી. અધિકારીને કારની નીચે કચડી નાખવાનો પ્રયાસ કરી કોન્ટ્રાક્ટરે તેના ૬ થી ૭ સાગરીતોની મદદથી ધોકા વડે  હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. જે મામલે ધ્રોલ પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટર અમિત ઝાલા અને તેના સાગ્રિતો સામે નાયબ કાર્યપાલક ઈજનેરની હત્યા નો પ્રયાસ કરવા અંગે તેમજ ફરજ મા રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવામાં આવી છે.

મુળ પાલનપુરના વતની હાલ જામનગર ગ્રીનસીટી શિવદર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગના મદદનશી ઇજનરે તથા ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર નિલરાજસિંહ પરબતસિંહ બારડ (ઉ.વ.૩૨) જેઓ ધ્રોલના મોટા ઇટાળા ગામ ખાતે નવા બંધાઈ રહેલા બ્રિજની સાઈટની વિઝીટ પર ગયા હતા, જયાં અમિતને બ્રિજના કામમાં સિમેન્ટ નિયમ મુજબ વાપરો અને સારુ કામ કરો તેમ કહેતા આરોપી વિફર્યો હતો અને અપશબ્દો બોલી ફરીયાદી ઇજનેર સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપીએ ધમકી આપી હતી, કે તમને અહીં જમીનમાં દાટી દેવા છે. જેથી તેઓના ભયના કારણે અધિકારી ગામ તરફ ભાગવા જતાં કોન્ટ્રાક્ટરે પોતાની ક્રેટા કાર નં. જીજે૧૧બીઆર-૮૮૮૦ લઈને અધિકારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
 જેથી તેઓ દોડીને ઓટલા પર ચડી ગયા હતા. દરમિયાન  કોન્ટ્રાક્ટર અમિત ઝાલા અને તેના છ થી સાત સાગરીતો લાકડાના ધોકા સાથે ધસી આવ્યા હતા, અને આડેધડ હુમલો કરી દીધો હતો, જેમાં હાથ- પગ, પીઠ અને માથાના ભાગે ઇજા થઈ હતી. જેથી તેઓને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવી પડી હતી.

 ત્યારબાદ મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કોન્ટ્રાક્ટર અમિત ઝાલા અને તેના ૬ થી ૭ સાગરીતો સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

 જે ફરિયાદના અનુસંધાને ધ્રોલ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ હાથ ધરાઈ છે. સમગ્ર મામલે ધ્રોલના પી.એસ.આઇ પી.જી. પનારા વધુ તપાસ ચલાવી રહ્યા છે. મદદનીશ ઇજનેર પર હિચકારો હુમલો થયાનો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, ઉલ્લેખનીય છે કે રોડ, રસ્તા અને પુલના કામોમાં નબળી ગુણવતાનો માલ વપરાતો હોવાની અવાર નવાર ફરીયાદો ઉઠવા પામે છે ગઇકાલે કામની સાઇટ વિઝીટ પર ગયેલા મદનનીશ ઇજનેરએ કામ નિયમ મુજબ કરીને માલનો ઉપયોગ કરવાનું કહેતા આ હુમલો કરાયાનું સામે આવતા લગત વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application