જામજોધપુર, કાલાવડ, ધ્રોલ, દ્વારકા અને ભાણવડ પાંચે પાંચ નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો: સલાયામાં સતા જાળવી રાખવામાં કોંગી સફળ, આમ આદમી પાર્ટીએ ટક્કર આપી, ભાણવડમાં કોંગી પાસેથી સતા આંચકી લેવામાં ભાજપ સફળ, જામજોધપુરમાં આપની ઝાડુ ચાલી નહીં: દ્વારકામાં તમામ બેઠકો ભાજપે જીતી વિપક્ષ જ રહેવા દીધુ નહીં: ધ્રોલમાં એક માત્ર અપક્ષની જીત
અત્ર, તત્ર, સર્વત્ર ભાજપ...ભાજપ....ભાજપ... સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં હાલાર પર ભાજપનો કેસરીયો ઝંઝાવાત ફરી વળ્યો છે. રાજકીય મેદાનમાં ભાજપનું બુલડોઝર ગજબનું ચાલ્યુ છે. હાલારની બન્ને જિલ્લાની છ નગરપાલિકામાંથી પાંચ નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. દ્વારકામાં તો વિપક્ષ જ રહ્યું નથી, જામજોધપુરમાં ત્રિપાંખીયા જંગની વાત હંબગ સાબિત થઇ છે સલાયામાં કોંગ્રેસ પોતાની સતા અને આબરૂ જાળવી રાખવામાં સફળ થયું છે જો કે આમ આદમી પાર્ટીએ જોરદાર ટક્કર આપી હતી, ઓવેસીની પાર્ટીના ભુક્કા નીકળી ગયા છે, બીજી બાજુ આખા જિલ્લામાં ધ્રોલમાં જ એક માત્ર ઉમેદવાર અપક્ષ તરીકે જીતી શકયો છે. આમ અપેક્ષા મુજબ ભાજપે બધા પક્ષના સુપડા સાફ કરી દીધા છે.
આજે જાહેર થયેલા હાલારની છ નગરપાલિકાની ચુંટણીના પરિણામોમાં ભાજપે કુલ ૧૧૭ બેઠક પર ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે. કોંગ્રેસને ૨૮ બેઠક મળી છે. આમ આદમી પાર્ટીને ૧૪ બેઠક મળી છે અને એક બેઠક અપક્ષના ફાળે ગઇ છે.
આજ સવારથી નિયત મતગણતરી કેન્દ્રો પર મતગણના શરૂ થઇ હતી. અને શરૂઆતથી જ ભાજપનો દબદબો દેખાતો હતો. ગત વખતે જે પરિણામ આવ્યા હતા તેને લઇને ભાણવડ નગરપાલિકા કોંગી સાચવી શકે છે કે કેમ તેના પર નજર હતી. તો બીજી તરફ જામજોધપુરમાં જે ત્રિપાંખીયા જંગની વાત હતી તેને લઇને ઉતેજના હતી તો સલાયાના ચાર પાંખિયા જંગ પર નજર મંડાયેલી હતી અને પરિણામ આવી ગયા બાદ ફરી એક વખત ભાજપનો જયજયકાર સામે આવ્યો છે. ગ્રામ્ય તથા તાલુકા વિસ્તારની પ્રજાએ ભાજપને સતા આપી છે.
જામજોધપુરની ૨૮ બેઠકોમાંથી ૨૭ બેઠક પર ભાજપે ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે. માત્ર એક જ વોર્ડ નં. ૭માં આમ આદમી પાર્ટી એક બેઠક જીતવામાં સફળ થઇ છે. અહીં આ વખતે ત્રિપાંખીયો જંગ થશે એવી જ વાત હતી તેનો છેદ ઉડી ગયો છે અને કોંગ્રેસનો તો સફાયો જ થઇ ગયો છે.
કાલાવડ નગરપાલિકાની ૨૮ બેઠકમાંથી ૨૬ બેઠક પર ભાજપે કબજો કર્યો છે. વોર્ડ નં. ૩ અને વોર્ડ નં. ૬માં એક એક બેઠકો જીતીને કોંગીના ફાળે બે બેઠકો આવી છે અત્રે નોંધનીય છે કે જયારથી નગરપાલિકાઓની રચના થઇ ત્યારથી એટલે કે ૨૮ વર્ષથી કયારેય અહીં કોંગ્રેસ જીત્યુ નથી આ વખતે પણ ભાજપે સતા હાંસલ કરીને પોતાનું શાસન અકબંધ રાખ્યુ છે.
ધ્રોલમાં પ્રારંભમાં થોડી ટક્કર દેખાતી હતી પરંતુ અહીં પણ ભાજપે ૨૪માંથી ૧૫ બેઠકો જીતીને સતા હાંસલ કરી લીધી છે. આઠ બેઠક કોંગીના ફાળે આવી છે, એક બેઠક અપક્ષને મળી છે, અને આ રીતે જિલ્લામાં એક માત્ર અપક્ષ ઉમેદવાર અહીં જીતી શકયા છે. અત્રે નોંધનીય છે કે ધ્રોલમાં વોર્ડ નં. ૭ની ચુંટણી કોંગીના ઉમેદવારનાં નિધનને કારણે મોકુફ રખાઇ હતી જે હવે થશે પરંતુ તેનું જે પરિણામ આવે સતા ભાજપે મેળવી લીધી છે.
હાલારનાં બીજા જિલ્લા દેવભૂમિમાં તો ગજબનાં પરિણામ આવ્યા છે, દ્વારકા નગરપાલિકાની તમામ ૨૮ બેઠક પર ભાજપેે કબજો કરીને રીતસરની કેસરીયા સુનામી આવી હોય એવું ચિત્ર સર્જી દીધુ છે જો કે દ્વારકામાં પહેલેથી જ ભાજપનો હાથ ઉપર દેખાતો હતો મતદાન પહેલા જ વોર્ડ નં. ૩ અને ૪ની આઠ બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી હતી. વોર્ડ નં. ૬ની એક બેઠક પણ બિનહરીફ મેળવી લીધી હતી અને પરિણામ પહેલા જ ૯ બેઠક પર કબજો કરી લીધો હતો અને આજે જયારે ચુંટણીનાં પરિણામ આવ્યા ત્યારે બાકીની તમામ બેઠકો જીતીને કમાલનો દેખાવ કર્યો છે. મજાની વાત તો એ પણ છે કે અહીં વિપક્ષનો સંપૂર્ણ સફાયો જ થઇ ગયો છે, વિપક્ષ જ રહ્યું નથી.
ભાણવડમાં કે જયાં પાછલી વખતે કોંગ્રેસની સતા હતી તે આંચકી લેવામાં ભાજપ સફળ થયું છે, અહીં પણ ભાજપે ૮ બેઠક બિનહરીફ તરીકે જીતી લીધી હતી. અને આજે જાહેર થયેલા પરિણામોમાં કુલ ૨૧ બેઠક પર ભાજપે કબજો કર્યો છે. ૩ બેઠક કોંગ્રેસને મળી છે. ૨૪ બેઠકવાળી આ નગરપાલિકા પર ભગવો લહેરાવવામાં ભાજપની ટીમ સફળ થઇ ગઇ છે.
સલાયા નગરપાલિકા કે જે કોંગ્રેસ માટે ગઢ માનવામાં આવે છે ત્યાં સતા જાળવી રાખવામાં કોંગ્રેસ પાર્ટી સફળ થઇ છે. કુલ ૨૮ બેઠકમાંથી ૧૫ બેઠક કોંગીએ જીતી છે, અને આમ આદમી પાર્ટીએ ૧૩ બેઠક જીતીને પોતાની તાકાત જરૂર દેખાડી છે, શરુઆતી વલણમાં તો વોર્ડ નં. ૧,૨,૩ની ૧૨ બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી લેતા સતામાં ઉલટફેરમાં સંકેતો મળ્યા હતા પરંતુ પાછળથી કોંગીએ વોર્ડનં.૪,૫,૬,૭માં બાઉન્સ બેક કરીને બેઠકો જીતી લેતા આખરે અહીં સતા જાળવી રાખવામાં કોંગ્રેસ સફળ થયું હતું.
અહીં પણ ચાર પાંખીયો જંગ હોવાની વાત કરવામાં આવી હતી અને તેલંગણાના ફાયર બ્રાન્ડ મનાતા અસદુદીન ઓવેસીની પાર્ટી આ વખતે અહીં લડી હોવાથી નવા જુની થશે તેવી જ વાતો હતી તેનો છેદ ઉડી ગયો છે કારણકે ઓવેસીની પાર્ટીને સલાયામાં સંપૂર્ણ જાકારો મળ્યો છે. આમ આદમી પાર્ટી પોતાની તાકાત દેખાડવામાં અહીં સફળ થઇ છે.
આમ નગરપાલિકાઓની ચુંટણીનાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપે જામજોધપુર, કાલાવડ, ધ્રોલ, અન દ્વારકામાં પોતાની સતા જાળવી રાખી છે આટલું જ નહીં ભાણવડ નગરપાલિકા કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં ભાજપ સફળ થયું છે અને હાલારમાં વધુ એક વખત કમળનો જયજયકાર થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech