ખંભાળિયાના બેહ ગામે ખેડૂત પરિવારમાં લૂંટ ચલાવી, 25 વર્ષ પૂર્વે નાસી છૂટેલા આરોપીને એસ.ઓ.જી. એ દબોચી લીધો

  • July 26, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈનામી આરોપીને ઝડપી લઇ, પોલીસ તપાસ



ખંભાળિયા તાલુકાના બેહ ગામના એક ખેડૂત પરિવારના ઘરમાં રાત્રિના સમયે ત્રાટકી, ખેડૂત પર હુમલો કરીને લૂંટ ચલાવી, નાસી છૂટેલા પરપ્રાંતિય આરોપીને 25 વર્ષ બાદ એસ.ઓ.જી. પોલીસ દ્વારા ખંભાળિયામાંથી દબોચી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત આરોપી પર સરકાર દ્વારા રોકડ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.


આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા - દ્વારકા હાઈવે પર આવેલા બેહ ગામે વર્ષ  1999 માં પાલાભાઈ થારીયાભાઈ નામના એક ગઢવી ખેડૂત પરિવારના લોકો રાત્રિના સમયે તેમના ઘરે સુતા હતા, ત્યારે ચાર જેટલા અજાણ્યા શખ્સોએ હથિયારો સાથે તેમના ઘરે આવીને જીવલેણ હુમલો કરી, લૂંટ ચલાવી હતી. જેમાં રોકડ રકમ, દાગીના ઉપરાંત બાર બોર બંદૂક સહિતનો મોટી રકમનો મુદ્દામાલ લૂંટારુઓ લૂંટી લઈને અંધારામાં ઓગળી ગયા હતા. આ પ્રકરણમાં પાલાભાઈને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજાઓ થવા પામી હતી.


આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા સમયે આઈ.પી.સી. કલમ 147 148 149 395 397 460 તથા 34 મુજબ ધોરણસર ગુનો નોંધ્યો હતો. છેલ્લા આશરે 25 વર્ષથી નાસતા ફરતા આરોપી સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગ દ્વારા હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ઈરફાનભાઈ આમદભાઈ ખીરા તથા મહંમદભાઈ યુસુફભાઈ બ્લોચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત લૂંટ પ્રકરણનો આરોપી મધ્ય પ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લાના માલ ફળિયું ખાતેના મૂળ રહીશ એવા સતરુ બાપુભાઈ લાલજી વાખલા (ઉ. વ. 46) ને ખંભાળિયામાં એસ.ટી. ડેપો બહારના માર્ગેથી દબોચી લીધો હતો.


મહત્વની બાબત કહે છે કે સરકારના ક્રાઈમ બ્રાન્ચ વિભાગ દ્વારા ઉપરોક્ત આરોપીને ફરારી જાહેર કરી, અને તેના પર રૂપિયા 10,000 નું રોકડ ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લેવામાં સફળતા મેળવી છે. ઉપરોક્ત આરોપીનો કબજો ખંભાળિયાના પોલીસને સોંપવામાં આવ્યો છે. જે અંગે પી.એસ.આઈ. વી.બી. પીઠિયા દ્વારા રિમાન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, મહંમદભાઈ બ્લોચ, ઈરફાનભાઈ ખીરા, નિર્મલભાઈ આંબલીયા અને સંજયભાઈ વારોતરીયા દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application