દરેડના ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વીજ ધાંધિયાને લઈને વીજ કચેરીને ઘેરાવ

  • July 06, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૩૦૦ જેટલા કારખાને દારો શ્રમીકોએ પીજીવીસીએલની કચેરીમાં હંગામો મચાવી ઓફિસનો કબ્જો સંભાળી લીધો: પોલીસ તંત્ર દોડતું થયું: દસ દિવસમાં પ્રશ્ર્ન ઉકેલવા અધિકારીઓની ખાત્રી

જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં છેલ્લા કેટલાક સમયથી પીજીવીસીએલના વિજ ધંધિયાને લઈને કારખાનેદારો તેમજ કારખાનામાં કામ કરતા શ્રમિકો અનેક વાહનોમાં ૩૦૦થી વધુની સંખ્યામાં આવીને લાલબંગલાં વિસ્તારમાં આવેલી વિજતંત્રની કચેરીએ ધસી આવ્યા હતા, અને કચેરીને ઘેરાવ કર્યો હતો. એટલું જ માત્ર નહીં વીજ અધિકારી અને કર્મચારીઓ વગેરેની ખાલી ખુરશી સહિતના વિસ્તારમાં સર્વે લોકોએ બેસીને રીતસર નો કબજો જમાવ્યો હતો.
જેથી દેકારો બોલી ગયો હતો, અને પોલીસ તંત્રને બોલાવવાની ફરજ પડી હતી. દરમિયાન  વિજ અધિકારીએ આવીને તમામ કારખાનેદારો સાથે મંત્રાણા કરી અને સત્વરે યોગ્ય કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો અને દસ દિવસમાં જ નવા ટીસીમાંથી લાઈન આપવામાં આવશે એવી ખાત્રી આપવામાં આવી હતી.
જામનગર નજીક દરેડ વિસ્તારમાં સરદાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં આશરે ૩૦૦ થી ૪૦૦ બ્રાસપાર્ટના કારખાના આવેલા છે, જે ઉદ્યોગ વિસ્તારમાં વારંવાર વિજ ધંધિયાને લઈને સ્થાનિક કારખાનેદારો કંટાળી ગયા હતા. વીજ અધિકારીઓને અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી સરદાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારના કારખાને દારો અને શ્રમિકો વગેરે મોટી સંખ્યામાં ગઈસાંજે એકત્ર થયા હતા, અને જુદા જુદા વાહનોના કાફલા સાથે લાલબંગલા સ્થિત પીજીવીસીએલની કચેરીએ ધસી આવ્યા હતા, અને વીજ કચેરીને ઘેરાવ કર્યો હતો.
જામનગરના મુખ્ય વિજ અધિકારની કચેરી કે જ્યાં ખુરશીઓ ખાલી હતી, જે સમગ્ર સ્થળ ઉપર કારખાનેદારો, શ્રમિકો, વગેરે ઘૂસી ગયા હતા, અને કબજો સંભાળી લીધો હતો.
વીજ અધિકારીની કચેરીઓમાં પણ તમામ કારખાનેદારો સહિતના લોકો ટેબલ ખુરશી પર બેસી ગયા હોવાથી વીજ તંત્રની કચેરીમાં ભારે હોબાળો મચી ગયો હતો, અને આખરે પોલીસ ને બોલાવવી પડી હતી.
જેથી સીટી બી. ડિવિઝનના પી.આઇ. એચ.પી. ઝાલા  પોલીસ કાફલા સાથે વીજ કચેરીએ પહોંચી ગયા હતા, અને તમામ કારખાનેદારો અને શ્રમિકોને સમજાવ્યા હતા, અને વીજ અધિકારીઓ સાથે મંત્રણાં કરવા જણાવ્યું હતું.  દરમિયાન પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર આર.એલ. પરમાર પોતાની કચેરીએ આવી ગયા હતા, અને મુખ્ય કારખાનેદારો વગેરે સાથે ચર્ચા વિચારણા અને યોગ્ય કરવા અંગે મંત્રણા કરી હતી, અને સત્વરે તેઓના પ્રશ્નોનો નિકાલ આવી જાય, તેવી હૈયા ધારણા આપ્યા પછી આખરે મામલો થાળે પડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application