રાજકોટમાં અશાંતધારો લાગુ છે તેવા નહેરૂનગરમાં 8થી 10 વર્ષના બાળકોએ એક ઘર પર પથ્થર ફેંક્યા, ડીજી ઓફિસમાંથી તપાસનો આદેશ

  • March 11, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંશાતધારો જ્યાં લાગુ છે તેવા નહેરૂનગર વિસ્તારમાં રાત્રીના હિન્દુ પરિવારના ઘર પર પથ્થર ફેંકવામાં આવ્યો હોવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો ડીજી ઓફિસ સુધી પહોંચ્યા બાદ અહીંથી તપાસના આદેશ છૂટતા ગાંધીગ્રામ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વીડિયોમાં નજરે પડતા બાળકો સાઇકલ લઇને આવે છે અને પથ્થર ફેંકે છે. બાળકોએ રમત રમતમાં પથ્થરનો ઘા કર્યો કે અન્ય કંઇ? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. સૌપ્રથમ આ બાળકોને ઓળખી કાઢવા માટે કાર્યવાહી કરી શરૂ કરી છે.


પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નેરૂનગર વિસ્તારમાં ત્રણેક દિવસ પૂર્વે રાત્રિના એકાદ ઘર પર પથ્થર ફેંકવામાં આવ્યા હતાં. જે અંગેનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં રાત્રિના સાઇકલ પર જઇ રહેલા આઠથી દશ વર્ષના બાળક આ પથ્થર ફેંકતા હોવાનું નજરે પડે છે. આ વીડિયો છેક રાજ્ય પોલીસ વડાની કચેરી સુધી પહોંચ્યો હતો. જેથી ડીજીપી કચેરીએથી આ વીડિયોને લઇ તપાસ કરવા અને તથ્ય ચકાસવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.


ડીજીપી કચેરીએથી આદેશ છૂટ્યા બાદ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.બી. જાડેજા તથા રાઇટર રઘુભા સહિતના સ્ટાફે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ વીડિયોમાં નજરે પડતા આ બાળકોને ઓળખી કાઢવા માટે આ વિસ્તારમાં તપાસ કરી રહી છે જે માટે આ લતાવાસીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. પરંતુ હાલ સુધી બાળકોની ઓળખ થઈ શકી નથી. બાળક ઓળખાયા બાદ જ તેમણે રમત રમતમાં આ રીતે પથ્થરનો ઘા કર્યો કે તેમની પાછળ કોઇનો દોરી સંચાર છે? સહિતની બાબતો જાણી શકાશે. હાલ પોલીસે દ્વારા સમગ્ર પ્રકરણને લઈ ગંભીરતાપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.


બાળકોની ટીખળથી માહોલ ન બગડે તે માટે વાલીઓને સમજાવવા મસ્જિદમાં એલાન કરાયું
નેહરૂનગરમાં હિન્દુ પરિવારના ઘર પર રાત્રિના સાઇકલ પર નિકળેલા ત્રણ બાળકોએ પથ્થર ફેંક્યા હતાં. આ ઘટનાને લઇ સ્થાનિક આગેવાન એઝાઝબાપુ બુખારીએ જણાવ્યું હતું કે, જે બાળકોએ પથ્થર ફેંક્યા છે, વીડિયો જોતા તે ૮ થી ૧૦ વર્ષના હોય તેવું નજરે પડે છે. હાલમાં રમઝાન માસ ચાલતો હોય રોઝા બાદ પરિવાર નમાજ સહિતની ઇબાતમાં રહેતા હોય દરમિયાન બાળકો આ રીતે બહાર નિકળી રમત રમતમાં પથ્થર ફેંકયો હોઇ શકે. પણ આવી બાબતોથી ભાઇચારાનો માહોલ ન બગડે તે માટે નેહરૂનગર વિસ્તારમાં આવેલી બંને મસ્જિદમાં એલાન કરવામાં આવ્યું છે. જેમાં વાલીઓને ખાસ ટકોર કરવામાં આવી છે કે, તમારૂ બાળક આ પ્રકારના તોફાન ન કરે તે ખાસ ધ્યાન રાખવું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application