BREAKING NEWS

અમદાવાદમાં કૂતરા-પક્ષીઓને જ્યાં ત્યાં ખવડાવી શકાશે નહીંઃ સ્વચ્છતા માટે 275 સ્પોટ નક્કી કરાયા

  • May 22, 2026 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં આગામી સમયમાં શરૂ થઈ રહેલા 'સ્વચ્છતા સર્વેક્ષણ'ને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં ૨૭૫થી વધુ 'ડોગ અને બર્ડ ફીડિંગ સ્પોટ' (શ્વાન અને પક્ષીઓને ખવડાવવાની જગ્યાઓ) નક્કી કરવામાં આવ્યા છે. હવેથી પશુ-પક્ષી પ્રેમીઓએ માત્ર આ નિર્ધારિત કરેલા સ્પોટ ઉપર જ જઈને ફીડિંગ કરાવવાનું રહેશે. જો કોઈ નાગરિક આ નિયમનો ભંગ કરીને જાહેર રસ્તાઓ કે ફૂટપાથ પર ફીડિંગ કરાવશે અથવા ગંદકી ફેલાવશે તો તેમની સામે પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરી વહીવટી ચાર્જ એટલે કે દંડ વસૂલવામાં આવશે.


ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામા આવેલા હુકમ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમા જાહેર રસ્તા ઉપર કરવામા આવતા સ્પોટ મોનિટરિંગ કરી ઘટાડવામાં આવ્યા હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.


શહેરના ૪૮ વોર્ડમાં રખડતા શ્વાનને ખવડાવવા માટે અગાઉ ૧૨૬ ફીડિંગ સ્પોટ નકકી કરવામા આવ્યા હતા. ડોગ લવર્સની માંગણીને ધ્યાનમાં રાખીને વધુ ૨૫ સ્પોટ ઉમેરવામા આવશે. સી.એન.સી.ડી.વિભાગના નરેશ રાજપૂતે કહ્યું, જે સ્પોટ જાહેર કરવામા આવ્યા છે તેમાં ડોગ લવર્સ દ્વારા ફીડિંગ કરાવાતું હોય તેવા સ્પોટનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. સ્પોટ ઉપર ડોગ ફીડિંગ માટેના બોર્ડ પણ લગાવવામા આવેલા છે. સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં હાલમા પાંચ સ્પોટ ઉપર બર્ડ ફીડીંગ કરાવવામા આવી રહ્યું છે. 


સુપ્રીમ કોર્ટ તથા એનીમલ વેલ્ફેર ઓફ ઈન્ડિયાની વખતોવખતની ગાઈડલાઈન મુજબ જાહેર રસ્તાઓ ઉપર કરાવવામા આવતા ફીડિંગ સ્પોટની સંખ્યા અગાઉ કરતા ઘટાડાઈ છે. આ પાછળનું મુખ્ય કારણ નાગરિકો દ્વારા  જાહેર સ્થળો, રસ્તાઓ,ફૂટપાથ અને રહેણાંક વિસ્તારમાં રખડતા કૂતરાંઓને આડેધડ ખવડાવામા આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિથી કૂતરાં અંદરોઅંદર લડતા હોવાથી નાગરિકોની પાછળ પડતા હોવાથી અકસ્માત થવાની ઘટનાઓ બનતી હોય છે.


કૂતરાઓને ખવડાવવા માટેના સ્પોટમાં  મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના સ્મશાન, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, દાદા હરીની વાવ, અસારવા, પ્રેમ દરવાજા, સ્મશાનગૃહ, દૂધેશ્વર, ગોમતીપુર સ્મશાનગૃહ, સ્વામીનારાયણ મંદિર, વિરાટનગર, વસ્ત્રાલ સ્મશાનગૃહ, કેટલ પોન્ડ, હાટકેશ્વર તથા રામોલ સ્મશાનગૃહ, ક્રિસ્ટલ પેલેસ એરીયા, નિકોલ, નરોડા સ્મશાન તથા છ પાર્કિંગ પ્લોટ, ભીડભંજન હનુમાન મંદિર, બાપુનગર, ઘાટલોડીયા વોટર-ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, ઈસ્કોન તથા માનવ મંદિર, સાંઈબાબા મંદિર, મણિનગર સ્વામીનારાયણ મંદિર અને મદ્રાસી મંદિર સહિતના સ્પોટનો સમાવેશ થાય છે.

પક્ષીઓને ચણ ખવડાવા હોય એવા ઝોનવાઈઝ સ્પોટમાં પૂર્વમાં ૧૯, પશ્ચિમમાં ૨૫, ઉત્તરમાં ૨૨, દક્ષિણમાં ૧૯, મધ્યમાં ૨૦, ઉત્તર પશ્ચિમમાં ૨૦ અને દક્ષિણ પશ્ચિમમાં ૨૦ સ્પોટનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application