ભૂકંપની સહાયમાં ગેરરિતી કરનાર ગાંધીધામ મહાપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર, ભત્રીજા સામે ગુનો દાખલ કરવા અદાલતનો હુકમ

  • February 21, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છમાં ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં આવેલા ભૂકંપથી અસરગ્રસ્તો સરકારે આર્થિક સહાય જાહેર કરી હતી . રહેણાંકના પ્લોટના ખોટા  દસ્તાવેજ બનાવી, ખોટા સોગંદનામાં કરી ગુનાહિત કૃત્ય થકી સરકાર પાસેથી સહાય અને પ્લોટ મેળવવા બદલ ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર અને ભત્રીજા વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવા ગાંધીધામની પ્રથમ વર્ગના ન્યાયાધીશની કોર્ટમાં હુકમ કરવામાં આવેલ  હતો.
કેસની વિગત એવી છે કે કચ્છમાં તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના આવેલા ધરતીકંપ થી અનેક પરિવારોએ પોતાના સ્વજનો અને મિલકતો ગુમાવી હતી. ગાંધીધામ આદિપુરમાં ભૂકંપથી અસરગ્રસ્ત લોકોને રાજ્ય સરકારે  સહાય તથા સેકટર ડીસી-૫ આદિપુરમાં ૧૦૦ ચોરસ મીટરનો પ્લોટ પરિવાર દીઠ ફાળવવાનું પેકેજ જાહેર કર્યું હતું. પેકેજની જોગવાઈ હતી કે ભુકંપમાં નષ્ટ થયેલ એપાર્ટમેન્ટના બિલ્ડર કે તેના પરિવારજનોને રોકડ સહાય કે પ્લોટ મળવાપાત્ર ન હતી.  શહેરમાં  વોર્ડ ૧૨/બી સ્ક્વેર એપાર્ટમેન્ટ ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ રામચંદ નિહાલાણી, તેના ભાઇ રાજકુમાર નિહાલાણી તથા અન્ય બે ભાગીદારોએ બનાવ્યું હતું. આ એપાર્ટમેન્ટમાં અમુક પ્લેટો વેચાણ વગરના બાકી હતા. પૂર્વ પ્રમુખ સુરેશ નિહાલાણીના પુત્ર મનીષ નિહાલાણી અને ભત્રીજા અમિત રાજકુમાર નિહાલાણીએ મામલતદાર કચેરીએ ખોટી રીતે પ્લોટ સરકાર પાસેથી મેળવવામાં મામલતદારને ખોટી  હકીકત વાળી અરજી કરી હતી. આ અંગેની રજૂઆત હતી કે પોતે સહપરિવાર એપાર્ટમેન્ટમાં રહેતા હતા. સોગંદનામુ કર્યું હતું કે પોતે એપાર્ટમેન્ટના પ્રમોટર નથી. ખોટી રજૂઆત અને ગુનાહિત કૃત્યના આધારે તેમને  મકાન સહાયની રોકડ રકમ સહાય તથા સેક્ટર ડી સી ફાઈવમાં રહેણાંકના પ્લોટો મેળવ્યા હતા. જોકે, તેઓ વૈભવી બંગલામાં રહેતા હતા. સ્ક્વેર એપાર્ટમેન્ટમાં ક્યારેય રહેતા ન હતા. બિલ્ડરના પુત્ર હોય પ્રમોટરની વ્યાખ્યામાં આવી જતા હતા.બંને સામે  નાગરિક શંકર અડવાણીએ  મામલતદાર, પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. સત્તા પક્ષના અગ્રણીના પુત્ર હોય રાજકીય વગથી  ફરિયાદ નોંધી ન હતી.  ફરિયાદીએ વકિલ અજમલ સોલંકી મારફત ગાંધીધામ કોર્ટમાં ફરિયાદ નોંધાવતા  આરોપીઓ ગુજરાત હાઇકોર્ટ માંથી આગળની કાર્યવાહી  સામે મનાઇ હુકમ લઈ આવ્યા હતા.   હાઇકોર્ટે ફરિયાદીની ફરિયાદ ચાલુ રાખવાનું કહેતાં કોર્ટે તપાસ કરી  આરોપીએ ગુનો કરેલ હોવાનું પ્રથમ દર્શનનીય રીતે માની બંને આરોપી વિરુદ્ધ ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૨૦,૪૬૩,૪૭૧  અને ૧૨૦(બી)  મુજબ ગુનો  દાખલ કરી તેને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવવાનો હુકમ પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ માલવિકા પુરોહિતે કરેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application