હાલારમાં રામનવમીની ભકિતભાવપુર્ણ ઉજવણી: તડામાર તૈયારી

  • April 05, 2025 11:54 AM 

આવતીકાલે સાંજે ૫ વાગ્યે બાલાહનુમાન મંદિરેથી રામલલ્લાની વિશાળ રામસવારી નિકળશે જે શહેરના મુખ્યમાર્ગો પર ફરશે: બપોરે ૧૨ વાગ્યે લોહાણા મહાજન વાડીમાં આવેલા રામ મંદિરમાં થશે આરતી: રામ ભકતોમાં અનેરો ઉત્સાહ


જામનગર સહિત સમગ્ર હાલારમાં આવતીકાલે ભગવાન શ્રી રામના જન્મદિવસની ભકિતભાવ ભેર ઉજવણી કરવા માટેની તડામાર તૈયારી ચાલી રહી છે, છોટીકાશી રામમયી બની રહ્યું છે, ગઇકાલે પ્રભાતફેરી યોજાયા બાદ રવિવારે સાંજે ૫ વાગ્યે બાલાહનુમાન મંદિરેથી એક ભવ્ય વિશાળ રામસવારી નિકળશે જે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે, રસ્તામાં ઠેર-ઠેર સ્વાગત કરાશે, તાલુકા મથકના રામ મંદિરોમાં અને જામનગરમાં આવેલા લોહાણા મહાજન વાડીમાં રામ મંદિરમાં બપોરે ૧૨ વાગ્યે આવતીકાલે આરતી થશે અને પ્રસાદ વિતરણ કરાશે. કાલે સવારે હિન્દુ સંસ્થાઓ દ્વારા વિશાળ શોભાયાત્રા પણ યોજાશે અને રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન રામધૂન યોજાશે, પાંજરાપોળમાં ગૌ પૂજન, ગાયોને લાડુ, ચારો, નૂતન ઘ્વજારોહણ સહિતના અનેક કાર્યક્રમો યોજાશે, આમ હાલાર રામમયી બની ગયું છે. 


બેડેશ્ર્વર રામસવારી સેવા સમિતિ તથા વિ.હી.પ.ના ઉપક્રમે રવિવાર તા.૬ના રોજ સાંજે ૪:૩૦ કલાકે બેડેશ્ર્વર ધરારનગર રામ મંદિર ખાતે યોજાનાર વિશાળ શોભાયાત્રામાં હિન્દુઓને ઉપસ્થિત રહેવા બેડેશ્ર્વર શ્રમજીવી મંડળના પ્રમુખ અને વિ.હિ.પ. જામનગર શહેરના અઘ્યક્ષની યાદીમાં જણાવાયું છે, કાલાવડમાં પણ ફલકુડી નદીના કાંઠે આવેલ રામ મંદિરમાં બપોરે ૧૨ વાગ્યે આરતી થશે, જેમાં ભકતો જોડાશે, હાલારમાં દ્વારકા, ઓખા, ભાટીયા, રાવલ, ધ્રોલ, જોડીયા, કાલાવડ, ફલ્લા, જામજોધપુર, કલ્યાણપુર, લાલપુર સહિતના ગામોમાં પણ આવતીકાલે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, અનેક સ્થળોએ રામધૂન, રામચંદ્ર પ્રાગટય મહોત્સવ, ગૌ પૂજન, ભગવાન રામચંદ્રજીનું પુજન, રામ મંદિર ઉપર નૂતન ઘ્વજારોહણ, ભગવાનના પ્રાગટયની આરતી, પ્રસાદ, બટુક ભોજન, સંતવાણી, શોભાયાત્રા, પ્રભાતફેરી સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવેલ છે. 


ભગવાન શ્રીરામચંદ્રજીના મંદિરને રંગબેરંગી રોશનીથી ઝળહળતું બનાવાયું

જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત લોહાણા મહાજન વાડી ના પરિસરમાં આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં આગામી રવિવારે રામનવમીના પાવન અવસર પર ધૂન ભજન મહા આરતી સહિતના અનેક કાર્યક્રમનો યોજાઇ રહ્યા છે તેમજ ધ્વજારોહણ સહિતના અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોહાણા જ્ઞાતિ દ્વારા પ્રભુ શ્રી રામચંદ્રજીના સમગ્ર મંદિર પરિસરને ઝળહળતી રોશનીથી સજજ બનાવી દેવામાં આવ્યું છે અને રંગબેરંગી રોશનીથી સજ્જ મંદિર પરિસરનો અનન્ય નજારો નિહાળી શકાય છે. જયાં આવતીકાલથી રામધૂન પણ શરૂ કરી દેવામાં આવશે.


જામનગરમાં નીકળનારી ૪૪ મી રામ સવારીના વિશેષ આકર્ષણો

છોટીકાશીના ઉપનામથી પ્રચલિત જામનગર શહેરમાં આગામી રવિવારે ૪૪મી રામ સવારી યોજાવા જઈ રહી છે ત્યારે મહાદેવહર મિત્ર મંડળ સહિતના મંડળો દ્વારા વિશેષ રૂપે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ વખતે પણ રામ સવારીના જુદા-જુદા ફ્લોટમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીના અનેક સ્વરૂપ જોવા મળશે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીની મુખ્ય પાલખીને  તૈયાર કરવામાં આવે છે જેમાં ભગવાન શ્રી રામ તેમજ લક્ષમણ અને માતા જાનકી વનવાસ પૂર્ણ કરીને એક રથમાં બિરાજમાન થઈને જે રીતે અયોધ્યા પરત ફરે છે, તેવી પ્રતિતી થાય તેને અનુરૂપ વિશેષ ગુલાબી વેશભૂષા સાથેનો રથ તૈયાર કરવામાં આવ્યો છે અને કલરફુલ લાઇટિંગ અને ફૂલો સાથે ભગવાન શ્રીરામ લક્ષ્મણ જાનકીને તથા હનુમાનજીને બિરાજમાન કરીને સુંદર અને આકર્ષક રથ તૈયાર કરી તેનું નગર ભ્રમણ કરાવશે જેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application