જામ્યુકો દ્વારા થઈ રહેલા ભૂગર્ભ ગટરના કામમાં ગોબાચારી?: ૨૫૬ કરોડના કામોમાં ગુણવત્તા જોવાશે?

  • February 29, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાનના હસ્તે રુા. ૧૦૭ કરોડના ભૂગર્ભ ગટરના કામોનું થયું ખાતમુર્હુત: દોઢ લાખથી વધુ પરિવારોને મળશે લાભ, પરંતુ લોટ પાણી અને લાકડા જેવા કામથી લોકોમાં ભારોભાર નારાજગી: પદાધિકારીઓ શું પગલાં લેશે ?? વિજિલન્સ તપાસ થાય તેવી શકયતા

જામનગર શહેરમાં વર્ષોથી શરુ થયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ પણ પૂરી થઈ નથી લગભગ ૬૫ ટકા શહેરના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના કામો થયા છે રાજ્યના શહેરી વિકાસ દ્વારા રૂપિયા ૧૦૭ કરોડના ખર્ચે રવિવારે ભૂગર્ભ ગટરના કામો માટે કેટલાક વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વર્ષના ૨૦૨૪ ના બજેટમાં રુા. ૨૫૬ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરના કામો કરવામાં આવશે. તેવી પદાધિકારીઓ દ્વારા હોંશે હોશે જાહેરાત કરવામાં આવી છે પરંતુ છેલ્લા બે વર્ષમાં થયેલા કેટલાક કામો હલકી ગુણવત્તાના હોવાનું પણ બહાર આવ્યું છે .આ ચોકાવનારી વાત પછી વિજિલન્સ તપાસ કરવાની વાત પણ સામે આવી છે. અને જેમાં જે તે વ્યક્તિઓ સંડોવાયેલા હશે તેની સામે પગલાં લેવામાં આવશે. તેવી સરકારે પણ ખાતરી આપી છે. ત્યારે આવનારા દિવસોમાં ફરીથી જે કરોડોના ભૂગર્ભ ગટરના કામો થવાના છે તેમાં ગુણવત્તા જાળવવામાં નહીં આવે તો ફરીથી કામો ઉપર પણ ભારે અસર પડશે તેમ જાણવા મળે છે.
જામનગરમાં અગાઉના પદાધિકારીઓ, મેયર, ચેરમેન સહિતના લોકોએ કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના થયેલા કામો અંગે જાત તપાસ કરીને રોજ કામ પણ કરાવ્યું હતું. અને તેમાં હલકી ગુણવત્તાના પાઇપ વપરાયા હોવાનું અને જે રીતે ઢાંકણા નાખવામાં આવે છે. તે પણ હલકી ગુણવત્તાના હોવાનું તથ્ય બહાર આવ્યું હતું. આ તપાસ થયા બાદ આ સમગ્ર પ્રકરણનું ફીંડલું વાળી નાખવામાં આવ્યું છે વોર્ડ નંબર-૬ના વિસ્તારમાં કેટલીક જગ્યાએ ભૂગર્ભ ગટરનું હલકું કામ થયાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. અને કોર્પોરેશનના જનરલ બોર્ડમાં પણ ભૂગર્ભ ગટરના થતા કેટલાક કામોમાં ગોબાચારી ચાલે છે. કોન્ટ્રાક્ટર કોઈનું માનતા નથી અને હલકી ગુણવત્તાના પાઇપ નાખવામાં આવે છે. તેવી સભ્યોએ ઉગ્ર રોષ સાથે રજૂઆત પણ કરી હતી.
જામનગર શહેરમાં રુા. ૧૦૭ કરોડના ખર્ચના કેટલાક કામો શહેરી વિકાસ દ્વારા કરવામાં આવશે. એમની ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે રુા. ૪૨ કરોડના ખર્ચે રાધિકા સ્કૂલ અને મહાપ્રભુજીની બેઠકથી માર્કેટિંગ યાર્ડ સુધી તેમજ રુા. ૪૦ કરોડના ખર્ચે પંપીંગ સ્ટેશન પાસે સર્વે નંબર ૯૭૨ વિસ્તારમાં આ કામ થશે અને ત્રીજા ભાગમાં રુા. ૨૫ કરોડના ખર્ચે નાઘેડી, ગોરધનપર આશીર્વાદ રિસોર્ટ અને કેશવારાસની પાછળના ભાગમાં યોજનાનું કામ શરુ થઈ જશે જેનું ખાત મુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ સમસ્યા એ છે કે જે પ્રકારના કામો થઈ રહ્યા છે તેમાં ચોક્કસ ગુણવત્તા જળવાતી નથી તેવો આક્ષેપો નગરસેવકો કરી રહ્યા છે
કેટલાક લોકોને લાગભાગ મળી ગયા હોવાની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે. અને આ અંગે જો છેલ્લા બે વર્ષમાં થયેલા કામોની ગુણવત્તા પૂર્વક તપાસ કરવામાં આવે તો કેટલાક લોકોના ભોપાળા પણ બહાર આવે તેવી પૂરી શક્યતા હોવાનું ચર્ચા રહ્યું છે હજુ પણ જામનગર શહેરમાં ૪૦% જેટલા વિસ્તારમાં ગટરના કામ બાકી છે. થોડા સમય પહેલા જ જામનગરની હદ ૧૩૨ કિલોમીટરની થઈ ગઈ છે ત્યારે આ વિસ્તારોમાં તો પણ ગટરના કામો થશે હજુ જામનગર શહેરના મધ્ય ભાગમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભૂગર્ભ ગટર યોજના પહોંચી નથી. તે પણ હકીકત છે જે રવિવારે મુહુંત કરવામાં આવ્યું અને તેના કામો ૨૦૨૬ની સાલમાં પૂરા થઈ જશે. તેવી હૈયાધારણ આપવામાં આવી છે. ત્યારે ભૂગર્ભ ગટરના કામોમાં જે રીતે ગોબાચારી પૂર્વક કામો કરવામાં આવ્યા છે અને હલકી ગુણવત્તાવાળા પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં તો એવી વાતો બહાર આવી છે કે ગટરની લાઈન અને પાણીની લાઈન બંને મિક્સ થઈ જતા લોકોને ગંદુ પાણી મળે છે અને તેના આરોગ્ય ઉપર ગંભીર ખતરો પણ ઉભો થયો હતો અને આ વિસ્તારના લોકોએ મહાનગરપાલિકામાં આવીને રજૂઆત પણ કરી હતી અગાઉ વોર્ડ નંબર ૬ માં પણ અનેક વિસ્તારોમાં હલકી કક્ષાના પાઇપ નખાતા હોવાની વ્યાપક ફરિયાદો થઈ હતી. પરંતુ રોજ કામ કરીને આ તપાસનું પણ ફીંડલુ વાળી દેવામાં આવ્યું છે. મોટા રાજકીય આકાઓ પણ આ કૌભાંડમાં સંડોવાયા છે કે કેમ? ખરેખર તો રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં થયેલી ગટરની કામગીરી અંગે વિજિલન્સ તપાસ નિમિને જે તે કોન્ટ્રાક્ટરોએ નબળું કામ કર્યું છે. તેની સામે કડક પગલાં લઈને આકરો દંડ ફટકારવો જોઈએ .અને જ્યાં જ્યાં હલકું કામ થયું છે ત્યાં નવા પાઇપ નાખીને આ નવી વ્યવસ્થા ગોઠવવાની ખાસ જરુર છે જામનગર મહાનગરપાલિકાના ૨૦૨૪ ના બજેટમાં રૂપિયા ૨૫૬ કરોડના ખર્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇન પાથરવામાં આવશે અને આ તમામ કામ બે વર્ષમાં પૂર્ણ થઈ જશે .તેવો આશાવાદ પણ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવમાં હકીકત એ છે કે  કમિશનર ડી.એન .મોદીએ આ અંગ તપાસ કરીને જ્યાં જ્યાં ભૂગર્ભ ગટરના નબળા કામો થયા છે અને કેટલાક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇનનો તૂટી ગઈ છે એ વિસ્તારમાં નવી પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટર માટે સારા પાઇપ નાખીને આ સમગ્ર વ્યવસ્થા ફરીથી કરવી જોઈએ. અને એનો ખર્ચ કોન્ટ્રાક્ટર ઉપર નાખવો જોઈએ. જામનગર મહાપાલિકાના ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરને કોઈ કેવા વાળું નથી તે પણ હકીકત છે તેઓ કોઈનું ગાઢતા પણ નથી. ગાંધીનગરથી તેઓને રાજકીય પૂરેપૂરું પીઠબળ મળતું હોવાની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે .ત્યારે ગટરના થયેલા કામોની ગુણવત્તા ભરી તપાસ કરીને આગામી દિવસોમાં આ અંગે યોગ્ય તપાસ નિમિતને વિજિલન્સ તપાસ સિદ્ધિ મુખ્યમંત્રી કાર્યાલયના દેખરેખ હેઠળ કરવામાં આવે તો અનેક કૌભાંડો બહાર આવે તેવી પણ શક્યતા હોવાનું ચર્ચા રહ્યું છે જ્યારે જ્યારે ટેન્ડર ભરવામાં આવે ત્યારે આ સાઈઝના પાઇપ અને આ ગુણવતા વાળા પાઇપ નાખવામાં આવશે. તેવી શરતો પણ મૂકવામાં આવી છે અને હલકા પાઇપ નાખવામાં હતી પરંતુ આ બધું માત્ર કાગળ ઉપર રહ્યું છે ભૂગર્ભ ગટરના કામોમાં લોટ પાણી અને લાકડા જેવું કામ થાય છે તે હકીકત છે અને તે અંગે ખૂબ શાસક પક્ષના કોર્પોરેટરો અને ભૂતપૂર્વ પદાધિકારીઓ પણ આ અંગેનો રાગ બોલી ચૂક્યા હોવાનું પણ બહાર આવ્યું છે. જનરલ બોર્ડમાં અવારનવાર ગટરના કામો નબળા થાય છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠી છે હાલમાં રૂપિયા ૧૦૭ કરોડના ત્રણ વિભાગમાં ભૂગર્ભ યોજના ના નવા નેટવર્કની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે એવી વાત પણ કરવામાં આવી છે પરંતુ જે કામ થયા છે તેની ગુણવત્તાનું શું બે વર્ષના કામોની તપાસ કરો અને જે નવા કામ ચાલુ થાય ત્યારે સતત તેના ઉપર અધિકારીઓની દેખરેખ રાખવામાં આવે. અધિકારીઓ પણ શા માટે કોન્ટ્રાક્ટર થી ડરે છે .તે પણ સમજાતું નથી અને ભૂગર્ભ ગટરના હલકા કામથી લોકો પણ ખૂબ જ નારાજ થઈ ગયા હોવાનું પણ બહાર આવ્યું છે અને જામનગર શહેરના મધ્ય વિસ્તારમાં પણ કેટલાક કામો બાકી છે તે તાત્કાલિક અસરથી હવે શરૂ કરવા જોઈએ .
એક તરફ જામનગર શહેરમાં વિકાસની વાતો થાય છે નવા નવા પ્રોજેક્ટ કરવામાં આવે છે પરંતુ ભૂગર્ભ ગટર યોજનાનો પ્રોજેક્ટ લોકો માટે માથાના દુખાવાનું બની ગયો છે અવારનવાર ખુદ પૂર્વ પદાધિકારીઓ એ પણ તે સમયે લોકરોષ જોઈને રોજ કામ કરી દેવામાં આવે છે. પરંતુ પાછળથી કોઈપણ અધિકારી સામે પગલાં લેવામાં આવતા ન હોવાની પણ ફરિયાદ ઉઠી છે. અગાઉ ભૂતકાળમાં જામનગર મહાપાલિકાના એક બે અધિકારીઓએ પોતાના સગાઓના નામે ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટ લઈને નબળું કામ કર્યું હોવાની પણ વાતો બહાર આવી હતી આ અંગે બધાને ખબર છે કેટલાક રાજકીય અગ્રણીઓ પણ આમાં સંડોવાયા હોવાના આક્ષેપો પણ થયા છે. આક્ષેપોને કોઈ રદીયો પણ આપવામાં આવ્યો નથી. રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયમાં પણ અનેકવિધ ફરિયાદો થઈ છે. અને એવી વાત જાણવા મળી છે કે આગામી દિવસોમાં છેલ્લા બે વર્ષમાં થયેલા ભૂગર્ભના કામો અંગે સરકાર એક તપાસ સમિતિનું પણ નિર્માણ કરે તેવી શક્યતા છે. જો આ તપાસ સમિતિ તટસ્થ રીતે તપાસ કરે તો જામનગરની ભૂગર ગટર યોજનામાં થઈ રહેલી ગોબાચારી બહાર આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application