મનપાની સિટી બસની વીજળીક હડતાલ; સમાધાન થતાં સમેટાઇ

  • March 13, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટીબસ સેવાની આજે સવારે વીજળીક હડતાલ પડતા સેંકડો મુસાફરો અને નિયમિત અપ ડાઉન કરતા વિધાર્થીઓ રઝળી પડા હતા. ત્રિકોણબાગ ચોકમાં રીક્ષા ચાલકોએ સિટી બસના ડ્રાઇવર સાથે ગેરવર્તણૂક કરી માર મારતા હડતાલ પડી હતી જો કે મહાનગરપાલિકા તત્રં અને પોલીસ તંત્રની દરમિયાનગીરીથી અડધો કલાકમાં જ સમાધાન થઇ જતા સેવા પૂર્વવત થઇ હતી. વિશેષમાં આ અંગે મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રિકોણબાગ ચોકના સીટી બસ કંટ્રોલ ટર્મિનલ ખાતે ત્યાં આગળ ઉભેલા મુસાફરોને લેવા માટે તેમજ સીટી બસના પાકિગ માટે અલગ લેન અને પાકિગ એરિયા સુનિશ્ચિત કરવામાં આવેલ છે ત્યાંથી ફકત સીટી બસએ જ પસાર થવાનું હોય છે અને સીટી બસના જ મુસાફરો ઊભા હોય છે પરંતુ આજે સવારે એવું બન્યું કે સીટી બસની લેનમાં રીક્ષા ચાલકો પેસેન્જર લેવા માટે પ્રવેશી ગયા હતા અને તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક સીટી બસ ઓટો રીક્ષાને ટચ થઈ જતા રીક્ષા ચાલકે માથાકૂટ કરી હતી ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ રીક્ષા ચાલકો એકત્રિત થઇ ગયા હતા અને સીટી બસના ડ્રાઇવર સાથે ઉગ્ર માથાકૂટ કરીને ઝપાઝપી કરી હતી


જેથી આ મામલે કંટ્રોલ ટર્મિનલના ફરજ પરના કર્મચારીઓએ મહાપાલિકાના સીટી બસ વિભાગના અધિકારીઓને તેમજ પોલીસને જાણ કરી હતી. આ બનાવથી સીટી બસના ડ્રાઇવરોમાં રોષની લાગણી પ્રસરી ગઇ હતી અને રીક્ષા ચાલકો સાથે આ પ્રકારની માથાકૂટની ઘટનાઓ રોજિંદી બની ગઈ હોય ત્રિકોણબાગ ચોકમાં ઉભેલા તેમજ ત્યાંથી પસાર થતી તમામ સીટી બસના ડ્રાઇવરોએ આ મામલે વીજળી હડતાલ પાડી દીધી હતી. દરમિયાન બનાવની જાણ થતા મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને ત્યાં સુધીમાં પોલીસ સ્ટાફ પણ સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે યોગ્ય કરવાની ખાતરી આપતા અડધો કલાકમાં સમાધાન થઈ ગયું હતું અને હડતાલ સમેટાઈ ગઈ હતી જેથી સીટી બસ સેવા પૂર્વપત થઇ હતી. અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે ફકત ત્રિકોણબાગ ચોક થી ઉપડતી સીટી બસોની જ હડતાલ પડી હતી હડતાલના સમયગાળા દરમિયાન શહેરના અન્ય વિસ્તારોમાં સેવા ચાલુ રહી હતી.સીટી બસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રિકોણબાગ ચોક ખાતે રીક્ષા ચાલકો સાથે થતી માથાકૂટના બનાવોને લઈને હવેથી ત્યાં આગળ મહાનગરપાલિકાની વિજિલન્સ પોલીસનો બંદોબસ્ત ફાળવવા માટે પણ માંગણી કરવામાં આવી છે.


સીટી બસની પાકિગ લેનમાં પેસેન્જર લેવા રીક્ષા ચાલકો ઘુસી જતા હોવાની ફરિયાદ
સીટી બસ સેવાના ડ્રાઇવરોએ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને એવી રાવ કરી હતી કે ત્રિકોણબાગ ચોક ખાતે આવેલા સીટી બસ ટર્મિનલ પાસે સીટી બસને પાકિગ કરવા તેમજ પસાર થવા માટે અલગ પાકિગ લેન આપવામાં આવેલી છે પરંતુ તે લેનમાં ઓટોરિક્ષા ચાલકો અવારનવાર પેસેન્જર લેવા માટે ઘૂસી જાય છે અને સીટી બસના ડ્રાઈવરો સાથે માથાકૂટ કરે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application