દ્વારકાધીશ જગતમંદિરે ફુલ ડોલ ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું

  • March 26, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા પોલીસ દ્વારા ચુસ્તબંદોસ્ત : વહીવટી તંત્ર દ્વારા કરાઇ સરાહનીય કામગીરી
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા નગરીમાં કુલડોલ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણની સાથે ઉજવવા ભક્તો ભારતના ખૂણે ખૂણેથી દ્વારકા ઉમટી પડ્યા હતા બપોરે ૨ થી ૩ ના સમય દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો નાં ધસમસતા પ્રવાહ સાથે જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવની અબીલ ગુલાલની પ્રંચડ છોળો સાથે આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ફુલડોલની ઉજવણી કરવામાં આવી હતી આ ઉત્સવમાં શ્રી કૃષ્ણની બાળલીલાની ગાથાઓ સાક્ષાત ઉજાગર થયેલ.આ નયનરમ્ય દ્રશ્ય અને ભગવાનની લીલાઓનો આસ્વાદ માણવા ગુજરાત સહિત ભારતભરમાંથી શ્રી કૃષ્ણ ભક્તો અને શ્રદ્ધાળુઓના પગપાળા સંઘો દ્વારકા આવી પહોંચેલ હતા
પવિત્ર યાત્રાધામ દ્વારકાનું દિન પ્રતિદિન મહત્વ વધતું જાય છે જેથી જગતમંદિરમાં ઉજવણા અગ્રેસર તહેવારોમાં યાત્રિકો મોટી સંખ્યામાં અહીંયા આવે છે ફુલડોલ ઉત્સવ પણ જગતમંદિરમાં ઉજવાતા અગ્રેસર તહેવારો પૈકીનો હોવાથી હોળી ધુળેટીના તહેવારોનું વિશેષ મહત્વ હોવાથી લાખોની સંખ્યામાં ભાવિકો પગપાળા કરીને દ્વારકા પધારેલ અને ફુલડોલ ઉત્સવનો લાભ લીધેલ હકડેઠઠ જનમેદની વચ્ચે ઉજવાયેલા ફુલડોલ ઉત્સવમાં ભાવિકોએ મન મૂકીને શ્રી કૃષ્ણ ભગવાન સાથે અબીલ ગુલાલ સાથે નિર્દોષ ભાવે ધુળેટી પર્વની વિશેષ ઉજવણી કરી હતી હોળી તથા ધુળેટી નાં આ ઉત્સવમાં દ્વારકાધીશ જગતમંદિરના વારસદાર મહેશ્વરભાઈ પુજારીના માર્ગદર્શન હેઠળ થયેલ. સમગ્ર તહેવારને અનુલક્ષીને દ્વારકામાં હજારોની સંખ્યામાં ભાવિકોએ દ્વારકાધીશના દર્શનનો લાભ લીધેલ આટલી મોટી સંખ્યામાં આવેલા યાત્રિકોમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ, દ્વારકા પોલીસ તથા સંબંધિત વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
***
દ્વારકા ગોમતી ઘાટે હોલિકા દહન: એસપી નીતેશ પાંડેય પરિવાર દ્વારા કરાયું હોલિકાનું પૂજન

દ્વારકાની ગોમતીઘાટ પરની સૌથી પ્રાચીન હોલિકનું પૂજન દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા એસ.પી નિતેશ પાંડે પરિવાર દ્વારા કરી પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી.
ચારધામ અને સપ્તપુરીમાનુ એક એટલે દ્વારિકાધામ.દ્વારકામાં તહેવારો અને ઉત્સવોનું અનેરૂ મહત્વ હોય ત્યારે દ્વારકા યાત્રાધામમાં ગોમતી ઘાટ પરની દ્વારકાની સૌથી પ્રાચીન તેમજ દ્વારકાધીશ જગત મંદિરમાં સેવા પૂજા તેમજ યજમાન વૃતિ કરનાર ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સંચાલિત સરકારી હોળીનું ગઈકાલે સૂર્યાસ્ત બાદ જિલ્લા પોલીસ અધિકારી એસ.પી નિતેશ પાંડે પરિવાર દ્વારા વિધિ વિધાનથી પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવી.
આ પ્રસંગે દ્વારકા તીર્થપંડા પુરોહિત પ્રમુખ દિવ્યપ્રકાશભાઈ ઠાકર,ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ મધ્યસ્થ સભા સદસ્ય ભાર્ગવભાઈ ભટ્ટ,હેમલભાઈ દવે તેમજ અન્ય સદસ્યો,સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ મંત્રી ગિરધરભાઈ જોશી,પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા.આ પૂજન શાસ્ત્રી ચેતનભાઇ સાતા અને સંન્નીભાઈ પુરોહિતના આચાર્ય પદે સંપન્ન થયું.
અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાની આ પ્રાચીન હોળી ગોમતી ઘાટ પર વર્ષોથી કરવામાં આવે છે જેમાં સ્થાનિક પ્રશાસન તેમજ અનેક સંસ્થાઓનું યોગદાન હોય છેલ્લા ઘણા વર્ષોથી આ હોળીનું સંચાલન દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા કરવામાં આવે છે. સૌપ્રથમ ગોમતીઘાટ પરની આ હોલિકાનું પૂજન દહન થયા બાદ દ્વારકાની અન્ય હોળીઓ પ્રગટાવવામાં આવે છે.
***
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિર પરીસર બહાર હોળીકા દહન સમયે ભાવિકોનું ઘોડાપુર

યાત્રાધામ દ્વારકાના જગતમંદિર પરીસર બહાર પરંપરાગત હોલિકા દહનનો ઉત્સવ યોજાયો હતો જેમાં યાત્રિકો સહિતના લોકોએ ભાગ લીધો હતો આ ઉપરાંત દ્વારકાના અલગ અલગ વિસ્તારો જેવા કે મંદિર ચોક, શાકમાર્કેટ ચોક, ગોમતી ઘાટ, બિરલા પ્લોટમાં આયોજકો દ્વારા હોળી પ્રગટાવી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દ્વારકામાં પરંપરાગત જાળવી રાખતા છાણાંની હોળીઓ બનાવવામાં આવે છે અને આ હોળી ઉપર હોલીકા દહનના પોસ્ટરો અને મૂર્તિઓ બનાવી હોળી પ્રગટાવવામાં આવી હતી જેમાં બહેનો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application