Cyclone Dana: મોડીરાત્રે ઓડિશામાં ટકરાશે વાવાઝોડું, બંગાળ સહિત 7 રાજ્યને અસર, 500 થી વધુ ટ્રેન રદ્દ 

  • October 24, 2024 06:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચક્રવાત 'દાના' આજે મોડી રાતે ઓડિશાના કિનારે ટકરાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત દાના ભીતરકણિકા અને ધામરા વચ્ચે લેન્ડફોલ કરશે. લેન્ડફોલ સમયે પવનની ગતિ 100-120 કિમી પ્રતિ કલાકની રહેશે. જગતસિંહપુર જિલ્લામાં પણ તેનો પ્રકોપ જોવા મળશે.


વિવિધ બીચ પર કલમ 144 લાગુ
કેન્દ્રપાડા રાજગનાર સહિત પારદીપ અને ચંદ્રભાગા, પુરી સમુદ્રની વચ્ચે દરિયામાં કરંટ જોવા મળ્યો. આવી સ્થિતિમાં સાવચેતીના પગલા તરીકે વિવિધ બીચ પર કલમ ​​144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત પારાદીપથી ઈરાસામા સિયાલી સુધીના દરિયાકિનારા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. 


16 માછીમારો થયા ગુમ
ચક્રવાત દાનાના આગમન પહેલા જ બંગાળના શમશેરગંજ અને ફરક્કા વિસ્તારમાં તોફાનને કારણે ત્રણ બોટ ડૂબી જતાં 16 માછીમારો ગુમ થઈ ગયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તેમને શોધી રહી છે. માછીમારોના જૂથની સાથે 10 થી 12 વર્ષની વયના ઘણા બાળકો પણ બોટમાં હતા. વહીવટીતંત્રની ચેતવણી છતાં તેઓ માછલી પકડવા નીકળ્યા હતા.


બલેશ્વરમાં વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ
બલેશ્વરમાં જિલ્લામાં આજે કુલ 108,479 લોકોને અસ્થાયી શિબિરોમાં લાવવામાં આવ્યા હતા અને તેમને મધ્યાહન ભોજન આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે પોલીસ દળની કુલ 16 પ્લાટુન તૈનાત કરવામાં આવી છે અને 147 તબીબી ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે 24 મોબાઈલ હેલ્થ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અને 12 વેટરનરી ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.


વૃક્ષો થયા ધરાશાઈ
ચક્રવાત દાના જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની તીવ્રતા પણ તે મુજબ વધી રહી છે. પવનની ઝડપ વધવાની સાથે વરસાદ પણ વધી રહ્યો છે. વધતા પવનને કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે. કેન્દ્રપરા અને મહાકાલપરામાં વિવિધ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. 



બ્રહ્માણી નદીમાં પૂર જેવી સ્થિતિ 
ઓડિશામાં ભારે વરસાદને કારણે બ્રહ્માણી નદીમાં પાણી ની આવક વધતા જળસપાટીમાં વધારો થયો છે અને બ્રહ્માણી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.


ફ્લાઇટ્સ અને ટ્રેન રદ્દ
ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી 16 કલાક લગભગ 300 ફ્લાઇટ્સ કેન્સલ રહેશે. આ ઉપરાંત અહીં સાઉથ ઈસ્ટ રેલવેએ 150 ટ્રેન, ઈસ્ટ કોસ્ટ રેલવેએ 198 ટ્રેન, ઈસ્ટર્ન રેલવેએ 190 ટ્રેન અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેએ 14 ટ્રેન કેન્સલ કરી છે. કુલ 552 ટ્રેન રદ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application