ચેરમેનપદ માટે ધર્મરાજસિંહનો ઘોડો આગળ..?

  • September 06, 2023 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનુભવી અને જ્ઞાતિ સમીકરણોના કારણે તાજ મળવાની શક્યતા ઉજળી?: શહેર પ્રમુખપદના પણ દાવેદાર રહી ચૂક્યા છે: અનુભવી નગરસેવક તરીકે પણ ગણી શકાય: ર૦૦૭ પછી ક્ષત્રિય સમાજને કોર્પોરેશનમાં કોઈ પદ મળ્યું નથી: આ બધાં કારણો ધર્મરાજસિંહની ફેવરના કહી શકાય

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનપદનો તાજ આ વખતે વધુ ચર્ચામાં છે અને મળી રહેલાં સંકેતો મુજબ કદાચ અનુભવી નગરસેવક ધર્મરાજસિંહ જાડેજાને આ તાજ મળી શકે છે એવી સંભાવનાઓ પ્રબળ બની છે અને તેના કેટલાંક કારણો પણ છે.
આમ તો ચેરમેનપદ માટે ૧૬ જેટલાં દાવેદાર છે, તેમાં મોટા ભાગના ચહેરા શક્તિશાળી છે અથવા એમની પાછળ કોઈને કોઈ શક્તિ કામ કરી રહી છે. આ બધાં સંજોગોમાં કૌન બનેગા ચેરમેન? એ મુદ્દો ચર્ચાના એરણે છે, ત્યારે સંકેતો એવું દર્શાવી રહ્યાં છે કે કદાચ ઉપરોકત નામ પર હાઈ કમાન્ડની મહોર લાગી શકે છે.
ધર્મરાજસિંહ જાડેજાની નગરસેવક તરીકે બે ટર્મથી કાર્યરત્ છે, અગાઉ તેઓ શાસક પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને આથી વધુ નોંધપાત્ર બાબત એ છે કે, જામનગરના શહેર સંગઠ્ઠનમાં ૧૦ વર્ષ સુધી કામ કરી ચૂક્યા છે. આટલું જ નહીં, ગત વખતે જ્યારે શહેર ભાજપ પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે વિમલ કગથરાની સાથે-સાથે ધર્મરાજસિંહ જાડેજાનું નામ પણ ટોંચ પર ચાલતું હતું અને આખરે પસંદગી કગથરાની થઈ હતી.
આમ એમની પાસે શહેર સંગઠ્ઠનમાં કામ કરવાનો અનુભવ છે ઉપરાંત મહાનગર પાલિકામાં પણ કામગીરી કરવાનો એક્સિપીરિયન્સ તેઓ ધરાવે છે.
બીજું જો જ્ઞાતિના સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવે તો ર૦૦૭ પછી મહાનગર પાલિકામાં ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજને કોઈ પદ આપવામાં આવેલ નથી એ બાબત પણ ધર્મરાજસિંહની ફેવરમાં જાય છે.
હાલના જે દાવેદારો છે એ તમામ સક્ષમ છે-સારા છે, કોઈ ઓછા ઊતરે એવા નથી... પરંતુ આ બધાંમાં કામગીરીની દૃષ્ટિએ અનુભવના પરિપ્રેક્ષ્યમાં ધર્મરાજસિંહ જાડેજાનું નામ આગળ મૂકી શકાય એમ હોવાથી એવી સંભાવના છે કે, કદાચ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનપદનો તાજ એમને મળી શકે છે.... બાકી તો ભારતીય જનતા પાર્ટીના નિર્ણયોને ક્યારેય કોઈ ઓળખી શક્યું નથી, કોથળાંમાંથી બિલાડું પણ નીકળી શકે છે!!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application