જામનગર અને દ્વારકા પોલીસ તંત્રમાં ખળભળાટ

  • June 17, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સૌરાષ્ટ્ર મેઇલનાં કથિત 'ઓપરેશન આલ્કોહોલ' માં ઓડીયો ક્લિપ ફરતી થતા હાલારનાં ખાખી બેડામાં ખળભળાટ: જી.આર.પી. જવાન તરીકે શરાબ પકડી કાર્યવાહી ન કરી 'તોડ' કરી ગયા એ કોણ...?


તાજેતરમાં સૌરાષ્ટ્ર મેઇલમાં કથિત ઓપરેશન આલ્કોહોલ થયાનો અહેવાલ અખબારોમાં ચમક્યો હતો. જેમાં મુંબઈથી શરાબનો નાનો જથ્થો ટ્રેન દ્વારા હાલારમાં લાવી નફો કમાતા શ્રમિક વર્ગનાં માણસો સાથે ખાખીએ 'ખેલ' કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.


   આ પ્રકરણ પ્રકાશમાં આવતા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. દરમ્યાન આ પ્રકરણ સંબંધિત કથિત ઓડીયો ક્લિપ પણ વહેતી થતા મામલો વધુ ગરમાયો છે.


     ઓડીયો ક્લિપ અનુસાર કોઇ હિન્દીભાષી અને સંભવિત પરપ્રાંતીય શખ્સ ભીમરાણાનાં કોઇ શખ્સને ફોન લગાડી કહે છે  કે મને પોલીસે પકડી લીધો છે ત્યાર પછી સામે છેડેથી ભીમરાણાનો શખ્સ પોલીસ સાથે વાત કરવા જણાવતા સુરક્ષાકર્મી વાત કરે છે ત્યારે ભીમરાણાનો શખ્સ કથિત સુરક્ષાકર્મી સાથે વાટાઘાટો કરવા પ્રયાસ કરે છે અને ૧૦ હજારનો આંકડો બોલાય છે. વાતચીત દરમ્યાન સુરક્ષાકર્મી પોતે જી.આર.પી. માં હોવાનું જણાવે છે. ત્યારે સામે છેડેથી સંબંધિત ખાતા સાથે જોડાયેલ જામનગરનાં એક નિવૃત્ત અધિકારીનો નામોલ્લેખ કરી થોડો પ્રભાવ પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ આ પ્રયત્ન નિષ્ફળ નીવડે છે.


    એ પછી જી.આર.પી. નાં સુરક્ષાકર્મી તરીકે ઓળખ આપનાર વ્યક્તિ ભીમરાણાનાં શખ્સ સાથે ટેલિફોનિક વાતતીત કરી સૌપ્રથમ રેલ્વે પોલીસમાંથી બોલતા હોવાનું જણાવી  હેતુલક્ષી વાતચીત કરી પછી જામનગર જી.આર.પી. માંથી બોલતા હોવાનું જણાવી

વહીવટ કરવા થોડા રૂઆબ સાથે દબાણપૂર્વક સ્વરમાં જણાવે છે કે કેસ કરૂં છું અને તમને વોન્ટેડ બતાવીએ છીએ એ પછી વહીવટનાં ઇરાદે ભીમરાણાનાં શખ્સને ભાટીયા સ્ટેશન આવી જવા હુકમ કરે છે ત્યારે સામે છેડેથી ભીમરાણાનો શખ્સ કોઇ સગાની અંતિમક્રિયામાં આવ્યો હોવાનું કહી તાત્કાલિક આવી શકે એમ ન હોય એવો સ્વર વ્યકત કરતા જી.આર.પી. જવાન તરીકે ઓળખ આપી વાત કરતા શખ્સે વિફરેલા સ્વરમાં કેસ કરવાની અને વોન્ટેડ જાહેર કરવાની તથા વોરન્ટ જાહેર કરવાની ચીમકી આપી હતી.


    એ પછીનો ઘટનાક્રમ હિન્દીભાષી શખ્સ અને ભીમરાણાનાં શખ્સ વચ્ચેની વાતચીતનાં ઓડીયોમાં સાંભળવા મળે છે. જેમાં વાટાઘાટોને પગલે ૫ હજારમાં વહીવટ સેટ થયો હોવાનું જણાવી હિન્દીભાષી શખ્સ ભીમરાણાનાં શખ્સ પાસે અડધી રકમની મદદ કરવા જણાવે છે. આખરે હિન્દીભાષી શખ્સ ૩ હજારમાં બધુ થાળે પડ્યું હોવાનું જણાવી પોતાનો માલ પણ કથિત જી.આર.પી. નાં જવાનોએ લઇ લીધો હોવા સહિતની આપવીતી જણાવે છે.


   સોશ્યલ મિડીયામાં વહેતી થયેલી આ ૫-૬ ઓડીયો ક્લિપથી 'ઓપરેશન આલ્કોહોલ'ને પ્રાથમિક સમર્થન  મળે છે. ઉપરાંત જી.આર.પી. ની ભૂમિકા ઉપર પણ સવાલ ઉદભવતા તપાસ જરૂરી બની જાય છે.


    જી.આર.પી.નાં સુરક્ષાકર્મી તરીકે કોઇ ભેજાભાજોએ આ કાંડ કર્યુ? કે પછી સાચે જ જી.આર.પી. નાં સુરક્ષાકર્મીઓની કોઇ સંડોવણી છે? આ બંને સંભાવનાઓ ગંભીર હોય તેની સત્યતા બહાર આવવી જ જોઇએ. દરમ્યાન આ પ્રકરણમાં ખાખી એ આંતરીક રીતે તપાસનો ધમધમાટ ચાલુ કરી દિધો હોવાનો પણ ગણગણાટ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application