કોંગ્રેસનો મોદી પર પ્રહાર : PM પાકિસ્તાન સાથે ટ્વિટ કરવામાં વ્યસ્ત છે પણ...

  • June 12, 2024 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં સતત થઈ રહેલી આતંકવાદી ઘટનાઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું, પીએમ મોદી પાસે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા માટે એક શબ્દ નથી પરંતુ તેઓ પાકિસ્તાન પીએમ સાથે ટ્વિટ કરવામાં વ્યસ્ત છે.


કોંગ્રેસના નેતા પવન ખેડાએ નિવેદન જારી કરીને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં 3 દિવસમાં 3 આતંકી હુમલા થયા છે. વડાપ્રધાન મોદી રિયાસી પર કેમ નજર નથી રાખતા? તેમણે ટ્વીટ કરીને પાકિસ્તાની નેતાઓને જવાબ આપ્યો પરંતુ ઘાતકી આતંકવાદી હુમલાની નિંદા કરવાનો સમય મળ્યો નહીં! છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારના ખોટા દવાઓને કારણે રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થયું છે, જ્યારે નિર્દોષ લોકો આતંકવાદી હુમલાનો ભોગ બન્યા છે, પરંતુ બધુ પહેલાની જેમ જ ચાલી રહ્યું છે!


પીએમ તરફથી સહાનુભૂતિનો એક શબ્દ પણ મળ્યો નથી - કોંગ્રેસ


કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે નરેન્દ્ર મોદી અને તેમની એનડીએ સરકાર શપથ લઈ રહી હતી અને અનેક રાષ્ટ્રાધ્યક્ષો દેશની મુલાકાતે હતા. તે જ સમયે ભારતને જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ભયાનક આતંકવાદી હુમલાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં 9 અમૂલ્ય જીવ ગયા હતા અને ઓછામાં ઓછા 41 લોકો ઘાયલ થયા હતા. પીડિતોને સ્વ-ઘોષિત 'ભગવાન' વડા પ્રધાન પાસેથી સહાનુભૂતિનો એક શબ્દ પણ મળ્યો નથી! શા માટે?


કોંગ્રેસે કહ્યું કે આ પછી કઠુઆમાં બીજો આતંકવાદી હુમલો થયો.  જેમાં એક નાગરિક ઘાયલ થયો હતો. 11 જૂને જમ્મુના ડોડાના છત્રકલામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 6 સુરક્ષાકર્મીઓ અને એક નાગરિક ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ ભદરવાહ-પઠાણકોટ સાથેના છત્તરગલ્લા વિસ્તારમાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસ દ્વારા સંચાલિત સંયુક્ત ચોકી પર ગોળીબાર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં આતંકવાદી હુમલાઓનો દોર ચાલી રહ્યો છે. જ્યારે પીએમ મોદી પાકિસ્તાની નેતાઓ - નવાઝ શરીફ અને પાક પીએમ શાહબાઝ શરીફના અભિનંદન ટ્વીટ્સ પર પ્રતિક્રિયા પોસ્ટ કરવામાં વ્યસ્ત છે. તેમણે ઘાતકી આતંકવાદી હુમલાઓ પર એક પણ શબ્દ કેમ ન ઉચ્ચાર્યો? તેમણે મૌન કેમ સેવ્યું છે?


ભાજપનું રહસ્ય ખુલ્લું પડી ગયું - કોંગ્રેસ


કોંગ્રેસે કહ્યું, "જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પરત લાવવાના ભાજપના ખોટા દાવા સંપૂર્ણ રીતે ખુલ્લા પડી ગયા છે. ભાજપે કાશ્મીર ઘાટીમાં ચૂંટણી લડવાની પણ તસ્દી લીધી નથી. એ હકીકત એ વાતનો પુરાવો છે કે તેમની 'નયા કાશ્મીર' નીતિ સદંતર નિષ્ફળ રહી છે.


કોંગ્રેસે પૂછ્યું કે, શું એ સાચું નથી કે પીર પંજાલ રેન્જ - રાજૌરી અને પૂંછ હવે સરહદ પારના આતંકવાદનું હબ બની ગયા છે. કારણકે છેલ્લા બે વર્ષમાં આ વિસ્તારોમાં આતંકવાદી હુમલામાં 35થી વધુ જવાનો શહીદ થયા છે  અને હવે આતંક રિયાસી જિલ્લામાં ફેલાયો છે. જે પ્રમાણમાં શાંતિપૂર્ણ હોવાનું માનવામાં આવતું હતું?


પવન ખેડાએ નિવેદનમાં પૂછ્યું કે શું એ વાત સાચી નથી કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન સીઆરપીએફ કેમ્પ, આર્મી કેમ્પ, એરફોર્સ સ્ટેશનો અને મિલિટ્રી સ્ટેશનો- પુલવામા, પમ્પોર સહિત સુરક્ષા સંસ્થાઓ પર ઓછામાં ઓછા 19 મોટા આતંકવાદી હુમલા થયા છે. ઉરી , પઠાણકોટ , ગુરદાસપુર , અમરનાથ યાત્રા પર હુમલો , સુંજવાન આર્મી કેમ્પ , પુંછ આતંકી હુમલા (એપ્રિલ અને ડિસેમ્બર 2023) જેમાં આપણા ઘણા જવાનો શહીદ થઇ ગયા છે? શું એ સાચું નથી કે મોદી સરકારે 2016માં પથકોટ આતંકી હુમલાની તપાસ માટે બદમાશ ISIને આમંત્રણ આપ્યું હતું?


 તેમણે કહ્યું કે શું એ સાચું નથી કે મોદી સરકારે આપણી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકી છે?  જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 2,262 આતંકવાદી હુમલા થયા છે. જેમાં 363 નાગરિકો માર્યા ગયા છે અને 596 સૈનિકો શહીદ થયા છે?





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News