ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ભયાનક દુર્ઘટનાને એક વર્ષ થવા આવ્યું છતાં ૨૭ મૃતકોના પરિવારજનોને ન્યાય નહિ મળતા આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મહાપાલિકામાં જનરલ બોર્ડ મિટિંગ પૂર્વે મ્યુનિ.કમિશનરને ઘેરાવ કરી આવેદન પાઠવવાનો કાર્યક્રમ આપવામાં આવનાર હતો દરમિયાન કોંગ્રેસીઓ ત્રિકોણબાગે એકત્રિત થઇને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યાં જ પોલીસ ત્રાટકી હતી અને તમામની અટકાયત કરી હતી.
વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરમાં બનેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ૨૭ માનવ જિંદગીઓ હોમાઇ ગઇ હતી અને તેમના પરિવારને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી. તત્કાલીન સમયે કોંગ્રેસ દ્વારા આપને અવારનવાર લેખિત રજૂઆતો અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમજ ત્રણ દિવસ સુધી ત્રિકોણબાગ ખાતે ઉપવાસ પણ કરવામાં આવેલ હતા.
૨૭ લોકોના મૃત્યુ થતા તેના વારસદારોમાંથી પરિવારદીઠ એક વ્યક્તિને નોકરીની માંગ કરવામાં આવેલ હતી અને ટીઆરપી ગેમ ઝોન કોના હુકમથી ઉભો કરાયો હતો તે અધિકારી કે પદાધિકારીઓ ઉપર આપે શું કાર્યવાહી કરી તેનો આજ દિવસ સુધી અમોને જવાબ મળેલ નથી. અવસાન પામેલ વારસદારને નોકરી મળી કે કેમ તેનો પણ કોઈ જવાબ મળેલ નથી આ ગેમ ઝોન કોના આશીર્વાદથી ચાલતો હતો તેનો પણ કોઇ જવાબ મળેલ નથી. તત્કાલીન ટીપીઓ સાગઠીયાએ ૨૬૦ (૨) મુજબની નોટીસ આપી હતી. તેમ છતાં ટીઆરપી ગેમઝોન દૂર કરવામાં આવ્યો નહોતો.
દૂર કરવા માટેનો હુકમ કરેલ હતો તે હુકમ કોના કહેવાથી અટકાવવામાં આવેલ જો આ હુકમનું પાલન થયું હોત તો રાજકોટમાં ૨૭ માનવ જિંદગી બચાવી શક્યા હોત આ હુકમ કરનાર સામે આપે આજ દિન સુધી કોઈ પગલા લીધા છે કે કેમ તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ભ્રષ્ટાચારી અધિકારી કે પદાધિકારી કોણ છે તેની પણ આપે અમોને જાણ કરેલ નથી અથવા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ નથી આ ભ્રષ્ટાચારીઓની સામે પગલાં લેવાના તત્કાલીન સમયની અમારી માગણી હતી જે આપે આજ દિન સુધી પગલાં લેવામાં ન આવતા તેના વિરોધમાં અમો આપની સામે ધરણાં અને આપની ઓફિસનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ રાખેલ છે હજુ સુધી આપે કોઈ કાર્યવાહી કરી નથી જો ઝડપથી કાર્યવાહી નહીં કરાય તો ઝલદ કાર્યક્રમો અપાશે. એક માત્ર પૂર્વ ટીપીઓ સાગઠીયા જવાબદાર નથી, જેટલા અધિકારી અને પદાધિકારીઓ જવાબદાર હોય તેની સામે તમો પોતે ફરિયાદી બની ફરિયાદ કરો તેવી અમારી માગણી છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની આગેવાની હેઠળ સંજયભાઈ અજુડીયા, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, રણજીતભાઈ મુંધવા, દિલીપભાઈ આસવાણી, કોર્પોરેટર કોમલબેન ભારાઇ, નયનાબા જાડેજા, અજીતભાઈ વાંક, જયાબેન ટાંક, મનીષાબા વાળા, જસુબા વાંક, ગીરીશભાઈ પટેલ, નાગજીભાઈ વિરાણી, બાવકુભાઈ ઉંધાડ, જીગ્નેશ ભાઈ પાટડીયા, મયુરભાઈ શાહ, કંચનબેન વાળા, હરેશભાઈ ભારાઈ, રાજુભાઈ આમરાણીયા, રહીમભાઈ સોરા, યજ્ઞેશભાઈ દવે, અજીતભાઈ વાંક, જગાભાઈ મોરી, પ્રભાતભાઈ ડાંગર, ચિંતનભાઈ દવે, જીતુભાઈ ઠાકર, ગજેન્દ્રસિંહ ઝાલા, સુરેશભાઈ ગેરૈયા, સલીમભાઈ કારિયાણી, રસિકભાઈ ભટ્ટ, ગૌરવભાઈ પુજારા સહિતના જોડાયા હતા.
પોલીસ માપમાં રહે: કોંગ્રેસનું અલ્ટીમેટમ
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને મ્યુનિ.વિપક્ષીનેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે ગઇકાલે રાજકોટ શહેર પોલીસના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતી રાજકોટ મહાપાલિકા કચેરીમાં લોકશાહી ઢબે શિસ્તબધ્ધ રીતે રજૂઆત કરવામાં આવશે એ પ્રકારે પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આજે ત્રિકોણબાગ ખાતે પોલીસે કોંગ્રેસના આગેવાનો હજુ રજુઆત કરવા જાય એ પહેલા ડીટેઇન કરી લોકશાહીને ગળે ટૂંકો દેવામાં આપ્યો હતો. પોલીસે સત્તાધિશોના આદેશથી કોઇની રજૂઆતનો હક્ક પણ છીનવ્યો હતો. ત્યારબાદ લેખિત રજૂઆત હતી એ કમિશનરની રજિસ્ટ્રી બ્રાન્ચમાં કોંગ્રેસના કાર્યકરે ઇન્વર્ડ કરાવી દીધી હતી. હવે આવતીકાલે સવારે ૧૦-૩૦ કલાકે રાજકોટ શહેર પોલીસ કમિશનરને અગ્નિકાંડ મુદ્દે રજૂઆત કરવામાં આવશે. ત્રિકોણબાગ ખાતે આજે કોંગ્રેસના કાર્યકરોએ અગ્નિકાંડ પીડિતોની ન્યાય અપાવવા સુત્રોચાર સાથે દેખાવો કર્યા હતા અને હજુ પણ સમગ્ર સપ્તાહ દરમિયાન કાર્યક્રમો આપવાનું ચાલુ જ રહેશે તેથી પોલીસ હવનમાં હાડકા નાખવાનું બંધ કરે અને માપમાં રહે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech