ટી-20માં હાઇએસ્ટ સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ, 37 સિક્સ સાથે બરોડાની ટીમે 349 રન ફટકાર્યા

  • December 05, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ચાલી રહી છે. જેમાં બરોડાની ટીમે તમામ જૂના રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. બરોડાની ટીમે ટી-20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 20 ઓવરમાં જ 349 રન ફટકાર્યા હતા. આ પહેલાં સૌથી મોટા ટી-20 ટોટલનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો, જેના બેટર્સે આ વર્ષે ગામ્બિયાની ટીમ સામે 20 ઓવરમાં 344 રન બનાવ્યા હતા.


બરોડાના બેટ્સમેનોની બેટિંગ સામે સિક્કિમના બોલરો ઘૂંટણીયે પડી ગયા હતા. બરોડાના ટોચના 5 બેટર્સમાંથી કોઈનો સ્ટ્રાઈક રેટ 200થી નીચે નહોતો. બરોડાની ઇનિંગ્સમાં કુલ 37 સિક્સર ફટકારવામાં આવી હતી, જે ઝિમ્બાબ્વેએ ગેમ્બિયા મેચમાં ફટકારવામાં આવેલા 27 સિક્સરની રેકોર્ડ સંખ્યા કરતાં 10 વધુ છ


બરોડાની ટીમે 263 રને મેચ જીતી લીધી
બરોડાએ સિક્કિમને 263 રનથી હરાવ્યું હતું. 350 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી સિક્કિમની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 86 રન જ બનાવી શકી હતી. સિક્કિમ માટે રોબિન લિમ્બુએ સૌથી વધુ 20 રન બનાવ્યા, જ્યારે અંકુરે 18 રનની અણનમ ઇનિંગ રમી. સિક્કિમ તરફથી માત્ર ત્રણ બેટર્સ ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. બરોડા તરફથી મહેશ પિઠિયા અને નિનાદ રાઠવાએ બે-બે વિકેટ લીધી હતી.


બરોડાએ સિક્કિમને 350 રનનો ટાર્ગેટ આપ્યો હતો
સૈયદ મુશ્તાક અલી 2024ની ગ્રુપ-Bની મેચમાં બરોડાનો મુકાબલો સિક્કિમ સામે હતો. આ મેચમાં બરોડાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી બેટિંગ કરતા બરોડાની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ટીમ તરફથી શાશ્વત રાવત અને અભિમન્યુસિંહે આક્રમક શૈલીમાં ઓપનિંગ કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બન્ને ઓપનરોએ પણ તોફાની બેટિંગ કરી અને પ્રથમ વિકેટ માટે 92 રન જોડ્યા. શાશ્વત રાવત (16 બોલમાં 43 રન) અને અભિમન્યુસિંહ રાજપૂતે (17 બોલમાં 53 રન) ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. રાવતે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે અભિમન્યુએ 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.


ભાનુ પાનિયાની ધમાકેદાર સદી
બરોડા ટીમમાં બેટિંગ માટે ત્રીજા નંબરે ઉતરેલા ભાનુ પાનિયાનું સૌથી શક્તિશાળી ફોર્મ જોવા મળ્યું હતું. તેણે અણનમ સદી ફટકારી અને 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભાનુએ માત્ર 51 બોલનો સામનો કરીને આ રન બનાવ્યા હતા, જેમાં 15 છગ્ગા પણ સામેલ હતા. ઇનિંગમાં તેના બેટમાંથી 5 ચોગ્ગા પણ આવ્યા હતા.


18મી ઓવરમાં જ સ્કોર 300ને પાર પહોંચ્યો હતો
ત્રીજા નંબરના બેટર ભાનુ પાનિયાની 42 બોલમાં સદીની મદદથી બરોડાએ માત્ર 17.2 ઓવરમાં 300 રનનો આંકડો પાર કરી લીધો હતો. ટીમે પાવરપ્લેમાં જ 100 રન પૂરા કર્યા હતા. આ સાથે બરોડા IPL સિવાય T20 પાવરપ્લેમાં 100 રન બનાવનારી પ્રથમ ભારતીય ડોમેસ્ટિક ટીમ બની છે. ટીમે 20 ઓવરના અંતે 349 રન બનાવ્યા હતા. આ રીતે બરોડા T20માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમ બની ગઈ છે. આ પહેલા વર્ષ 2024માં જ ઝિમ્બાબ્વેએ ગેમ્બિયા સામેની મેચમાં 4 વિકેટે 344 રન બનાવ્યા હતા.


છેલ્લા 37 બોલમાં 99 રન બનાવ્યા
બરોડાએ ઇનિંગના છેલ્લા 37 બોલમાં 99 રન બનાવ્યા હતા. ટીમે પહેલા 16 બોલમાં 50 રનનો આંકડો પાર કરી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application