એકબાજુ પોરબંદરમાં વિકાસની વાતો કરવામાં આવી રહી છે તો બીજી બાજુ જૂના પોરબંદર કરતા હાલનું પોરબંદર ભાંગતુ જાય છે. એક સમયે ૨૮ જેટલા સદાવ્રતો સહિત ધર્મશાળાઓ ધમધમતી હતી જ્યારે આજે પોરબંદરમાં ઘણુંબધું ખૂટી રહ્યુ છે ત્યારે ઇતિહાસવિદે તે અંગેની માહિતી આપી હતી.
પોરબંદરના ઇતિહાસવિદ નરોત્તમભાઇ પલાણે જૂના પોરબંદરમાં એક ચક્કર મરાવતા જણાવ્યુ હતુ કે,માણેકચોકના ત્રણ તાક તે પોરબંદરથી બહાર નીકળવાના રસ્તા છે ! અસલ અથવા જૂનું પોરબંદર ચોથા તાકના સ્થળે છે. અત: ચોથો તાક નથી કારણકે ત્યાં પોરબંદર છે. પારેખ ચકલો, ઝવેરીબજાર, અને હોળી ચકલો આ જૂના પોરબંદરનો વિસ્તાર છે. જુમા મસ્જિદ, શાંતિનાથ જિનાલય અને વિશાળ દરવાજાવાળી ગોપીનાથજીની હવેલી અસલી પોરબંદરનો ઠાઠ છે. મણિભાઇ વોરા આ જૂના પોરબંદરનું વર્ણન કરતા લખે છે કે વાસુપૂજ્ય જિનાલય, પદ્માણીમાતાનું મંદિર, હોળી ચકલાનું ગોપાલજી મંદિર અને સૂર્યમંદિર-પોરબંદરનો મૂળ વસવાટ હતો. પોરબંદરનો જૂનો દરબાર ડેલો ભોંઇવાડા પાસે હતો. દરબાર ડેલા પાસે એક જૂનો વડલો હતો. આ વડલાથી આજના ગોપનાથ સુધીનો માર્ગ રાજમાર્ગ કહેવાતો. આ વડલા નીચે જ પોરબદરની પ્રથમ પોસ્ટઓફિસ આવેલી હતી.આ પછી ઇ.સ. ૧૬૮૫માં છાયાના જેઠવા રાજવી સરતાનજી(પહેલા)એ પોરબંદરને કિલ્લેબંધ શહેર બનાવ્યુ અને એકસો વર્ષ પછી સરતાનજી (બીજા)એ પહેલાની ગાદી છાયાની ફેરવીને પોરબંદરમાં સ્થાપી. ઇ.સ. ૧૭૮૫થી પોરબંદર જેઠવાવંશની ચોથી અને છેલ્લી રાજધાની બની. સરતાનજી (પહેલા)એ ૧૬૮૫માં જે કિલ્લો બાંધ્યો હતો તે બરાબર ૧૦૨ વર્ષ રહ્યો અને પોરબંદરના પ્રથમ બ્રિટિશ અધિકારી લેલી સાહેબે ૧૮૮૭માં તે ઉખેડી નાખ્યો આ કાટમાળમાંથી ખાડી ઉપરના બન્ને પુલ, સુદામાચોક પાસેનું ભવ્ય મદ્રેસા બિલ્ડીંગ, દીવાદાંડી તથા ટાઉનહોલ બન્યા. ૧૯૦૦થી પોરબંદરમાં અર્વાચીન યુગ શ થયો અને સિમેન્ટનું પ્રથમ કારખાનું, બંદરનો નવો ધક્કો વગેરે યંત્ર સંસ્કૃતિને આવકારતા બાંધકામો શ થયા. ૧૭૮૫માં શીતળાચોક પાસેનો દરબારગઢ બન્યો અને છાયાનો ગઢ છોડી રાજકુટુંબ શીતળાચોક પાસે રહેવા આવ્યુ. ૧૯૦૦થી ૨૦૨૪ સુધીના સવાસો વર્ષનો ઇતિહાસ તો હાલના પોરબંદરના અનેક સિનિયર સીટીજનોએ નજરોનજર જોયો છે. આ સહુ જૂના પોરબંદરને ભૂલી શકયા નથી.
સવારના પહોરમાં એક બાજુ દરિયો અને ઘરમાં ઘંટીનો ઘુઘવાટ એક સાથે સંભળાતા હોય, ‘દયા પ્રભુની’ કરવા ટેલીયા નીકળે અને દ્વારકાની યાત્રાએ જતા સંખ્યાબંધ યાત્રાળુઓ પોરબંદરમાં દાણોપાણી પામીને પેટને ઠારે, ઘણા લોકો રાતવાસો કરે અને પોરબંદરીઓ એને સિઝન પ્રમાણે ધાબળા અને કપડા આપે. મણિભાઇ કહે છે કે જૂના પોરબંદરમાં ૨૮ તો સદાવ્રતો હતા ધર્માદાના બે મોટા દવાખાના અને રાતવાસો કરવા સગવડ ભરેલી એકથી વધારે ધર્મશાળાઓ હતી !
આજે ઉદ્યોગો વધ્યા પણ સદાવ્રતો કયાં? ધર્મશાળાઓ કયાં? ભાટિયા અને લોહાણા વેપારીઓ કપાળમાં યુમાર્કા સાથે પોરબંદરી પાઘડી પહેરીને બજારમાં સામસામા ‘જયશ્રીકૃષ્ણ’ કહેતા આવકજાવક કરતા ! આઠ તો હવેલીઓ હતી ! પારસી અને ખોજા વેપારીઓ પણ પોરબદરની રોનક વધારતા. વિદ્યાર્થીઓ ટોપી અને ધોતિયાં પહેરીને નિશાળે જતા. ચોરે અને ચૌટે કથા વંચાતી તથા ભજનો અને કીર્તનો ગવાતા ! માણસો સુખી અને શાંત હતા, આંગણે બાંધેલી ગાય-ભેંસો પણ નિરાંતે ઓગાળ વાગોડતી. જૂનું પોરબંદર સુખી હતું, ઝઘડાટંટા, ઉંચનીચ કે ધર્મના ભેદ ન હતા, સર્વત્ર સમતા અને સંતોષ અનુભવાતો ! હિન્દુ કે મુસલમાન કોઇ મરી જાય તો દરેક ઘરનો એક એક સભ્ય તેની અંતિમ યાત્રામાં સામેલ થતો. આ સુદામાની નગરી હતી, જ્યાં હરહંમેશા શ્રીકૃષ્ણની બંસીના સૂર સંભળાતા ! દરિયો એમાં પોતાનો સૂર પરોવતો હતો તેવું નરોત્તમભાઇ પલાણે જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાના ગાંગડા ગામે હોટલમાં ચાલતી જુગાર ક્લબ દરોડા
November 15, 2024 10:05 AMપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech