રૂપાલા સામેનો વિવાદ: ‘ધ એન્ડ’ની જાહેરાત, વિરોધ યથાવત

  • March 30, 2024 12:57 PM 

ક્ષત્રિય સમાજ બાબતે અયોગ્ય ટિપ્પણી કરનાર કેન્દ્રીય મંત્રી અને લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એ આ મામલે વિવાદ ઉભો થતા ની સાથે જ માફી માગી લીધી હતી. પરંતુ આમ છતાં વિવાદ અને તેનો વિરોધ ચાલુ રહ્યા છે. ગઈકાલે ગોંડલના સેમળા ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજ્યસભાના સભ્ય કેસરીદેવસિંહ ઝાલા અને ક્ષત્રિય સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત પુરુષોત્તમ રૂપાલાએ વધુ એક વખત બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી. રૂપાલા એ માફી માગતા અહીં ઉપસ્થિત ક્ષત્રિય આગેવાનોએ હવે અહીં આ પ્રકરણ પૂરું થાય છે અને માફી માગી લીધી હોવાથી વિવાદનો અંત આવે છે તેવી જાહેરાત કરી હતી.

જોકે બીજી બાજુ વિરોધ યથાવત ચાલુ જ રહ્યો છે. ગોંડલના સેમળા ખાતેની આ બેઠક ભાજપ તરફથી વિચારસરણી ધરાવતા ક્ષત્રિય સમાજના આગેવાનોનો નિર્ણય છે. સમગ્ર ક્ષત્રિય સમાજનો આ નિર્ણય નથી અને આંદોલન યથાવત ચાલુ જ રહેશે તેવી જાહેરાત કરણી સેના સહિતના ક્ષત્રિય સમાજના જુદા જુદા સંગઠનો એ કરી છે.

કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ પદમીનીબા વાળાએ જણાવ્યું છે કે એક વખત નહીં પરંતુ ૫૦૦ વખત પણ બે હાથ જોડીને માફી માંગે તો પણ માફી આપવાની થતી નથી. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ રદ કરે તેવી અમારી માગણી છે અને જ્યાં સુધી આ માગણી નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ ચાલુ જ રહેશે.

દરમિયાનમાં ગઈકાલે કેશોદ તળાજા અને સુરેન્દ્રનગરમાં પુરુષોત્તમ રૂપાલાના પૂતળા દહન નો કાર્યક્રમ યોજાયો હતો. વિવાદના અનુસંધાને રૂપાલા સામે કોર્ટમાં એક ફરિયાદ થઈ ચૂકી છે. વધુ એક ફરિયાદ ગઢડાની કોર્ટમાં થઈ હોવાનું જાણવા મળે છે.


રૂપાલાનો બંદોબસ્ત વધારાયો

કેન્દ્રીય મંત્રી હોવાના કારણે અગાઉથી જ વાય કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા ધરાવતા પુરુષોત્તમ રૂપાલાને વિવાદ પછી વધુ સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. તેમના હરિહર સોસાયટી ખાતેના બંગલે વધારાનો પોલીસ બંદોબસ્ત રાખી દેવાયો છે. આ ઉપરાંત પીસીઆર વાન આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. ગઈકાલે ગોંડલ નજીકના સેમળા ગામે મળેલી બેઠકમાં આઠ મહિલાઓ વિરોધ કરવા પહોંચ્યા પછી પોલીસ તંત્ર હવે કોઈ પ્રકારનું જોખમ લેવા માગતી ન હોય તેમ સુરક્ષા વ્યવસ્થા વધારી છે.


કોંગ્રેસ-ભાજપના પ્રદેશ પ્રમુખોની રાજકોટ અને સુરેન્દ્રનગરની મુલાકાત ભારે સૂચક 
રૂપાલા નિવેદન પછી થોડો ઘણો વિરોધ ઊઠવાની સાથે જ તેમણે માફી માંગીને આ પ્રકરણ પૂરું કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ છેલ્લા એક સપ્તાહમાં ભાજપના અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખોની રાજકોટ અને સુરેન્દ્રનગરની મુલાકાતને રાજકીય નિરીક્ષકો ભારે મહત્વ આપી રહ્યા છે. રાજકોટ આવેલા શક્તિસિંહ સીધા જ સુરેન્દ્રનગર જવા નીકળી ગયા હતા અને ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી આ પ્રકરણમાં વધુ એક નિવેદન આપ્યું હતું. ગયા ગુરુવારે પાટીલ પણ રાજકોટ આવ્યા હતા અને આ વિવાદ એકાદ બે દિવસમાં પૂરો થઈ જશે તેવી જાહેરાત કરીને સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. બંને પક્ષના પ્રદેશ પ્રમુખોની મુલાકાત પછી શું આ વિવાદનું એપી સેન્ટર રાજકોટ અને સુરેન્દ્રનગર તો નથી ને ? તેવા સવાલો રાજકારણમાં પૂછાઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application