સુપ્રીમકોર્ટના ન્યાયાધીશોની સંપતિની વિગતો જાહેર કરાશે

  • April 03, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું કે તમામ ન્યાયાધીશોને તેમની સંપત્તિની વિગતો જાહેર કરવા કહેવામાં આવ્યું છે. આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં તમામ ન્યાયાધીશોની ફુલ કોર્ટ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આ બાબતે સર્વાનુમતે સંમતિ આપવામાં આવી હતી. બધા જજો સીજેઆઈ ખન્ના સમક્ષ પોતાની સંપત્તિ જાહેર કરવા સંમત થયા. જે બાદ જસ્ટિસ ખન્નાએ કહ્યું કે ન્યાયાધીશોની સંપત્તિની ઘોષણા સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.


આ નિર્ણય પહેલીવાર 1997માં લેવામાં આવ્યો હતો. એ પછી હાઈકોર્ટે પણ આ માટે સંમતિ આપી. 2009 માં, બધી હાઈકોર્ટ તેના માટે સંમત થઈ પરંતુ તેનો અમલ કરવો મુશ્કેલ બન્યો. કારણ કે તે પહેલા સ્વૈચ્છિક હતું. હવે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં આ અંગે સર્વસંમતિ છે. તો આ ટૂંક સમયમાં થતું જોવા મળી શકે છે. આ અંગેની સત્તાવાર માહિતી સુપ્રીમ કોર્ટ તરફથી ટૂંક સમયમાં આવશે. શક્ય છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી, હાઈકોર્ટના ન્યાયાધીશો પણ આ દિશામાં આગળ વધતા જોવા મળે.


7 મે,1997ના રોજ સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જે.એસ.ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ ઠરાવ અપનાવવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે દરેક ન્યાયાધીશ મુખ્ય ન્યાયાધીશ સમક્ષ તેમના દ્વારા, તેમના જીવનસાથી દ્વારા અથવા તેમના પર આશ્રિત અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા સ્થાવર મિલકત અથવા રોકાણોના નામે રાખવામાં આવેલી બધી સંપત્તિ જાહેર કરશે. 28 ઓગસ્ટ, 2009 ના રોજ દિલ્હી હાઈકોર્ટે એક ઠરાવ પસાર કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે બધા ન્યાયાધીશો તેમની સંપત્તિ જાહેર કરવા સંમત થયા છે.


જેના પગલે 8 સપ્ટેમ્બર, 2009 ના રોજ સુપ્રીમ કોર્ટની પૂર્ણ બેન્ચે 31 ઓક્ટોબર, 2009 ના રોજ અથવા તે પહેલાં તેની સત્તાવાર વેબસાઇટ પર ન્યાયાધીશોની સંપત્તિ જાહેર કરવાનો નિર્ણય લીધો અને કહ્યું કે આ સંપૂર્ણપણે સ્વૈચ્છિક ધોરણે હશે પરંતુ એવું સતત જોવા મળ્યું છે કે ન્યાયાધીશો તેમની સંપત્તિ જાહેર કરતા નથી અને આ જ કારણ હતું કે આજે સીજેઆઈ સંજીવ ખન્નાએ ફરી એકવાર બધા ન્યાયાધીશોને આ નિર્ણયની યાદ અપાવી. એ પછી બધા ન્યાયાધીશોએ સર્વસંમતિથી મિલકતને જાહેર કરવાનો નિર્ણય લીધો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application