ભારે વરસાદના પગલે ખંભાળિયાના રસ્તાઓ મગરની પીઠ જેવા બન્યા

  • August 08, 2024 12:29 PM 

ભારે વરસાદના પગલે ખંભાળિયાના રસ્તાઓ મગરની પીઠ જેવા બન્યા


ખંભાળિયા શહેરમાં હાલ ચોમાસાની ઋતુમાં પ્રથમ વરસાદથી વરસી ગયેલા ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના માર્ગો જર્જરીત બની ગયા છે. ઠેર-ઠેર રસ્તા પરના પડેલા ગાબડાથી વાહન ચાલકો ભારે ત્રસ્ત બની ગયા છે અને રસ્તાના નબળા કામોના આક્ષેપો પણ સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે.

ખંભાળિયા શહેરમાં ચોમાસાના પ્રારંભથી જ વ્યાપક મેઘ મહેર વરસી હતી. આ વચ્ચે રસ્તા માટે આ મેઘ મહેર જાણે નુકસાનકર્તા સાબિત થઈ હોય તેમ નવા બનેલા રસ્તા તેમજ જુના રસ્તાઓ મહદ અંશે ધોવાઈ ગયા છે.

ખંભાળિયામાં જામનગર ફાટક તરફથી પ્રવેશવાના માર્ગ ઉપર મસ મોટા ગાબડા બની ગયા છે. આનાથી આગળ જડેશ્વર રોડથી ચાર રસ્તા સુધીનો લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો રસ્તો પણ ઠેર ઠેર ધોવાઈ ગયો છે.

રામનગર-રામનાથ મંદિર નજીકથી ગામમાં પ્રવેશતા પૂલ નજીકના મસમોટા ગાબડાથી અહીં નીકળતા વાહન ચાલકો નાના-મોટા અકસ્માતોનો ભોગ બને છે. અહીં ટુ વ્હીલર, રીક્ષા કે કારમાં નીકળતા લોકોના હાડકા ખોખરા થઈ જાય છે. શહેરમાં બજાણા રોડ પર દેના બેંક પાસેથી જોધપુર ગેઈટ તરફ જતા રસ્તાની હાલત પણ ખૂબ જ ખાસ્તા છે.

સ્ટેશન રોડ સહિતના અનેક નવા રસ્તાઓ પણ ધોવાઈ જતા વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો લોકો કરી રહ્યા છે. આ રીતે શહેરના ગુણવત્તા વગરના માર્ગો ધોવાઈ જતા હવે આગામી દિવસોમાં મુખ્યમંત્રી દ્વારા રોડ રીપેરીંગની ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો વહેલી તકે નગરપાલિકા દ્વારા સદુપયોગ કરવામાં આવે તેવી સુજ્ઞ નગરજનોમાં માંગ ઉઠી રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News