છેલ્લા બે-ત્રણ દિવસથી જામનગર સહિત હાલારમાં ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગઇકાલે મોડી સાંજથી પવનની ઝડપ વધી હતી અને ૩૦ કિ.મી. પ્રતિકલાક ઠંડો પવન રહ્યો હતો, જેને કારણે જનજીવન પર ભારે અસર થઇ હતી, આજે વહેલી સવારે પણ લોકો ગરમ કપડામાં ઢબુરાયા હતાં, જો કે તાપમાન ૧૬ ડીગ્રીએ પહોંચ્યું હતું.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી, મહત્તમ તાપમાન ૩૦.૬ ડીગ્રી, હવામાં ભેજ ૫૨ ટકા, પવનની ગતિ ૨૫ થી ૩૦ કિ.મી.પ્રતિકલાક રહી હતી. વેર્સ્ટન ડીસ્ટબન્સ થવાનું હતું તે ન થયું, હવે ઠંડીમાં ત્રણેક ડીગ્રીનો વધારો થયો, પરંતુ માવઠુ ન થવાને કારણે ખેડુતોને થતી આર્થિક નુકશાની બચી ગઇ હતી.
ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે, આગામી દિવસોમાં ચણા અને ઘઉંનું વિક્રમજનક ઉત્પાદન થાય તેવી પણ શકયતા છે, સાથે-સાથે જી, લસણ, ડુંગળી અને મકાઇના પાકનું પણ સારૂ એવું ઉત્પાદન થશે.
આજે સવારે પણ ઠંડીનો માહોલ યથાવત રહ્યો હતો, ગઇકાલ કરતા ઠંડી થોડી ઓછી થઇ હતી, પરંતુ પવનની ઝડપ વધી હોવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી, છેલ્લા બે દિવસથી બજારોમાં પણ રાત્રે ઓછા લોકો જોવા મળે છે, એવી જ રીતે ગામડાઓમાં પણ બજારો વહેલી બંધ થઇ જાય છે, સવાર-સાંજ એસ.ટી. અને ખાનગી ટ્રાવેલ્સના મુસાફરોની સંખ્યા ઘટી ગઇ છે.