કાલથી બોર્ડની પરીક્ષાનો મહાકુંભ: 14.30 લાખ પરીક્ષાર્થીઓ

  • February 26, 2025 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કારકિર્દી માટે અત્યંત મહત્વની ગણાતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ધોરણ 10 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આવતીકાલથી શરૂ થઈ રહી છે, તારીખ 10 માર્ચ સુધી ચાલનારી આ પરીક્ષા સંદર્ભે છેલ્લા કેટલાક મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી હતી તે હવે પૂરી થઈ છે અને કાલથી પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે.

બોર્ડની આ પરીક્ષામાં ધોરણ 10માં 8,92,882 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 મળીને કુલ 14.30 લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. 144 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષા આપવાના છે. સુરત અને રાજકોટની જેલમાં પણ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે.

આવતીકાલથી શરૂ થતી આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને આજે બપોરે 2:30 વાગ્યાથી જે તે સેન્ટરમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા જોવા મળી શકશે. સાંજે 5:00 વાગ્યા સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે પરંતુ તેમાં વિદ્યાર્થીઓ કે વાલીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં નહીં આવે.

કાલે સવારે 10 વાગ્યાથી પરીક્ષાનો પ્રારંભ થશે. ધોરણ 10 માં ભાષાનું પ્રથમ પેપર છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર રાખવામાં આવ્યું છે. સવારના સત્રના આ બંને પેપરો પૂરા થયા પછી બપોરના 3:00 વાગ્યાથી 6-30 વાગ્યાના બપોરના સત્રમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાનનું છે.

બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ ગયા સપ્તાહે અલગ અલગ ઝોનમાં મોકલી અપાયા પછી બે દિવસ અગાઉ તમામ જિલ્લા મથકો એ તે પહોંચાડી દેવાયા છે. અને આજે રાત સુધીમાં તમામ પરીક્ષા કેન્દ્રમાં પહોંચાડી દેવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં સ્કવોડના સભ્યો સિવાય કોઈપણને મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માઈકના ઉપયોગ કરી શકાશે નહીં. ચોરી અને ગેરરીતી અટકાવવા માટે પરીક્ષા કેન્દ્ર આસપાસના ઝેરોક્ષ કેન્દ્ર પરીક્ષાના સમય દરમિયાન બંધ રાખવાના આદેશ કરાયા છે. કેલ્ક્યુલેટર લઈ જવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. વિદ્યાર્થીઓને બુટ મોજા પહેરીને પણ પ્રવેશ આપવામાં નહીં આવે.

વિદ્યાર્થીઓને આ વખતે પ્રશ્નપત્ર વાંચવા માટે વધુ 15 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે. એસટી નિગમ અને પીજીવીસીએલ દ્વારા બસ અને વીજ પુરવઠાને લગતી આગોતરી પુરી વ્યવસ્થા કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application