રાજકોટમાં ભારત સામે અંગ્રેજો ઘૂંટણિયે: ત્રીજી ટેસ્ટમાં જીત

  • February 19, 2024 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ભારત–ઈંગ્લેંડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ૪૩૪ રનથી ટેસ્ટ મેચના રેકોર્ડમાં ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી. યશશ્વી જયસ્વાલની ડબલ સેન્ચ્યુરીથી ભારતે ૫૫૭ રનનો ટાર્ગેટ ઈંગ્લેંડને આપ્યો હતો જે ચેઝ કરવા ગ્રાઉન્ડમાં ઉતરેલી ઈંગ્લેંડની ટીમ ચોથી ઇનિંગ્સમાં ભારતીય બોલરો સામે ઘૂંટણિયે થઇ હતી. જાડેજાની જાદુઈ બોલિંગમાં અડધી ટિમ ફસાઈ જતા ૧૨૨ રન બનાવી આખી ટિમ પેવેલિયન ભેગી થઇ હતી. ઈંગ્લેંડની ટીમમાં માર્ક વુડને છોડીને એક પણ બેટસમેન ૨૦ રનનો આંકડો પાર કરી શકયો નહતો. ચોથી ઇનિગ્સમાં જાડેજાની પાંચ વિકેટ ઉપરાંત કુલદીપ યાદવને બે વિકેટ, બુમરાહ અને અશ્વિનને એક–એક વિકેટ મળી હતી. ભારતે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ૨–૧ની લીડ મેળવી લીધી છે.


ભારત તરફથી બીજા દાવમાં યશસ્વી જયસ્વાલે ૨૧૪ રનએ નોટ આઉટ અને શુભમન ગિલે ૯૧ રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં રોહિત શર્માએ ૧૩૧ રન અને રવીન્દ્ર જાડેજાએ ૧૧૨ રન બનાવ્યા હતા. સરફરાઝ ખાને બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. પહેલી ઇનિંગમાં બોલિંગમાં મોહમ્મદ સિરાજે ૪ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે પ્રથમ દાવમાં ૧૫૩ રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી બંને ઇનિંગ્સમાં ફિટી ફટકારી શકયો નહોતો. નિરંજન શાહ સ્ટેડિયમમાં પ્રથમ દાવમાં ભારતે ૪૪૫ રન અને ઈંગ્લેન્ડે ૩૧૯ રન બનાવ્યા હતા. ભારતે બીજો દાવ ૪૩૦ રને ડિકલેર કર્યેા હતો.રનના માર્જિનથી ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત હતી. આ પહેલા ૨૦૨૧માં મુંબઈના વાનખેડે મેદાન પર ટીમે ન્યૂઝીલેન્ડને ૩૭૨ રનથી હરાવ્યું હતું.


સરફરાઝનું સ્થાન મિડલ ઓર્ડરમાં પાક્કું
ટેસ્ટ ક્રિકેટમાં રાજકોટથી ડેબ્યુ કરનાર સરફરાઝ ખાને ઈંગ્લેંડ સામેની ત્રીજી ટેસ્ટમાં પ્રથમ અને બીજી બંને ઇનિગ્સમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી. પ્રથમ દાવમાં ૬૨ રન બનાવીને રનઆઉટ થયો હતો. જયારે બીજી ઇનિંગમાં તેણે છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૭૨ બોલમાં ૬૮ રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ડેબ્યુ ટેસ્ટમાં સરફરાઝના દમદાર દેખાવથી મિડલ ઓર્ડરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.


ટેસ્ટ ક્રમાંકમાં ભારત બીજા સ્થાને
રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ જીતતા ભારતની ટિમ ટેસ્ટ ક્રમાંકમાં બીજા સ્થાને પહોંચી ચુકી છે. ભારતના પોઈન્ટ ટકાવારી ૫૯.૫૨ થઈ ગયા છે. ભારતે ૫૫ ટકા પોઈન્ટવાળી ઓસ્ટ્રેલિયન ટીમને પાછળ છોડી દીધી છે અને ભારત હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ચૂકયું છે.


ચોથી મેચમાં રજતના સ્થાને ફેરફારની શકયતા

રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં રજત પાટીદાર સિવાય તમામ ખેલાડીઓનું પરફોર્મન્સ શાનદાર જોવા મળ્યું હતું. રાજકોટની પીચ બેટસમેન અને બોલર બંને માટે મદદપ બની હતી પરંતુ ટેસ્ટમાં રજત પાટીદારએ પ્રથમ દાવમાં પાંચ અને બીજા દાવમાં ઝીરો રનમાં પેવેલિયન પરત ફર્યા હતા. રજત પાટીદારે વિશાખાપટ્ટનમમાં ટેસ્ટ ડેબ્યુ કયુ હતું. જેમાં તે પ્રથમ ઇનિંગમાં ૩૨ રન અને બીજી ઇનિંગમાં ૯ રન બનાવીને આઉટ થયો હતો. નિરાશાજનક પ્રદર્શનને લઇ ટીમ ઇન્ડિયા આગામી ચોથા રાંચી ટેસ્ટમાં રજત પાટીદારના સ્થાને બદલાવ કરશે કે કેમ ? એ જોવું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application