જીએસટીની બોગસ ઇન્પુટ કેશ ક્રેડિટના કૌંભાડમાં વધુ એક વેપારીના જામીન મંજુર

  • April 14, 2025 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં ચકચાર જગાવનાર પત્રકાર મહેશ લાંગાને સંડોવતા મસમોટા જી.એસ.ટી. ચોરી કૌભાંડમાં બોગસ પેઢી બનાવી ઓપરેટ કરનાર રાજકોટના ધ્રુવ પ્રવીણભાઈ સિંધવના જામીન સેશન્સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં બનાવટી ભાડા કરાર બનાવી ભગવતીપરામાં 'પરમાર એન્ટરપ્રાઈઝ' નામની પેઢી ખોલી ખોટા ભાડા કરારનો ખરા તરીકે ઉપયોગ કરી જી.એસ.ટી. ઓફીસના સરનામાવાળા બોગસ બિલો રજુ કરી 'પરમાર એન્ટરપ્રાઈઝ' ના નામથી જી.એસ.ટી. નંબર મેળવી કુલ-૧૪ પેઢીઓના સંચાલકો સાથે મળી સાડા ત્રણ કરોડ રૂપીયાના બનાવટી બિલિંગ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે ઈન્પુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકારને મોટુ આર્થિક નુકશાન પહોંચાડતા સી.જી.એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીએ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જેમાં રાજકોટ ખાતે બોગસ પેઢી બનાવી ખોટા બિલ આપનાર તરીકે ધ્રુવ સિંધવનું નામ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી ધ્રુવ સિંધવે તેના એડવોકેટ મારફતે રાજકોટ સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બન્ને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી જીએસટી સ્પેશિયલ એક્ટ હોય, તેમાં પોલીસને હસ્તક્ષેપની થતા નહી હોવાના મતલબની દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપીને પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવા સહિતની શરતોને આધીન જામીન મુકત કરવા હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં આરોપી વતી યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા અને કેવિન ભીમાણી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application