શિવરાજપુર બીચ ખાતે સ્કૂબા ડાઈવિંગ કરવા આવેલા યાત્રિકોને કડવો અનુભવ

  • December 27, 2023 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્કૂબા ડાઈવિંગ ન કરાવી, માર મારતા ગુનો નોંધાયો

દ્વારકા નજીક શિવરાજપુર બીચ ખાતે સ્કૂબા ડાઈવિંગ માટે આવેલા પરપ્રાંતિય પ્રવાસીઓને પૈસા લઈશ, સ્કૂબા ડાઈવિંગ ન કરાવવા ઉપરાંત તેઓને માર મારવા સબબ ત્રણ શખ્સો સામે ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મધ્યપ્રદેશ રાજ્યના રતલામ તાલુકામાં રહેતા યશવર્ધનભાઈ યોગેન્દ્રસિંહ કુશવાહા નામના ૩૦ વર્ષના ઠાકોર યુવાન તેમના પરિવારો - મિત્રો સાથે ગઈકાલે મંગળવારે દેવભૂમિ દ્વારકામાં આવ્યા હતા. ત્યારે દ્વારકા નજીક શિવરાજપુર બીચ ખાતે તેઓ અન્ય સાહેદો સાથે એસ્ટ્રોન સ્કૂબા ડાઈવિંગમાં સ્કૂબા કરવા માટે ગયા હતા.
ગતસાંજે સ્કૂબા ડાઈવિંગ કરવા ગયેલા આ પ્રવાસીઓ પાસેથી પૈસા મેળવીને થોડીવાર બોટમાં બેસાડીને સ્કૂબા ડાઈવિંગના ત્રણ સંચાલકોએ સ્કૂબા કરાવ્યું ન હતું અને સાંજનો સમય થઈ ગયો હોવાથી સ્કૂબા બંધ થઈ ગયું હોવાથી ફરિયાદી યશવર્ધનભાઈએ આરોપીઓને કહેલ કે સાંજનો સમય થઈ ગયો હોવા છતાં પણ અમોને સ્કૂબા ડાઈવિંગ કરવાની શા માટે હા પાડી હતી? તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.
ઉશ્કેરાયેલા આ ત્રણ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરી, બિભત્સ ગાળો કાઢીને ઝપાઝપી કરી હતી. આટલું જ નહીં, એક આરોપીએ લોખંડનો પાઈપ યશવર્ધનને માથાના ભાગે ફટકારી દેતા તેને લોહી-લુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આમ, આરોપીઓએ ડખ્ખો કરી, અને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે શિવરાજપુર બીચ ખાતેના એસ્ટ્રોન સ્કૂબા ડાઈવિંગના ત્રણ શખ્સો સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application