જેતપુરની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલમાં ફાધરે વિદ્યાર્થીને ઢીબી નાખ્યો, 8 સેકન્ડમાં 7 લાફા માર્યા, જુઓ સીસીટીવી

  • January 22, 2025 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જેતપુરમાં સેન્ટ ફ્રાન્સિસ ગ્રાન્ટ એઇડ સ્કૂલમાં ફાધરે વિદ્યાર્થીને ઢીબી નાખ્યાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ફાધર વિદ્યાર્થીને 8 સેકન્ડમાં 7 લાફા ઝીંકી દે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના એક અઠવાડિયા પહેલાની છે. પરંતુ સીસીટીવી સામે આવતા રાજકોટ ડીઇઓએ તપાસ હાથ ધરી છે. ​​​​​​​


સીસીટીવીમાં શું દેખાય છે
સીસીટીવીમાં દેખાય રહ્યું છે કે સ્કૂલનો સમય પૂર્ણ થયો છે અને તમામ વિદ્યાર્થીઓ ક્લાસમાંથી બહાર નીકળી રહ્યા છે ત્યારે લોબીમાં જતા એક વિદ્યાર્થી ઉપર આ જ સ્કૂલના ફાધર તૂટી પડે છે અને એક વિદ્યાર્થીને 7 લાફા મારી દે છે. જેને કારણે આસપાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ત્યાં એકઠા થઈ જાય છે, જોકે વિદ્યાર્થીને કયા કારણોથી લાફા મારવામાં આવ્યા તે હજુ સુધી સામે આવ્યું નથી. 


તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે
વિદ્યાર્થીને વાલી દ્વારા કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી કે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કોઈ જ ફરિયાદ મળી નથી. પરંતુ વિદ્યાર્થીને બેફામ મારવામાં આવતો હોવાના સીસીટીવી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચતા તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 


આ વિદ્યાર્થી કોણ હતો? તે તપાસનો વિષય
આ અંગે રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે, જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ ગ્રાન્ટેડ સ્કૂલમાં ફાધર દ્વારા કોઈ વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાના સીસીટીવી મને મીડિયાના માધ્યમથી મળ્યા છે. જેથી આ ઘટના અંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ આપવામાં આવી છે. જોકે આ ઘટના એક અઠવાડિયા પહેલાંની એટલે કે 16 જાન્યુઆરીની હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થી કોણ હતો? ક્યાં ધોરણમાં અભ્યાસ કરતા હતો? અને ફાધર દ્વારા શા માટે માર મારવામાં આવ્યો તે અંગે તપાસ બાદ જ ખ્યાલ આવશે. જોકે એક અઠવાડિયા બાદ પણ આ ઘટનામાં હજુ સુધી મને વાલીની ફરિયાદ મળી નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News