મેટોડામાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી પર ચાની હોટલના માલિક બંધુ સહિતનાનો હુમલો

  • October 10, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોધીકા તાલુકાના વડવાજડી ગામે રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં કન્સ્ટ્રક્શનની ઓફિસ ધરાવતા પ્રૌઢની બાજુમાં ચાની હોટલ ધરાવતા બંધુ સહિત ચાર શખસોએ તેમને ઢીકાપાટુનો મારમારી માથામાં ડોયો મારી દીધો હતો. પ્રૌઢ પોતાની ઓફિસ પાસેની જગ્યાએ પતરા નાખવા માટે માપ લેતા હતા દરમિયાન આ શખસોએ આ જગ્યા અમારી છે તેમ કહી આ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, વડવાજડી ગામે રહેતા પ્રવિણસિંહ દાજીબી ડાભી (ઉ.વ 52) દ્વારા મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ક્ધટ્રક્શનનો વ્યવસાય કરે છે અને મેટોડા જીઆઇડીસી ગેટ નંબર એકની સામે આર.કે નામની તેમની ઓફિસ આવેલી છે. તારીખ 8/10 ના સવારના 10:30 વાગ્યા આસપાસ તે તથા તેમના કારીગર કાળુભાઈ મકવાણા અને મિત્ર મનુભાઈ ડાભી અહીં હાજર હોય અને કારીગર મારફત અહીં બાજુમાં પતરાનું માપ લેતા હતા. ત્યારે ઓફિસની બાજુમાં આવેલ હરસિધ્ધિ નામની ચા કોફીની હોટલના માલિક પ્રદીપસિંહ પરમાર તથા તેનો ભાઈ બળવંતસિંહ પરમાર (રહે બંને વડવાજડી) તેમજ તેનો મિત્ર યાજ્ઞિક જરવરીયા(રહે. શ્રીનાથજી સોસાયટી, મેટોડા જીઆઇડીસી) અને એક અજાણ્યો શખસ અહીં આવ્યા હતા અને પ્રદિપસિંહ તથા બળવંતસિંહ કહેવા લાગ્યા હતા કે, આ જગ્યા અમારી છે તમે અહીં શું કામ પતરા નાખો છો? જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, જગ્યા ના કાગળ હોય તો મને બતાવો હું પતરા નહીં નાખું. આ સાંભળી આ શખસો ઉશ્કેરાયા ગયા હતા અને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
ફરીયાદીના કારીગર કાળુભાઈ છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ માર્યો હતો. દરમિયાન અજાણ્યા શખસે હોટલેથી ચાનો ડોયો લઈ ફરિયાદીને માથામાં મારી દેતા તેઓને લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં ફરિયાદીના અન્ય મિત્રોએ વચ્ચે પડી તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. આ શખસોએ ધમકી આપી હતી કે, તું પતરા નાખીશ તો હું તને જાનથી મારી નાખીશ. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેમણે આ અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News