ધાર્મિક સ્થળોનો પણ પાડતોડમાં સમાવેશ: ૮૦૦ થી વધુ પોલીસ, એસઆરપી સહિતના કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત: ગઇકાલે વડી અદાલતમાં ચૂકાદો આવી ગયા પૂર્વે જ ડીમોલીશન માટેની તૈયારીઓ કરી લેવામાં આવી હતી, જંગી પોલીસ કાફલો પહેલેથી જ ખડકી દેવામાં આવ્યો હતો, ચૂકાદો આવતાની સાથે ઓપરેશન ડીમોલીશન પાર્ટ-ટુ શરૂ થયો
બેટ-દ્વારકામાં અગાઉ મેગા ડીમોલીશન કરીને થોકબંધ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા, આ પછી ધાર્મિક સ્થાનોને લઇને સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચતા ડીમોલીશન પર બ્રેક લાગી હતી, પરંતુ ગઇકાલે આ પાડતોડના અનુસંધાને કરાયેલ જુદી જુદી અરજીઓ પર હાઇકોર્ટમાં ચૂકાદો આવતાની સાથે જ બેટ-દ્વારકામાં ફરી બુલડોઝર ફરી વળ્યું છે અને ધાર્મિક સ્થળો સહિતના અનેક બાંધકામ તોડીને સરકારી જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું છે.
ગઇકાલે સવારથી જ પોલીસ તંત્રમાં સરવળાટ હતો, તૈ્યારીઓ કરી લેવામાં આવી હતી, બપોરે ૧ર વાગ્યા સુધીમાં તો મોટો પોલીસ કાફલો બેટ-દ્વારકા ખાતે ખડકી દેવામાં આવ્યો હતો, ડીમોલીશનની પૂરી તૈયારી કરી લેવામાં આવી હતી અને વડી અદાલતમાં ચૂકાદો આવતાની સાથે જ બુલડોઝર ચલાવીને બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.
પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના નેતૃત્વમાં અગાઉ સાત દિવસમાં મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ૩૮૪ રહેણાંક, ૧૩ અન્ય અને ૯ કોમર્શિયલ મળી કુલ ૪૦૬ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણો હટાવવાથી સવા લાખ ચોરસ મીટર જમીન મુક્ત થઈ હતી, જેની કિંમત રૂપિયા ૬૩ કરોડ આંકવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા ઓપરેશન ડિમોલિશનમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. હાઈકોર્ટનો સ્ટે ઉઠી જતાં બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્રએ ફરીથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની દેખરેખ હેઠળ આજે બપોરથી શરૂ થયેલી કામગીરીમાં સાડા છ હજાર ચોરસ ફૂટ જેટલી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ જમીનની કિંમત આશરે પોણા બે કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
બેટ-દ્વારકામાં ફરી
ઉલ્લેખનીય છે કે ૧૧મી જાન્યુઆરીથી શરૂ થયેલા આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ૫૨૫ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. વીસેક દિવસ પહેલા કેટલાક દબાણકર્તાઓએ હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો, જે આજે ઉઠી જતાં તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆરડી અને જીઆરડી સહિત ૮૦૦ જેટલા જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડની ઉપસ્થિતિમાં સ્થાનિક મામલતદાર અને તેમની ટીમે કોઈપણ અંતરાય વિના કામગીરી પૂર્ણ કરી હતી. આ કામગીરી આવતીકાલે પણ ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં કુલ ૪૦૬ અનધિકૃત બાંધકામ દૂર કરીને ૧.૨૧ લાખ સ્ક્વેર મીટર જેટલી જમીન ખુલ્લી કરાઈ છે. જેની કિંમત ૬૨.૭૩ કરોડ જેટલી થવા જાય છે. સુપ્રીમ કોર્ટે અનધિકૃત બાંધકામ હટાવવા વિરુદ્ધ કોઈ નિર્દેશ આપ્યા નથી. સરકાર પક્ષે મહત્વની રજૂઆત કરાઈ હતી કે વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન દ્વારકાના ૩૮ માછીમારોને પાકિસ્તાને પકડીને જેલમાં નાખ્યા હતા. ગુપ્ત માહિતી મુજબ તેમને ધાર્મિક પ્રભાવમાં રાખ્યા બાદ છોડી મુકાયા હતા. કબ્રસ્તાન ઉપર મદરેસાનું બાંધકામ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે બેટ દ્વારકા ડિમોલિશન મુદ્દે એસોસિયેશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ દ્વારા એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ ૧૧ થી ૧૮ જાન્યુઆરી સુધી ડીમોલીશન ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં ૫૨૫ મિલકતો તોડી પાડવામાં આવી હતી, તેમાં મંદિર-મસ્જિદો અને મકાનો હતા. કુલ ૧.૨૭ લાખ સ્ક્વેર કિલોમીટર જમીનને ખુલ્લી કરવામાં આવી હતી. જેની કિંમત ૭૩ કરોડ જેટલી થવા જાય છે. આ ડ્રાઈવમાં મિલકત ધારકોએ અનઅધિકૃત બાંધકામ કર્યું હોવાનું સરકારનું કહેવું હતું. ડ્રાઇવ દરમિયાન ૧૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત હતા. તેમાં ઇન્દિરા આવાસ યોજનાના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૧ ના આંકડાઓ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭.૫૨ લાખ જેટલી વસ્તી આવેલી છે જેમાં હિન્દુઓની વસ્તી આશરે ૮૫ ટકા જેટલી અને લઘુમતીઓની વસ્તી આશરે ૧૫ ટકા જેટલી છે. જિલ્લાનું વિસ્તાર ૪,૦૫૧ વર્ગ કિલોમીટર છે. જેમાં ખંભાળિયા ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકાનો સમાવેશ થાય છે. જિલ્લામાં ઓઇલ રિફાઇનરી, મીઠું, બોકસાઈટ અને લાઈમ સ્ટોનના ઉદ્યોગો આવેલા છે. જિલ્લામાં મંદિર મસ્જિદો આવેલી છે. ખંભાળિયા અને દ્વારકા એમ બે વિધાનસભા મતક્ષેત્રો આવેલા છે. દ્વારકા વિધાનસભામાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.