એસ્સાર ગ્રુપના મોભી શશીકાંત રૂઇયાનું દુ:ખદ નિધન

  • November 26, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરને ઓઇલ રીફાઇનરી અને પાવર પ્રોજેકટની ભેટ આપનારા....
81 વર્ષની વયે લીધા અંતિમ શ્ર્વાસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્યોગ માંધાતાને અપાઇ શ્રઘ્ધાંજલી


દેશના વિખ્યાત ઉદ્યોગ ગ્રુપ એસ્સારના પ્રણેતા અને ઉદ્યોગપતિ પરીવાર રૂઇયા પરીવારના મોભી શશીકાંત રૂઇયાનું 81 વર્ષની જૈફ વયે દુ:ખદ નિધન થયું છે, રૂઇયા પરીવાર પર સંકટની ઘડી આવી છે, વડાપ્રધાન દ્વારા શ્રઘ્ધાંજલી પાઠવવામાં આવી છે.


એસ્સાર ગ્રુપ તરફથી આ દુ:ખદ સમાચારની જાહેરાત કરવામાં આવી હતી અને શશીકાંત રૂઇયાના નિધન અંગે સતાવાર વિગતો અપાઇ હતી, 23-12-1943ના રોજ જન્મેલા શશીકાંત રૂઇયા એસ્સાર ગ્રુપના પ્રણેતા હતાં અને એસ્સાર ગ્રુપને ઉંચાઇ પર લઇ જવા પાછળ એમણે ચાવીપ ભુમિકા ભજવી હતી. સામાજીક કલ્યાણ અને પરોપકાર પ્રત્યેની તેમની કર્મનિષ્ઠાને કારણે કરોડો લોકોના જીવનમાં બદલાવ લાવવામાં તેઓ નિમીત બન્‌યા છે. અવિસ્મરણીય છાપ છોડી જનારા શશીકાંત રૂઇયા એમની વિનમ્રતા માટે ખુબ જાણીતા હતાં, દરેક વ્યકિત સાથે જોડાવાની એમની ઉષ્માભરી પઘ્ધતિ એ એમને એક વિશીષ્ટ વ્યકિત બનાવ્યા હતાં.


શશીકાંત રૂઇયા એસ્સાર ગ્રુપના ચેરમેન તથા દેશના એક પ્રખ્યાત ઉદ્યોગપતિ હતાં જેમણે ભારતના કોર્પોરેટ ક્ષેત્રને નવો દીશા નિર્દેશ પ્રદાન કર્યો હતો અને તેમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.


એસ્સાર ગ્રુપની સ્થાપના કરી અને આ ગ્રુપને વૈશ્ર્વિક લેવલે પ્રતિષ્ઠિત વ્યવસાય ગ્રુપ તરીકે પ્રસ્થાપીત કરવામાં તેઓ સફળ થયા હતાં, દેશની સાથે-સાથે એમણે ગુજરાતના ઔદ્યોગીક વિકાસમાં પણ અત્‌યંત મહત્વનો ભાગ ભજવ્યો હતો.


વાડીનાર પાસે એસ્સાર ઓઇલ રીફાઇનરીની સ્થાપના કરીને હાલારના ઔદ્યોગીક વિકાસની કાયાપલટ કરવામાં એસ્સાર ગ્રુપના શશીકાંત રૂઇયા અગ્રેસર રહ્યા હતાં, આ ઉપરાંત પોતાના રીફાઇનરી સંકુલમાં જ પાવર પ્રોજેકટની પણ સ્થાપના કરી હતી જે હાલમાં પણ વિજળી ઉત્પન્ન કરવા માટે કાર્યરત છે.


શશીકાંત રૂઇયાના દુ:ખદ નિધન અંગેના સમાચાર મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ટવીટ કરીને શ્રઘ્ધાંજલી પાઠવવામાં આવી છે અને વડાપ્રધાન દ્વારા શશીકાંત રૂઇયાને વૈશ્ર્વિક ઔદ્યોગીક વિકાસ સંબંધે વિઝનરી લીડરશીપ વાળા ગણાવવામાં આવ્યા છે.


એસ્સાર પરીવારે આ દુ:ખની ઘડી વખતે એવી લાગણી વ્‌યકત કરી છે કે, શશીકાંત રૂઇયાનો વિશિષ્ટ વારસો અમારા માટે હંમેશા માર્ગદર્શક બની રહેશે, અમે તેમની દીર્ધ દ્રષ્ટીનું સન્માન કરતા રહીશું, તેમણે કેળવેલા મુલ્યો થકી તેમના વારસાને આગળ વધારવા એસ્સાર ગ્રુપ હંમેશા પ્રતિબઘ્ધ રહેશે.


શશીકાંત રૂઇયાના દુ:ખદ નિધનના સમાચાર મળતાં જ ઔદ્યોગીક જગતના માંધાતાઓ મુંબઇ સ્થીત 67-એ વાલ્કેશ્ર્વર રોડ બિરલા પબ્લીક સ્કુલની સામે આવેલા ઇયા હાઉસ ખાતે પહોંચ્યા હતાં, આજે બપોરે 1 થી 3 વાગ્‌યા સુધી શશીકાંત રૂઇયાના અંતિમ દર્શન કરાવવામાં આવ્યા હતાં અને ત્‌યારબાદ સાંજે 4 કલાકે માલાબાર હીલ ખાતેના તીનબતી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.


એસ્સાર ગ્રુપના મોભી અને જામનગરને એક મેગા ઔદ્યોગીક એકમની ભેટ આપનારા શશીકાંત રૂઇયાનું નિધન થયું હોવાના અહેવાલો પહોંચ્યા બાદ જામનગરમાં પણ શોકની લાગણી ફેલાઇ છે અને ઉદ્યોગ માંધાતાને શ્રઘ્ધાંજલી આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application