ભાજપના કોર્પોરેટરોની મ્યુનિ.હેલ્થ ઓફિસરને સસ્પેન્ડ કરવા,સરકારમાં પરત કરવા માંગ રજૂ

  • April 25, 2025 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મળેલી પાર્ટી સંકલનની મીટીંગ તેમજ બપોરે ૧૨ કલાકે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરોએ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જયેશ બકાણી વિરુદ્ધ બેફામ ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. ખાસ કરીને તેઓ કામ કરતા નહીં હોવાની તેમ જ બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની નાની મોટી ફરિયાદો આવી રહી હતી અને જનરલ બોર્ડની ગત મીટીંગમાં પણ ભાજપના કોર્પોરેટરોએ ખુલ્લેઆમ આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી વિરુદ્ધ ફરિયાદો કરી હતી ત્યારબાદ પણ પગલાં લેવામાં આવ્યા ન હોય આજે મળેલી પાર્ટી સંકલન ની મીટીંગમાં નગરસેવકોનો ગુસ્સો આસમાને આંબતા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવે, મેયર નયનાબેન પેઢડીયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરએ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.

વિશેષમાં વિશ્વસનીય વર્તુળોએ જણાવ્યું હતું કે આજે મળેલી પાર્ટી સંકલનની મીટીંગ અને સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં ભાજપના કોર્પોરેટરોએ એવા મતલબની ફરિયાદો રજૂ કરી હતી કે કરવા પાત્ર રોજિંદી કામગીરી કરવાને બદલે ફક્ત વહીવટ થઈ શકે તેમ હોય તેવી ભ્રષ્ટાચારની કામગીરીમાં જ આરોગ્ય અધિકારી મશગુલ રહે છે અને ખુદ કોર્પોરેટરો ફરિયાદ કરે તો પણ તે ફરિયાદ ઉપર કામગીરી થતી નથી. તદઉપરાંત ખાસ કરીને શહેરના અનેક નાગરિકોમાંથી કોર્પોરેટરોને એવી ફરિયાદો મળી રહી છે કે જ્યાં સુધી પ્રસાદી ધરવામાં ન આવે ત્યાં સુધી આરોગ્ય લક્ષી કામગીરી આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવતી નથી. ખુદ આરોગ્ય કમિટી ચેરમેન ફરિયાદ કરે તો પણ આરોગ્ય અધિકારી તે ફરિયાદ ઉકેલવામાં રસ દાખવતા નહીં હોવાની પણ ફરિયાદ થઈ હતી.

મહાનગરપાલિકામાં મુખ્ય આરોગ્ય અધિકારીની નિમણૂક રાજ્ય સરકારમાંથી આવતા અધિકારીની થતી હોય છે આથી આ મામલે રાજ્ય સરકાર સુધી ફરિયાદ કરવા નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીને રાજ્ય સરકારમાં પરત મોકલવા માટે જનરલ બોર્ડમાં દરખાસ્ત રજૂ કરીને રવાના કરવા તેઓ આંતરિક નિર્ણય લેવાયો હતો. અલબત્ત હવે આગામી જનરલ બોર્ડ મીટીંગ મળે ત્યાં સુધી રાહ જોવાની રહેશે તેમ જ મ્યુનિસિપલ કમિશનર પણ હાલ વિદેશ પ્રવાસે હોય તેવો વિદેશથી પરત ફર્યા બાદ તુરંત આ અંગેની દરખાસ્ત કરાય તે માટે ભાજપના શાસકો તરફથી માંગ રજૂ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ૧૫ વર્ષ પૂર્વે રાજકોટ મહાપાલિકામાં તત્કાલીન આરોગ્ય અધિકારી વિરુદ્ધ પણ ઉપરોક્ત પ્રકારની ફરિયાદો ઉઠતા તેમને ભાજપના કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરીને સરકારમાં પરત મોકલ્યા હતા.


ભાજપના અમુક કોર્પોરેટરોએ ભ્રષ્ટાચારના પુરાવા આપવા સુધીની પણ તૈયારી દર્શાવી

ભારતીય જનતા પાર્ટીની સંકલન મીટીંગ તેમજ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી સામે ભ્રષ્ટાચાર તેમજ ફરજમાં બેદરકારી સહિતના આક્ષેપો કર્યા બાદ ભાજપના જ અમુક કોર્પોરેટરોએ આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીના ભ્રષ્ટાચાર ના પુરાવા આપવા સુધીની પણ તૈયારી દર્શાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application