હિન્દુસ્તાન યુનિલીવરના ૩૦૦ શ્રમયોગી પ્રશ્ને યુનિયનની માંગણીઓનો પંચ દ્વારા અસ્વીકાર

  • May 08, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં આવેલ હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ (યુનિલીવર ઈન્ડીયા એક્ષપોર્ટ લી., ગાંધીધામ-કચ્છ) સામે ગુજરાત કામદાર મંડળના ૩૦૦ શ્રમયોગીઓને સર્વિસ બ્રેકનો હુકમ રદ કરી તેમને કાયમી સળંગ સર્વિસમાં તથા હાયર ગ્રેડ સહિતના લાભોની 12 વર્ષ પહેલાની માગણીઓ રાજકોટ ઔદ્યોગિક ન્યાય પંચ દ્વારા રદ કરવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની મલ્ટી નેશનલ હિન્દુસ્તાન યુનિલીવર કંપની સામે ગુજરાત કામદાર મંડળ દ્વારા રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં ૨૦૧૩ની સાલમાં કેસ દાખલ કરીને ૩૦૦ શ્રમયોગીઓને દાખલ તારીખથી કાયમી કરીને કાયમી લાભો આપવાની તથા સર્વિસ બ્રેકનો હુકમ રદ કરી તેમને સળંગ સર્વિસમાં ગણવા તથા હાયર ગ્રેડના લાભો તથા અન્ય ભથ્થાઓ આપવાની માંગણીઓ મુકેલ હતી.

જે સામે કંપની વતી હાજર થયેલા એડવોકેટસ દ્વારા રજુઆત કરેલ કે પરદેશી કંપનીની ફેકટરી ગાંધીધામ કચ્છના સ્પેશ્યલ ઈકોનોમી ઝોનમાં આવેલી છે પરદેશી કંપનીઓની જરૂરીયાત અને ઓર્ડર મુજબ કંપનીમાં પ્રોડકશન કરવામાં આવે છે. સને ૨૦૧૧-૧૨ વૈશ્વિક મંદીના માહોલના કારણે કંપનીને ઓર્ડરને અભાવે ઘણી જ અસર થયેલ હતી, જેથી કંપનીએ બિઝનેસ રિ ઓર્ગેનાઈઝ કરી સને ૨૦૧૩ની સાલમાં તમામ ૩૦૦ શ્રમયોગીઓને પૂરતી નોકરીની સુરક્ષા અને ઉતમ નોકરીનો શરતો સાથે આજ સુધી ચાલુ રાખવામાં આવેલ છે અને સાથોસાથ કંપની પોતાનું અસ્તિત્વ પણ ટકાવી શકેલ છે.

આ ઉપરાંત કંપનીમાં કાર્યરત યુનિયન લીવર કર્મચારી મંડળ વચ્ચે સને ૨૦૧૩માં લાંબા ગાળાના થયેલા સમાધાન મુજબ શ્રમયોગીઓને સને ૨૦૧૩માં કાયમી કરી આપવામાં આવેલ હતા અને તેઓની આગલી સર્વિસનું ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ ચુકવી આપવામાં આવેલ હતું. ત્યારપછીના સમય માટે કંપની અને લીવર કર્મચારી મંડળ વચ્ચે દર ૪ વર્ષે સેટલમેન્ટો થઈ રહયા છે, જેની શરતો તમામ ૩૦૦ શ્રમયોગીઓએ સ્વીકારી લીધી છે, તે મુજબના તમામ લાભોની અમલવારી ચાલુ છે, કંપની વતી થયેલી ઉપરોક્ત રજૂઆતો દલીલો ધ્યાને રાજકોટ ઔધોગિક ન્યાયપંચે યુનિયન હાલની માંગણીઓ કાયદેસર ચાલવાપાત્ર બનતી ન હોઈ, તમામ માંગણીના કેસો ન્યાયપંચે નામંજૂર કર્યા છે. આ કેસોમાં મલ્ટી નેશનલ કંપની વતી સૌરાષ્ટ્ર-કચ્છના સિનિયર એડવોકેટ યોગેશભાઈ રાજયગુરૂ અને તેમના સહાયક એડવોકેટ જયેશભાઈ યાદવ રોકાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application