જામનગર તા.28 ફેબ્રુઆરી, આગામી તા.૦૧-૦૨/૦૩/૨૦૨૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરની મુલાકાતે છે. તા.૧ માર્ચના રોજ વડાપ્રધાન સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરનાર છે.
જે સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોનો ગેરલાભ લઈ મહાનુભાવની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચાડે તે હેતુથી અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૬૩ અન્વયે જામનગર જિલ્લાના એરફોર્સ સ્ટેશન, પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા, જામનગર એરપોર્ટથી લાલ બંગલા સંકુલ સુધીનો તથા મહાનુભાવોના આવવા-જવાના કોન્વોય રૂટ અને જામનગર (શહેર) થી લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) સુધીના જામનગર ખંભાળિયા હાઇવેના રસ્તાની આજુ-બાજુના વિસ્તારોને "નો ડ્રોન ફલાય ઝોન" જાહેર કરેલ છે.
તે વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામા આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપુર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ જાહેરનામાંમાંથી મુકિત આપવામાં આવે છે.
આ હુકમ તા.૨૮/૦૨/૨૦૨૫ ના કલાક ૦૦-૦૦ થી તા.૦૨/૦૩/૨૦૨૫ના ૨૩.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાંનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ તળે શિક્ષાપાત્ર થશે.