ત્રણને ઇજા : એક જૂથ સામે હુમલાની ફરિયાદ
જામજોધપુરના દલદેવળીયાની સીમમાં રસ્તાના મામલે બબાલ થઇ હતી જેમાં ત્રણ વ્યકિતને માર મારી તેમજ ધમકી દીધાની નરમાળા ગામના બે શખ્સ અને એક ખેતમુજર સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામજોધપુર તાલુકાના નરમાળા ગામમાં રહીને ખેતી કામ કરતા દશરથ સિંહ નટુભા જાડેજા નામના ૩૭ વર્ષના ખેડૂત યુવાને વાડીએ જવા માટેના રસ્તા બાબતે તેમજ જૂની અદાવત નું મનદુ:ખ રાખીને પોતાના ઉપર તેમજ પોતાના કુટુંબના ધ્રુવસિંહ તેમજ વિક્રમસિંહ ઉપર લાકડી-ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમા વાડી ધરાવતા હરદેવસિંહ રતુભા જાડેજા, રવિરાજસિંહ રતુભા જાડેજા અને દીલાભાઇ વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અને આરોપી બંનેની વાડી બાજુ બાજુમાં આવેલી છે, અને વાડીમાં જવાના રસ્તા બાબતે બંને વચ્ચે તકરાર ચાલે છે, જેના મન દુ:ખના કારણે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં અરજીનો ખાર રાખી યુવાન પર છરીબાજી
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે અગાઉ કરેલી અરજીનો ખાર રાખીને એક યુવાન પર છરી અને ઢીકાપાટુ વડે હુમલો કરી ઇજા કર્યાની તેમજ ધમકી દીધાની બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરમાં રબ્બાની પાર્ક વિસ્તારમાં રહેતા ગુલામભાઈ હાજીભાઈ શેખ નામના ૩૧ વર્ષના યુવાન પર રાજકોટના શાપર ગામમાં રહેતા અર્જુનસિંહ વિજયસિંહ સોઢા તેમજ જામનગરના લાલખાણમાં રહેતા અલ્તાફ જુમ્માભાઈ ગોધાવીયાએ છરી વડે હુમલો કરી તેમજ ઢીકાપાટુનો માર માર માર્યો હતો આથી યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જે બંન્ને હુમલાખોરો સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી અને આરોપી કે જેઓને બે વર્ષ પહેલાં ઝઘડો થયો હતો, અને ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી, તેનો ખાર રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.