બજેટમાં ખેડૂતની પાક ધિરાણ રકમમાં બે લાખનો વધારો

  • February 22, 2025 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવાની રજૂઆતને મળી સફળતા


ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેડૂતો માટે સૌથી સારી બાબત કહી શકાય તે ધિરાણની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારી 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જે અંગે જામનગર જિલ્લાનાજામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠકના યુવા ધારાસભ્ય અને ખેડૂત નેતા હેમંતભાઈ ખવા દ્વારા ગત બજેટ સત્રમા આ અંગે રજૂઆત કરી હતી. જેના સફળ પડઘા પડ્યા હોય તેમ સરકારે આ માંગણી સ્વીકારી લેતા ધારાસભ્યએ મુખ્યમંત્રી અને નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.


હાલ મોંઘવારીના યુગમાં જગતના તાત ગણાતા ધરતીપુત્રો સૌથી વધુ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છેકારણકે ખેડૂતોને ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવા અને મજૂરી તથા પાક વહેચવા માટે યાર્ડ સુધી લઈ જવાતા વાહનના ભાડા એમ તમામ વસ્તુમાં ડબલ કરતા પણ ખૂબ વધારો થયો છે. પરિણામે ખેડૂતો અનેક હાડમારીનો સામનો કરી રહ્યા હતા. ખેડૂતોની આ પીડા-વેદના સમજી મોંઘવારીને ધ્યાને લઇ પાક ધિરાણની રકમમાં વધારો કરવા માટે ધારાસભ્યએ ગત બજેટ સત્રમાં ખેડૂતોને આપવામાં આવતા પાક ધિરાણની રકમ 3 લાખનો બદલે 5 થી 6 લાખ કરવા માટે માંગ ઉઠાવી હતી અને રકમ પર વ્યાજ માફી માટે રજૂઆત કરી હતી.


ખેડૂતોની આ રજૂઆત ધારાસભ્ય હેમંતભાઈ ખવા સરકાર સુધી પહોંચાડવામાં સફળ થયા હોય તેમ સરકારના આ બજેટમાં ખેડૂતોને આપવામાં આવતી નાણાંકીય સહાયમાં કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારી 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જેનો સંપૂર્ણ રીતે અમલ કરાયો છે. જે અંતર્ગત 4 ટકા વ્યાજ રાહત આપવા માટે 1252 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે હવે રાજ્યના ખેડૂતોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સહકારી બેંકો અને રાષ્ટ્રીયકૃત બેંકો મારફતે અપાતા ધિરાણની રકમ વધારતા હવે ખેડૂતોની હેરાનગતિ મહદઅંશે દૂર થશે. આ લોન દર વર્ષે ખેડૂતોને તેમની ખેતી માટે સાધનો, બીજ, ખાતરો, યાંત્રિક સાધનો ખરીદવા મા મદદરુપ થતા ખેડૂતો ખેડ- ખાતર સમયસર કરી શકશે.


આ ધિરાણ પર વ્યાજ દર સામાન્ય રીતે નીચો હોય છે અને ખેડૂતોને લોનના પરત ફેર માટે લાંબી સમયાવિધ મળી રહેતી હોવાથી ધરતીપુત્રો માટે સહાય આશીર્વાદરૂપ સાબિત થાય છે. ત્યારે ખેડૂત વર્ગની ખેવના કરવા બદલ હેમંતભાઈ ખવાએ રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application