જામનગરમાં વર્લીના અખાડા પર સીઆઇડી ક્રાઇમ ત્રાટકી : સાત ઝબ્બે

  • May 31, 2023 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધરારનગરમાં દરોડો પાડી ૫૬ હજારનો મુદામાલ કબ્જે : એક ફરાર : પટેલ કોલોની પાસે બે વર્લીબાઝની અટકાયત

જામનગરના ધરારનગરમાં વર્લીનો અખાડો ચાલે છે એવી બાતમીના આધારે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની ટુકડીએ દરોડો પાડીને સાત શખ્સોને ૫૬ હજારના મુદામાલ સાથે દબોચી લીધા હતા. આ ઉપરાંત પટેલકોલોની-૯ના છેડે ડેરી પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા બે શખ્સને મોબાઇલ, સાહિત્ય અને રોકડ સાથે પકડી લીધા હતા. જયારે એકને ફરાર જાહેર કરાયો હતો.
જામનગરના ધરારનગર વિસ્તારમાં કેટલાક શખ્સો વર્લીમટકાનો અખાડો ચલાવે છે એવી હકીકતના આધારે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ જામનગર એકમની ટુકડી ત્રાટકી હતી, દરોડા દરમ્યાન મિલન વર્લીમટકાનો જુગાર રમતા ધરારનગર-૧ ઇદમસ્જીદની બાજુમાં રહેતા અજીજ કાસમ હાલેપોત્રા, હાઉસીંગ બોર્ડ ચાલી રુમ નં. ૯૧માં રહેતા ઇકબાલ મહમદ શેખ, ધરારનગર-૧માં રહેતા જાવીદ હાસન શેખ, મુસ્તાક દાઉદ માંડવાણી, અબ્દુલ નામોરી ઘોઘા, રફીક ઉમર નાઇ અને કાસમ વલીમામદ શેઠા નામના શખ્સોને મોબાઇલ નંગ ૭, આંકડા લખેલી ચિઠ્ઠીઓ, જુદા જુદા ચલણની ૨૧૫૦૦ની નોટો મળી કુલ ૫૬૫૮૦નો મુદામાલ કબ્જે લીધો હતો.
દરોડા વખતે ધરારનગર-૧ કેન્દ્ર પાસે રહેતા ગુલામભાઇ ઉર્ફે ગુલામ બુકી મોટાભાઇ કુંગડા નામનો વાઘેર શખ્સ હાજર મળી આવ્યો નહોતો જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. રાજકોટ ઝોન જામનગર એકમ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટુકડી ત્રાટકતા ભારે ચકચાર મચી જવા પામી હતી, સ્ટાફના જયપાલસિંહ દ્વારા ઉપરોકત આઠ શખ્સો વિરુઘ્ધ જુગારધારા મુજબ સીટી-બીમાં ફરીયાદ નોંધાવી હતી.
બીજા દરોડામાં જામનગર પટેલ કોલોની શેરી નં. ૯ના છેડે ડેરી પાસે વર્લીમટકાનો જુગાર રમતા નવાગામ ઘેડ, ઇન્દીરા સોસાયટી શેરી નં. ૩માં રહેતા રામજી ઉર્ફે અશોક લક્ષમણ બાંભણીયા અને શાંતીનગર શેરી નં. ૩માં રહેતા હેમતસિંહ પ્રવિણસિંહ જાડેજા આ બંનેને સીટી-બી પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૧૦૦૪૦ તથા મોબાઇલ અને વર્લીના સાહિત્ય સાથે દબોચી લીધા હતા. રેઇડ દરમ્યાન વર્લીની કપાત લેનાર સ્વામીનારાયણનગર મકાન નં. ૪માં રહેતા ઋષી પોપટ ફરાર થઇ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application