જામનગર જિલ્લામાં જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે.રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.૨૧/૦૧/૨૦૨૫ ના રોજ કરવામાં આવેલી છે.
આ તારીખથી જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે.જેથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા ઉપરોક્ત વિસ્તારો માટે વાહનો સંદર્ભે જાહેરનામુ બહાર પાડેલ છે. જે અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યકિત, સંસ્થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યકિત દ્વારા કોઈપણ ઉમેદવારના કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સબંધિત મતદાર વિભાગમાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સબંધિત મતદાર વિભાગના સબંધિત ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર્ડ કરાવવાના રહેશે. અને રજીસ્ટર્ડ કરાવેલ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે.
આ પરમીટમાં વાહન મતદાર વિભાગના કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. તથા વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે.સબંધિત ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહીં. આ નિયંત્રણો યાંત્રિક શકિતથી કે અન્ય કોઈપણ રીતે ચાલતા વાહનોને લાગુ પડશે. આ વાહનોમાં મીની બસ, ટેકસી, ખાનગી કાર, ટ્રક કે ટ્રેલર કે તે વિનાનું ટ્રેકટર, ઓટોરીક્ષા, મોટરસાયકલ વિગેરેનો સમાવેશ થાય છે.આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.