પેપર વર્ક પુરૂ, એક્શન શરૂ: રાજકોટના જંગલેશ્વરમાં કુખ્યાત જાવીદ જુણેજાના ઘર પર બુલડોઝર ફરી વળ્યું, હવે પોલીસ પર હુમલો કરનાર માજીદ ભાણુનો વારો

  • March 20, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળીને તળિયે ગયા બાદ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગે કરેલા આદેશ બાદ રાજ્ય પોલીસવડા દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની સામે નોંધપાત્ર કાર્યવાહી કરવા રાજ્યભરની પોલીસને સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ શહેરને રંજાડનાર 756 અ સામાજિક તત્વોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે અને હવે પોલીસે પેપર વર્ક પૂરું કરી એકશન શરૂ કરી હોય તેમ ગઈકાલ સાંજે શહેરના સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં માદક પદાર્થની હેરફેરના એકથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા નામચીન શખસ જાવેદ જુણેજાના ગેરકાયદે મકાન પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતો.


રાજકોટના સંવેદનશીલ એવા જંગલેશ્વર વિસ્તારમાં શેરી નંબર છ માં આવેલા નામચીન આરોપી જાવીદ જુસબ જુણેજાનું મકાન ગેરકાયદે હોય ગઈકાલ સાંજે ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-૧ સજજનસિંહ પરમાર,એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજા સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો જંગલેશ્વરમાં પહોંચ્યો હતો. જેસીબી સાથે મહાનગરપાલિકાની ટીમ અને પીજીવીનો સ્ટાફ પણ હાજર હતો અહીં રહેતી કુખ્યાત મહિલા રમાના પતિ જાવીદ જૂણજાએ બનાવેલા બે માળના મકાનમાં ગ્રાઉન્ડ ફલોર પર ચાર ઓરડીઓ અને ઉપરના માળે ચાર ઓરડીઓ બનાવી હોય જે તમામમાં ભાડુઆત રહેતા હોય પોલીસે ભાડુઆતાને બહાર કાઢ્યા હતા પીજીવીસીએલની ટીમ અહીં આવી જ કનેક્શન કાપી નાખ્યું હતું. બાદમાં મહાપાલિકાની ટીમના સભ્યોએ મકાનનું ડિમોશન શરૂ કર્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે, જેના મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે તે જાવીદ સામે અગાઉ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં ભક્તિનગર પોલીસ મથકમાં દારૂના 10, જાહેરનામા ભંગ તથા એનડીપીએસના મળી કુલ 12 ગુના નોંધાઈ ચૂક્યા છે. તેની પત્ની રમા પણ માદક પદાર્થની હેરફેર સહિતના ગુનામાં પોલીસ ચોકડી ચડી ચૂકી છે. છ મહિના પહેલા પોલીસે આ મકાનમાંથી 51 કિલો ગાંજા સાથે જાવીદ જુણેજા અને તેના સાગરીતને પકડ્યા હતા જે તમામ આરોપી હાલ જેલમાં છે. રમા અને તેના પતિ જાવીદ પોલીસની હીટલીસ્ટમાં આવતા જ પોલીસે મંગળવારે મહાપાલીકાને જાણ કરી ડિમોલિશનની નોટિસ આપવા કહ્યું હતું. મનપાએ મંગળવારે વધુ એક વખત નોટિસ આપી હતી અને બુધવારે ગેરકાયદે મકાનો ડિમોલિશન કરી નાખવામાં આવ્યું હતું. જંગલેશ્વર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચી જતા એક તબક્કે આ સંવેદનશીલ વિસ્તારમાં રહેતા અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.


હવે પોલીસ પર હુમલો કરનાર માજીદ ભાણુંનો વારો
માથાભારે અને લુખ્ખા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકતોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ગઈકાલે જંગલેશ્વરમાં જાવીદ જુણેજાના મકાનનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, તાજેતરમાં જ પોલીસ પર હુમલો કરી પડકાર ફેંકનાર નામચીન માજીદ રફીકભાઈ ભાણુંનું મકાન ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. જેથી ટૂંક સમયમાં જ તેના મકાન પર પણ બુલડોઝર ફેરવી દેવાશે તેવું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application