અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આઇસર પાછળ કાર ઘૂસી જતા દંપતીનું મોત, 8 વર્ષની પુત્રી અને 5 વર્ષના પુત્રનો બચાવ, બન્ને નોંધારા બન્યા

  • February 10, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગોઝારો અકસ્માત થયો છે. ગત મોડીરાત્રે વડોદરાથી અમદાવાદ આવી રહેલા જૈન પરિવારની કાર આગળ જઈ રહેલા આઈસર પાછળ ઘૂસી ગઈ હતી. આથી કારમાં સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર આ દંપતીની 8 વર્ષની પુત્રી અને 5 વર્ષના પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. માતા-પિતાના મોતથી આ બન્ને બાળકો નોધારા બન્યા છે. 


આ અકસ્માતમાં બંને બાળકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર પરિવાર અમદાવાદના શાહીબાગ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


દંપતીની અંતિમયાત્રા આજે સાંજે નીકળશે 
મૃતક સ્ક્રેપનો વ્યવસાય કરતા હતા. જેમના બે બાળકોમાં 8 વર્ષની બાળકી, જ્યારે એક 5 વર્ષનો બાળક છે. મૃતકના પરિવારમાં માતા-પિતા, ભાઈ-ભાભી પણ છે. અંતિમયાત્રા આજે સાંજે મૃતકના ઘરેથી શાહપુરના શાંતિવન સ્મશાનગૃહ સુધી નીકળશે.


કાર આઇસર નીચે આવી ગઈ
પ્રાપ્ત વિગત મુજબ, અમદાવાદના શાહીબાગમાં રહેતો પરિવાર ગત મોડીરાતે એમજી હેક્ટર ગાડીમાં બરોડાથી અમદાવાદ આવી રહ્યો હતો. બરોડથી એક્સપ્રેસ હાઈવે રોડ પર પતિ-પત્ની અને તેમના બે બાળકો ગાડીમાં આવી રહ્યા હતા. આ દરમિયાન એમજી હેક્ટર ગાડી ઓવરસ્પીડમાં આગળ ચાલતી આઇસર સાથે ટકરાઈ હતી. જેના કારણે ગાડીમાં બેઠેલા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના બે નાના બાળકોને સામાન્ય ઇજા થઈ હતી. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને બે બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકના પરિવારને પણ જાણ કરી આઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


ગફલતભરી રીતે કાર હંકારતા અકસ્માત
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ગત મોડીરાત્રે 3:37 વાગ્યા પહેલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અમદાવાદ ટોલ પ્લાઝાથી આશરે 500 મીટર વડોદરા તરફથી ફોરવ્હીલ ચાલક વિશાલ ગણપતલાલ જૈન (ઉં.વ.-36 રહે. મ.નં.4 મયુર ફલેટ, જૈન કોલોની, તેરાપન ભવન પાસે, શાહીબાગ, અમદાવાદ)એ પોતાની ફોરવ્હીલ GJ-01-WR-0789ને પૂરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી હતી. પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી તેમની ગાડીની આગળ જતા આઇસર MH-04-MH-2688ને પાછળથી ટક્કર મારી હતી. મૃતકની ફોરવ્હીલ આઇસરની પાછળ અંદર ઘૂસી જતા કારચાલક અને તેમની પત્ની ઉષાબેન (ઉં.વ.34)ના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર બંને પતિ-પત્નીના મોત નીપજ્યા હતા.


સાળીની એનિવર્સરીની ઉજવણી માટે સુરત ગયા હતા
આ ઘટના વિશે વધુ વિગત પ્રમાણે, મૃતક તેમના સાળીની એનિવર્સરી હોવાથી પરિવાર સાથે સુરત ગયા હતા અને સુરતથી ગઈકાલે તેઓ રાત્રે પરત ફરી રહ્યા હતા. તેમના સાળાને તેઓ બરોડા મૂકીને બરોડા એક્સપ્રેસ હાઈવે પરથી અમદાવાદ આવી રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતમાં તેમના બે બાળકોના જીવ બચી ગયા છે, બંનેની સ્થિતિ અત્યારે સારી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application