દ્વારકા જિલ્લામાં દીવાળીના તહેવારોને અનુલક્ષીને ફટાકડા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ

  • October 29, 2024 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના ગૃહ વિભાગની સૂચના તેમજ સુપ્રિમ કોર્ટના આદેશ અને માર્ગદર્શિકા અન્વયે ફટાકડાને કારણે પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા ફટાકડા ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકતા કેટલાક પ્રતિબંધો જાહેર કરાયા છે. જે મુજબ દિવાળીના તહેવારો કે અન્ય તહેવારો દરમિયાન રાત્રીના 8 થી રાત્રીના 10 કલાક દરમિયાન તેમજ ક્રિસમસ તથા નૂતન વર્ષના તહેવારમાં રાત્રે 11:55 થી 00:30 દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.


ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડાં પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે. સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ) રાખી, ફોડી કે વેચાણ કરી શકાશે નહીં. બેરીયમના ઉપયોગથી બનાવેલા ફટાકડા કોર્ટ દ્વારા પ્રતિબંધિત હોઈ તે રાખી, ફોડી કે વેચાણ કરી શકાશે નહીં. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે, તેમણે પણ સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલા ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે.


હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી કે વાપરી શકાશે. આ અધિકૃત માન્ય ફટાકડાના દરેક બોક્સ પર પી.ઈ.એસ.ઓ.ની સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણીક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તાર(સાયલન્ટ ઝોન)માં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઇ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી કે વેચાણ કરી શકાશે નહીં. તમામ ઇ-કોમર્સ વેબસાઇટ અત્રેના જિલ્લામાં ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઈ શકશે નહી કે ઓનલાઇન વેચાણ કરી શકશે નહી.


લોકોને અગવડ ઉભી ન થાય કે કોઇ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, સી.એન.જી. પંપ, એલ.પી.જી. બોટલીગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામોની નજીકમાં ફટાકડા ફોડી શકાશે નહી. કોઇ પણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ, આકાશી બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇ પણ સ્થળે ઉડાડી શકાશે નહી. સ્થાનિક કક્ષાએ સિનેમા ગૃહો, લોકલ કેબલ ઓપરેટરોએ આ આદેશો અંગેની જાહેરાતો અચૂકપણે દર્શાવવાની રહેશે. આ જાહેરનામું તા. 19 નવેમ્બર સુધી અમલમાં રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News