મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અને માઠી અસર હવે ગુજરાતના જનજીવન પર પડવા લાગી હોય તેવું સામે આવી રહ્યું છે. રાજ્યમાં ઇંધણની ભારે કટોકટી ઊભી થઈ રહી છે, જેના પગલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી રોકવાના બહાને એક નવો આકરો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ હવે ખેડૂતોને ખેતીકામ કે ટ્રેક્ટર માટે ડીઝલ ખરીદવા સરકારી પુરાવા રજૂ કરવા ફરજિયાત બનશે, જેને કારણે જગતના તાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અન્ન પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, જો કોઈ ખેડૂત પેટ્રોલપંપ પર ડીઝલ લેવા જશે, તો તેણે ફરજિયાતપણે પોતાની જમીનના ૭-૧૨ અને ૮(અ)ની નકલ, ચૂંટણી કાર્ડ, આધાર વિગત ઓમિટેડ અને ટ્રેક્ટરની આરસી બુક જેવા મહત્વના દસ્તાવેજો પુરાવા તરીકે રજૂ કરવા પડશે. આ તમામ પુરાવા આપ્યા બાદ પણ ખેડૂતને એકવારમાં વધુમાં વધુ માત્ર ૨૦૦ લિટર સુધી જ ડીઝલ મળી શકશે. જોકે, હાલમાં પેટ્રોલ પંપો પર જે રીતે જથ્થો ઓછો પહોંચી રહ્યો છે તે જોતાં ખેડૂતોને આ નિયત મર્યાદા જેટલું ડીઝલ મળવું પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં 'ડીઝલ નથી' ના પાટિયા લાગવા માંડ્યા છે.
રાજ્ય સરકાર એક તરફ એવો દાવો કરી રહી છે કે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને અફવાઓથી સાવધાન રહેવા તેમજ પેનિક ન થવા અપીલ કરી રહી છે. પરંતુ બીજી તરફ, સરકારે છૂપી રીતે ઈંધણના વિતરણ પર મોટો કાપ મૂકી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં પેટ્રોલપંપો પર સામાન્ય વાહનો માટે પણ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે, જેમાં ટુ-વ્હીલર્સને માત્ર રૂ.૫૦થી ૧૦૦નું પેટ્રોલ અને કાર સહિતના ફોર-વ્હીલર્સમાં માત્ર રૂ.500થી 1,000નું ઇંધણ આપવામાં આવી રહ્યું છે.
ઈંધણની આ કટોકટીની સૌથી માઠી અસર માલસામાનની હેરફેર કરતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી રહી છે. ટ્રક ચાલકોના જણાવ્યા અનુસાર, હાલની પરિસ્થિતિમાં તેમને માત્ર ૨૦થી ૨૫ લિટર જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જ્યારે લાંબા અંતરની સફર માટે ટ્રકોને કાર્યરત રાખવા ઓછામાં ઓછા ૨૦૦થી ૩૦૦ લિટર ડીઝલની જરૂરિયાત હોય છે. જો આ જ સ્થિતિ આગામી દિવસોમાં ચાલુ રહેશે, તો ગુજરાતનો આખો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ થઈ જશે અને તેની સીધી અસર આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર પણ પડી શકે છે.
પેટ્રોલ પંપો પર ગ્રાહકોની વિગત ફરજિયાત રજિસ્ટર કરવા આદેશ
સરકારે હવે તમામ પેટ્રોલ પંપ પર ગ્રાહકોની વિગત રાખવા માટે ફરજિયાત રજીસ્ટર મેઈન્ટેન કરવાનો પણ આદેશ આપ્યો છે. લોકમુખે ચર્ચા છે કે, જો ખરેખર પુરતો જથ્થો છે તો સરકારે આવા ઇમરજન્સી જેવા નિયમો કેમ લાવવા પડ્યા? આ સ્થિતિ જોતાં આગામી દિવસોમાં રેશનકાર્ડ દ્વારા જ પેટ્રોલ-ડીઝલનું નિયંત્રિત વિતરણ (રેશનિંગ) થાય તેવી પૂરી સંભાવનાઓ છે. બીજી તરફ, ખેડૂતોને દસ્તાવેજો રજૂ કરવાના આ વિવાદાસ્પદ મુદ્દે ગુજરાતના અન્ન પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું હતું કે, આ બાબતે તાજેતરમાં મુખ્ય સચિવના નેજા હેઠળ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં કોઈ કારણોસર તેઓ હાજર રહી શક્યા નહોતા. જેથી તેઓ આ સમગ્ર બાબતની સંપૂર્ણ વિગતો મેળવ્યા બાદ જ સત્તાવાર રીતે વધુ માહિતી આપી શકશે.