સિલિંગ-અધિકારીરાજ સામે ભાજપના કોર્પોરેટરોનો બળાપો

  • July 16, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્વે આજે સવારે 10 કલાકે મળેલી ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો અને રાજકોટ શહેર ભાજપ્ના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મળેલી પાર્ટી સંકલન મિટિંગમાં શાસક પક્ષ ભાજપ્ના કોર્પોરેટરોએ સિલિંગ ડ્રાઇવ બાદ સીલ ખોલવા શું કરવાનું તે મુદ્દે કોઇ જવાબ આપતું નહીં હોવાનું જણાવી મહાપાલિકામાં અધિકારીરાજ ચાલી રહ્યું છે તેવા આક્ષેપો સાથે ભારે બળાપો ઠાલવ્યો હતો. પાર્ટી સંકલનની મિટિંગમાં કોર્પોરેટરોએ એવો આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ, ઇજનેરો અને વોર્ડનો સ્ટાફ કોર્પોરેટરોના ફોન પણ રિસીવ કરતો નથી. સિલિંગ ડ્રાઇવ સામે કોઇ જ વાંધો, વિરોધ કે હરકત નથી પરંતુ મિલકત સીલ થયા બાદ તે સીલ ખોલવા માટે શું કરવાનું તેનું કોઇ જ માર્ગદર્શન કે જવાબ અધિકારીઓ આપતા નહીં હોવાનો સાર્વત્રિક સુર ઉઠ્યો હતો.
વિશેષમાં ભાજપ્ના કોર્પોરેટરોએ આડેધડ ચાલતી સિલિંગ ડ્રાઇવ ઉપરાંત અધિકારીરાજ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. અમુક કોર્પોરેટરોએ શહેર પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન સમક્ષ એવી ફરિયાદ પણ કરી હતી કે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર મળતા નથી, મળવા જઇએ ત્યારે ફરજિયાત વિઝીટર સ્લીપ ભરવાનો આગ્રહ રાખવામાં આવે છે, વિઝીટર સ્લીપ ભયર્િ પછી પણ અડધો અડધો કલાક સુધી વેઇટિંગ લોન્જમાં બેસાડી રાખે છે ! અરજદાર કે ડેલીગેશનને સાથે લઇને કમિશનરને મળવા ગયા હોય ત્યારે અમારી સાથે આવેલા લોકોને અમારે શું જવાબ આપવો ? તે સહિતના સવાલો ઉઠાવી પાર્ટી સંકલન મિટિંગમાં ભાજપ્ના કોર્પોરેટરોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
કોર્પોરેટરોએ કહ્યું હતું કે સિલિંગ ડ્રાઇવ સામે વાંધો નથી પરંતુ સીલ થયા બાદ તે ખોલવા માટે શું કરવાનું તેનું તત્કાલ યોગ્ય માર્ગદર્શન મળવું જોઇએ, ફક્ત માર્ગદર્શનના અભાવે દિવસો સુધી મિલકતો સીલ રહે તે બાબત કોઇ સંજોગોમાં વ્યાજબી નથી, અનેક કિસ્સામાં તો સૂકા પાછળ લીલું બળે તેવો તાલ સર્જાયો છે પરંતુ રજુઆત માટે કોલ કરીએ ત્યારે અધિકારીઓ કે ઇજનેરો કોલ રિસીવ કરતા નથી. જો કોર્પોરેટરોના કોલ રિસીવ કરતા ન હોય તો સામાન્ય નાગરિકોના કોલ રિસીવ કરતા હશે કે કેમ ? તે પૂછવાની જ જરૂરિયાત રહેતી નથી.


આજી ડેમમાં ધોવાતા વાહનો મુદ્દે વિનુ ધવા વિફર્યા

રાજકોટના મુખ્ય જળ સ્ત્રોત આજી-1 ડેમમાં સૌની યોજના અંતર્ગત ઠાલવેલા નર્મદાનીરમાં દરરોજ ટ્રક, ઓટો રીક્ષા, છકડો, બસ જેવા સેંકડો વાહનો ખુલ્લેઆમ ધોવાઈ છે જેના લીધે શહેરીજનોને પીવા માટે વિતરણ કરાતું પાણી પ્રદુષિત થાય છે. આ મામલે તેમણે સિટી ઇજનેરનો ઉધડો લીધો હતો અને અસંખ્ય વખત ફોન કરવા છતાં ઇજનેર તેમનો ફોન રિસીવ કરતા નહીં હોવાનું જણાવ્યું હતું. છેલ્લા ઘણાં દિવસોથી તેમનો ફોન રિસીવ નહીં કરી રહેલા સિટી ઇજનેર અલ્પ્ના મિત્રા તેમને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ વેળાએ મળી જતા વિનુ ધવાએ ધબધબાટી બોલાવી હતી.


કમિશનર સાથે સાંજે કોર્પોરેટરોની મિટિંગ

પાર્ટી સંકલનની મિટિંગમાં ભાજપના કોર્પોરેટરોએ ભારે આક્રોશ ઠાલવતા શહેર પ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેન ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આજે સાંજે શહેર ભાજપ્ના હોદ્દેદારો અને મ્યુનિ.પદાધિકારીઓ સાથે મ્યુનિ. કમિશનરની ઔપચારિક શુભેચ્છા મુલાકાત જેવી એક મિટિંગ યોજાનાર છે જેમાં તમામ વોર્ડના કોર્પોરેટરો કમિશનરને મળશે અને પોતાનો પરિચય આપશે. મ્યુનિ.કમિશનરએ રાજકોટમાં ચાર્જ સંભાળ્યાને દોઢ મહિનો વીતી ગયો છતાં હજુ કોર્પોરેટરોને ઓળખતા નહીં હોવાની ફરિયાદો ઉઠતા આ મિટિંગ યોજાનાર હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News