દેવધરી બ્રાન્ચ પોસ્ટ માસ્તરને સજા, દંડનો વીંછિયા કોર્ટનો હુકમ સેશન્સે કાયમ રાખ્યો

  • March 06, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિંછીયા તાલુકાના દેવધરી ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે સુકન્યા સમૃદ્ધિ યોજના હસ્તકના પોસ્ટ ખાતામાં રકમ જમા નહીં લઇ ખાતેદારની પાસબુકમાં એન્ટ્રી આપી હજારો રૂપિયાની છેતરપિંડી આચર્યાના કેસમાં અદાલતના ત્રણ વર્ષની સજા અને દંડના હુકમ સામેની અપીલ રાજકોટ સેશન્સ કોર્ટે નામંજૂર કરી નીચલી કોર્ટનો સજા દંડનો હુકમ કાયમ રાખ્યો છે.

આ કેસની હકીકત મુજબ, દેવધરી ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્તર વલ્લભ ઉર્ફે વિક્રમ લઘરાભાઈ ભગતે પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળના ખાતેદારો દ્વારા તેમના ખાતા માટે સુપરત કરવા માટે આપેલા નાણાની ખાતેદારની પાસબુકમાં એન્ટ્રી આપી, પોસ્ટ ઓફિસના ચોપડામાં એન્ટ્રી નહીં આપી રકમ ખિસ્સામાં મૂકી દઇ મોટી રકમની ઉચાપત છેતરપિંડી આચરી હોવા બાબતે પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારી રૂપકકુમાર સિંહાએ વિંછીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વલ્લભ ઉર્ફે વિક્રમ લઘરાભાઈ ભગત સામે ધોરણસરની કાર્યવાહી અને તપાસ યોજી ચાર્જશીટ મૂક્યું હતું, જે કેસ કોર્ટમાં ચાલતા પુરાવો આરોપી વિરુદ્ધ આવતા વીંછિયા પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કૃતેશ એન. જોષીએ આઈપીસી કલમ 409 મુજબ ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા 10 હજાર રૂપિયા દંડ ન ભરે તો વધુ 60 દિવસની સજા કરવાનો હુકમ ફરમાવ્યો હતો. નીચલી કોર્ટના સજા અને દંડના હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જે અપીલ ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ બીનલબેન રવેશીયાએ કોર્ટમાં સરકાર પક્ષે દલીલો કરી હતી કે હાલના આરોપી બ્રાન્ચ પોસ્ટ માસ્તર વલ્લભ ઉર્ફે વિક્રમ વિરુદ્ધ તમામ સાહેદોએ કોર્ટમાં પુરાવો આપેલ છે અને હાલના કેસમાં આરોપીએ ઉચાપત કરી હોવાનું સ્પષ્ટ જણાઈ આવેલ છે અને સજાની જોગવાઈ જોઈએ તો આઇપીસી કલમ 409માં લાઈફ સજાની જોગવાઈ છે, જેથી અરજદાર આરોપીએ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીઓના પૈસાની ઉચાપત કરેલ છે તો આવા આરોપીઓને સજા વધારવા માટે દલીલ કરી હતી. એડિશનલ સેશન્સ જજ મકવાણાએ આરોપીની અપીલ ડિસમિસ કરીને નીચલી કોર્ટનો સજાદંડનો ચુકાદો કાયમ રાખવા આરોપી વલ્લભ ઉર્ફે વિક્રમ ભગતને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ ફરમાવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application