રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ રાજ્યમાં ફરીવાર નવેસરથી જમીનનો સર્વે કરવામાં આવશે

  • January 12, 2023 01:29 AM 

Aajkaalteam

રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફરી એકવાર નવેસરથી જમીનનો સર્વે કરવામાં આવશે. આ જામનગર અને દ્વારકામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે.


આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ખેતીની જમીનનો રિ- સર્વે રદ કરવાનો નિર્ણય લેવાયો છે અને ફરી નવેસરથી જમીનનો સર્વે કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જમીનની રી સર્વે બાબતે ઝડપી કામગીરી થાય તે માટે નિર્ણય લેવાયો છે. જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે. 


રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જમીન માપણીમાં ક્ષતિ સુધારણા માટેના સરકારના પાયલોટ પ્રોજેક્ટની જાણકારી આપતા જણાવ્યું છે કે, સરકારે ખેડૂતોને પડતી રી-સર્વે દરમિયાનની જે ક્ષતિઓ માલુમ પડી અને જેમણે વાંધા આપ્યા છે, ગુજરાતભરમાંથી એવા વાંધા આવ્યા હતા અને એ વાંધાઓના સુધારણા માટે ઝડપી અમલ થાય ઝડપથી એ લોકોની મુશ્કેલીઓનું નિવારણ થાય એના માટે જામનગર અને દેવભૂમિ દ્વારકાથી પાયલોટ પ્રોજેક્ટ સરકારે અમલમાં મૂક્યો છે.


તેમણે કહ્યું કે, આ બંને જિલ્લામાં સફળતાપૂર્વક પાયલોટ પ્રોજેક્ટનો અમલ કર્યા પછી બાકીના જિલ્લાઓમાં પણ ઝડપથી રી-સર્વેમાં પડેલી ક્ષતિઓ અને મુશ્કેલીઓનો ઝડપથી નિકાલ આવે એના માટે રાજ્ય સરકારે શરૂઆત કરી છે.


તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, વાતનું તાત્પર્ય રિસર્વે રદ કર્યો છે એવું ક્યારેય ન હતું. માત્ર રી-સર્વે દરમિયાન સરકારને મળેલી ક્ષતિઓના નિવારણ માટે અને ખેડૂતોને પડતી, પ્રોપર્ટી ધારકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે આ પાયલોટ પ્રોજેક્ટ સરકારે અમલમાં મૂક્યો છે. આવતા સમયમાં શક્ય હોય એટલું વહેલા સમગ્ર ગુજરાતની અંદર મળેલી ક્ષતિઓ, વાંધાના ઝડપથી નિકાલ આવે એના માટે આ પાયલોટ પ્રોજેક્ટથી શરૂઆત કરી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application