પત્રકારની હત્યાની કોશિશના ગુનામાં ડિસ્ચાર્જ કરવાની તા.પં.ના પૂર્વ પદાધિકારીની અરજી રદ

  • February 16, 2024 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જિલ્લા એસપી કચેરી પાસે વાહનો અથડાવા બાબતે બાઇકસવાર પત્રકારની હત્યાની કોશિશના ૬ વર્ષ પહેલાના કેસમાંથી આરોપી ડિસ્ચાર્જ કરવાની તાલુકા પંચાયતના પૂર્વ પદાધિકારી ગૌતમ કાનગડની અરજી સેશન્સ અદાલતે ફગાવી દીધી છે.આ કેસની હકીકત મુજબ, ગઈ તા. ૦૪ ૧૨ ૨૦૧૮ના રોજ રાજકોટના પત્રકાર રહીમ લાખાણી તેના મોટરસાઇકલ લઈને જિલ્લા એસપીની પ્રેસ કોન્ફરન્સમાં જતા હતા, ત્યારે કચેરીના ગેટ પાસે પહોંચતા જ રિવર્સ ઈનોવા કાર ડાબા પગ સાથે ભટકાવા બાબતે રહીમ લાખાણીએ 'જોઈને કાર રિવર્સમાં લેવા' કહેતા બોલાચાલીમાં કારચાલકે કારમાંથી નીચે ઉતરી રહીમ લાખાણીને ગાલે બે–ત્રણ તમાચા મારી ગળેચીપ દઇ, મારી ગાડીમાં ઓલી પડેલી છે નહી તો છ એ છ તારા શરીરમાં ઉતારી દેત તેવું કહી ઈજાઓ કરી હોવા બાબતે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં કારચાલક ગૌતમ નિર્મળભાઈ કાનગડ વિધ્ધ આઈ.પી.સી. કલમ– ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) હેઠળની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપીની અટક અને ધોરણસરની કાર્યવાહી થઈ હતી. આ કામના આરોપીએ સેશન્સ કોર્ટમાં આ ગુનાના કામે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી.

આ કામે સરકાર તરફે એજીપી પરાગ એન. શાહે હાજર થઇ પોલીસ પેપર્સ વંચાણે લઈ દલીલો કરી હતી. જેમાં આરોપીના નામજોગ ફરીયાદ છે, જે ઈજાઓ આરોપીએ ફરિયાદીને ઇજા કરેલ છે તેની બાબત અથવા સંજોગો જોઈએ તો સામાન્ય બાબતમાં તેને આવી ગંભીર ઈજાઓ કરી હતી, અને ફરિયાદીને ગળાચીપ દઇ ધમકી આપી હોવાનો પોલીસ પેપરમાં ઉલ્લેખ છે, મેડિકલ પેપર્સમાં પણ ઈજા પામનારના ગળા ઉપર નખના નિશાનનો ઉલ્લેખ છે. ઈજા પામનાર પત્રકાર હોય અને તેના કેમેરામેન નજરે જોનાર સાક્ષી છે, તેનાથી ગુનાની ગંભીરતા ઓછી થતી નથી. સહિતની રજૂઆતો ધ્યાને લઇ સેશન્સ કોર્ટે આરોપી ગૌતમ નિર્મળભાઈ કાનગડની ડિસ્ચાર્જ અરજી નામંજુર કરી છે. આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application