કોલ્ડપ્લે કોન્સર્ટની મજા હવે ઘરે બેઠા માણી શકશો, શોનું લાઈવ સ્ટ્રીમિંગ આ OTT પ્લેટફોર્મ પર થશે, મુંબઈથી ખાસ બે ટ્રેન દોડાવાશે

  • January 17, 2025 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં યોજાનારા 'કૉલ્ડપ્લે' કોન્સર્ટને હવે ઘરે બેઠા માણી શકશો. કારણ કે આ કોન્સર્ટનું હવે લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે. આ શોનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર થશે. આ સાથે જ કોલ્ડપ્લેના મ્યુઝિક શો માટે વધતી ભીડને ધ્યાનમાં રાખી 25 અને 26 જાન્યુઆરીએ મુંબઈ અને અમદાવાદની વચ્ચે ખાસ બે ટ્રેન દોડાવવામાં આવશે.


આ ટ્રેન તે લોકો માટે હશે, જેઓ આ શોમાં ભાગ લેવા માટે મુસાફરી કરવા માગે છે. રેલવેએ કહ્યું હતું કે આ ટ્રેન શિયાળા દરમિયાન ચાલતી સ્પેશિયલ ટ્રેનોમાં સામેલ છે, પરંતુ એનો મુખ્ય હેતુ શોની ભીડને સંભાળવાનો છે. આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી સવારે 6:15 વાગ્યે ઊપડશે અને 25 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે અને 26 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી આ ટ્રેનો બપોરે 1:40 વાગ્યે ઊપડશે અને બાંદ્રા ટર્મિનસ રાત્રે 8:40 વાગ્યે પહોંચશે.


બીજી ટ્રેન અમદાવાદથી 27 જાન્યુઆરીએ રાતે 12:50 વાગ્યે ઊપડશે અને સવારે 8:30 વાગ્યે મુંબઈ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, ઉધના, સુરત, ભરૂચ, વડોદરા સ્ટેશન પર પણ ઊભી રહેશે. આ સાથે અધિકારીઓએ જણાવ્યું હતું કે કોલ્ડપ્લેના મ્યુઝિક કોન્સર્ટને કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની એર ટિકિટના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સિવાય ટ્રેનો પણ સંપૂર્ણ રીતે ભરેલી છે. તેમનું કહેવું છે કે આ બે વિશેષ ટ્રેનો પણ ભીડને સંપૂર્ણપણે ઓછી કરી શકશે નહીં.


કોલ્ડપ્લે કોન્સર્ટ શું છે?
કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે. જેની રચના વર્ષ 1997માં થઈ હતી. પાંચ લોકોની ટીમમાં ગાયક અને પિયાનોવાદક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસિસ્ટર ગાય બેરીમન, ડ્રમર અને પર્ક્યુસિનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વ સામેલ છે. જેમાંથી 4 સ્ટેજ પરફોર્મ કરે છે. તેનો લાઈવ કોન્સર્ટ જોવા માટે લોકો મોટી સંખ્યમાં પહોંચી જાય છે. તેના પરફોર્મન્સનો અંદાજ અન્ય રોક બેન્ડથી ખુબ અલગ હોય છે. આ બેન્ડની શરુઆત કોલેજના દિવસોમાં શરુ થઈ હતી. તેમના પોતાના શાનદાર ગીતો માટે તેને ગ્રેમી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. જે મ્યુઝિકનો સૌથી મોટો એવોર્ડ હોય છે.


કેવી રીતે થઈ કોલ્ડપ્લેની શરૂઆત?
ક્રિસ અને જોનીએ એકસાથે પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું, તે સમયે બંને 'બિગ ફેટ નોઈઝ' અને 'પેક્ટોરલ્સ' તરીકે જાણીતા હતા. એક વર્ષ પછી, ગાય બેરીમેન બંનેને મળ્યો અને તે પણ તેમની સાથે જોડાયો. આ પછી બેન્ડનું નામ બદલીને 'સ્ટારફિશ' રાખવામાં આવ્યું. પરંતુ ફરીથી તેનું નામ બદલીને 'કોલ્ડપ્લે' રાખવામાં આવ્યું. બેન્ડે એ રૂશ ઓફ બ્લડ ટુ ધ હેડ આલ્બમ માટે 'ધ સાયન્ટિસ્ટ' ગીત લખ્યું હતું, જેના માટે ક્રિસે ઊલટું ગીત ગાવાની પ્રેક્ટિસ કરી હતી. બેન્ડની શરૂઆતના ચાર વર્ષ પછી, તેમણે 2000માં તેનું પહેલું સ્ટુડિયો આલ્બમ રિલીઝ કર્યું, જેનું શીર્ષક 'પેરાશૂટ્સ' હતું. કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત 'શિવર' હતું. 2016માં ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ દરમિયાન ભારતમાં કોલ્ડપ્લે કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application