ન્યુ સ્વાતિ પાર્કમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી: પાંચને ઇજા

  • November 17, 2023 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કોઠારીયા રોડ પર આવેલા ન્યુ સ્વાતિ પાર્કમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી જેમાં પિતા પુત્ર અને પટેલ બંધુઓ સહિત પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ મામલે સામસામી ફરિયાદના આધારે પોલીસે નવ શખસો સામે રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ન્યુ સ્વાતિ પાર્ક શેરી નંબર 1 માં રહેતા દેવચંદભાઈ જીવરાજભાઈ વિરાણી (ઉ.વ 42) દ્વારા આજીડેમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા હરેશ પંડ્યા તેના પુત્ર વિશાલ અને તેની પત્નીના નામ આપ્યા છે. દેવચંદભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ 13/11 ના રાત્રિના નવેક વાગ્યા આસપાસ તેમની દીકરી જીયા(ઉ.વ 10) શેરીમાં ફટાકડા ફટાકડા ફોડતી હતી. ત્યારે ઘરની સામે શેરીમાં રહેતા હરેશ પંડ્યા તથા તેના પુત્ર વિશાલે ફટાકડા દૂર ફોડવાનું કહેતા સામાન્ય બોલાચાલી થઈ હતી. બાદમાં રાત્રિના 10:30 વાગ્યે હરેશ પંડ્યા તેનો પુત્ર વિશાલ ઘર બહાર મોટેથી ગાળો બોલતા હોય જેથી ફરિયાદીના ભાઈ રમેશભાઈ અને ભાવેશભાઈ બંને બહાર ગયા હતા. બાદમાં ફરિયાદી પણ બહાર જતા પાડોશી પિતા પુત્ર અને તેની પત્ની તથા બીજા બે ત્રણ અજાણ્યા શખસો ફરિયાદીના ભાઈ રમેશભાઈને પકડી રાખી લાકડાના ધોકા વડે માર મારતા હતા જેથી ફરિયાદી છોડવા વચ્ચે પડતા હરેશભાઈએ તેમને માથામાં પાઇપ મારી દીધો હતો તેમ જ ફરિયાદીના અન્ય ભાઈ ભાવેશભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન અહીં બૂમાબૂમ થતા અને સોરી શેરીમાં લોકો એકત્ર થતાં ત્રણ અજાણ્યા શખસો કાર અને બાઇક લઇ નાસી ગયા હતા ત્યારબાદ ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ફરિયાદીને માથાના ભાગે ઈજા પહોંચી હતી જ્યારે તેમના ભાઈ રમેશભાઈને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું આ અંગે ફરિયાદીની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
જ્યારે સામાપક્ષે હરેશભાઈ જગજીવનભાઈ પંડ્યા(ઉ.વ 65 રહે. ન્યુ સ્વાતિ પાર્ક શેરી નંબર 1) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે દેવા પટેલ તથા તેના બંને ભાઈના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ 13/11 ના રાત્રિના તેઓ ઘર પાસે બેઠા હતા ત્યારે પાડોશમાં રહેતા દેવાભાઈ ની દીકરી અહીં ફટાકડા ફોડતી હોય જેથી તેને કહ્યું હતું કે, બેબી ફટાકડા ફોડવામાં ધ્યાન રાખજો આમ કહેતા દેવાભાઈ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. બાદમાં રાત્રિના 10:30 વાગ્યે ફરિયાદી તથા તેનો પુત્ર વિશાલ અને પત્ની નયના સહિતના પરિવારજનો અહીં શેરીમાં ઊભા હતા અને ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલીની વાતો કરતા હતા તેવામાં દેવાભાઈ પટેલ અને તેના બંને ભાઈ અહીં આવ્યા હતા અને ગાળો બોલતા હતા જેથી ગાળો બોલવાની ના કહેતા ઝપાઝપી કરી દેવાય પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો અને તેમને માથાનાભાગે ઇજા પહોંચાડી હતી તેમજ માથામાં દાતરડું મારી દીધું હતું તેમજ તેમના પુત્ર વિશાલને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલા હરેશભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હરેશભાઈની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નો કાયદેસરની કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application