જામનગર જિલ્લામાં આ વર્ષે 1.78 લાખ હેકટરમાં કપાસનું વાવેતર

  • October 07, 2023 02:35 PM 

આજે વિશ્ર્વ કપાસ દિવસ: ગુજરાત ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય: ગત વર્ષની સરખામણીએ કપાસના વાવેતરમાં 18,971 હેક્ટરનો વધારો



કપાસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે, અને કપાસ એ દેશના સૌથી મહત્વપૂર્ણ પાકોમાંનો એક છે. ભારત હજારો વર્ષોથી કપાસનું ઉત્પાદન કરી રહ્યું છે. દેશના લાખો ખેડૂતો કપાસના પાકના વાવેતર થકી આજીવિકા મેળવે છે અને લાખો લોકો કપાસ ઉદ્યોગમાં કામ કરે છે. કપાસ એ ગુજરાત રાજયનો મુખ્ય રોકડિયો પાક છે. કપાસ ક્ષેત્રે ગુજરાત દેશમાં આગવું સ્થાન ધરાવે છે, એટલું જ નહિ પરંતુ કપાસમાં શંકર જાત શોધવામાં આપણું રાજ્ય વિશ્વ સ્તરે પ્રથમ રહ્યું છે.



ભારતમાં ગુજરાત રાજ્ય દેશનું સૌથી વધુ કપાસનું વાવેતર કરતું રાજ્ય છે. ગુજરાતમાં આ વર્ષે કપાસનું રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. અંદાજે આ વર્ષે અત્યાર સુધીમાં 26 લાખથી વધુ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જે છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ છે. ગુજરાતમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે.



જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં સરેરાશ અંદાજે 3,49,000 હેક્ટર વિસ્તારમાં કુલ વાવેતર કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે. જિલ્લામાં વર્ષ 2023માં અત્યાર સુધી અંદાજે 1,78,154 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં 18,971 હેક્ટરનો વધારો નોંધાયો છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આ વર્ષે સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.  


જામનગર તાલુકાના બજરંગપૂર ગામે રહેતા ખેડૂત કાંતિભાઈ જણાવે છે કે, સૌરાષ્ટ્રમાં કપાસનું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. કાળી અને પાણીવાળી જમીનમાં કપાસનું સારું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે વરસાદની અછત દરમિયાન સરકારે સૌની યોજના હેઠળ ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કર્યું છે. તેના પરિણામે કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને અને નાના ખેડૂતોને ટેકો મળ્યો છે. તેઓ વધુમાં જણાવે છે કે મે 20 વીઘા જેટલી જમીનમાં કપાસના પાકનું વાવેતર કર્યું છે. સરેરાશ એક વીઘા દીઠ રૂ.50,000ની આવક મળતા અમારા પરિવારનું સારી રીતે ગુજરાન ચાલે છે. ગત વર્ષે કપાસના ઉચ્ચ ભાવો રહ્યા હતા. સારા ભાવો મળી રહેતા ખેડૂતોનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application