સૌ. યુનિ.ના રજિસ્ટ્રારનો કાંટાળો તાજ પહેરવા વધુ એક અધિકારીનો ઇનકાર

  • May 01, 2024 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટારની જવાબદારી કાંટાળા તાજ જેવી હોય તેમ તે સંભાળવા માટે કોઈ તૈયાર થતું નથી. રેગ્યુલર રજીસ્ટાર ગજેન્દ્ર જાનીના રાજીનામા પછી તેની જગ્યાએ અલગ અલગ અધિકારીઓને સમયાંતરે જવાબદારી સોપવામાં આવી હતી. પરંતુ કોઈ આ જવાબદારી સંભાળવા તૈયાર નથી. થોડા સમય પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી હરેશભાઈ રૂપારેલીયાને ઇન્ટરવ્યૂથી પસંદ કરીને કાયમી રજીસ્ટરની પોસ્ટ ભરવામાં આવી હતી. પરંતુ તે પણ માત્ર બે મહિનામાં છૂટા થઈ ગયા હતા.

મ્યુનિસિપલ સેક્રેટરી હરેશ રૂપારેલીયા છુટા થયા પછી તેની જવાબદારીનો વધારાનો ચાર્જ જોડાણ વિભાગના નાયબ કુલ સચિવ રમેશભાઈ જી. પરમાર ને સોપવામાં આવ્યો હતો. રમેશભાઈ પરમારે તારીખ 1 ડિસેમ્બર 2023 ના રોજ કુલસચિવ એટલે કે રજીસ્ટાર તરીકેની વધારાની જવાબદારી સંભાળી હતી. પરંતુ આજે તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીલામબરીબેન દવેને પત્ર પાઠવીને પોતાને આ વધારાના ચાર્જમાંથી મુક્ત કરવા માગણી કરી છે.

ઇન્ચાર્જ કુલપતિ નીલામબરીબેન દવેને પાઠવેલા આ પત્રમાં ઇન્ચાર્જ ફુલ સચિવ રમેશભાઈ પરમારે જણાવ્યું છે કે કુલ સચિવ તરીકેની વધારાની કામગીરીના ભારણને લીધે મારી તબિયતના દુરસ્ત રહેવા લાગી છે. પરિવારને પણ પૂરતો સમય ફાળવી શકતો નથી અને તેથી મને કુલસચિવ તરીકેની વધારાની જે જવાબદારી આપી છે તેને ન્યાય આપી શકતો નથી. આ બાબતને ધ્યાનમાં લઇ કુલ સચિવની વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવાની મારી માંગણી છે.

રમેશભાઈ પરમારે આ પત્રની નકલ મહેકમ વિભાગમાં અને કુલ સચિવના અંગત સચિવને પણ મોકલી આપી છે.
રમેશભાઈ પરમારે પોતાના આ પત્રમાં તબિયત અને પરિવારને પૂરતો સમય ન આપી શકતા હોવાથી કામગીરીને ન્યાય નથી આપી શકતો તેમ કહીને રાજીનામું આપ્યું છે પરંતુ યુનિવર્સિટીના આંતરિક રાજકારણ ખટપટ અને દરરોજના નવા નવા આક્ષેપો જેવા વાતાવરણથી કંટાળીને તેમણે આ પત્ર લખ્યું હોવાનું યુનિવર્સિટીના સૂત્રો જણાવે છે.


રમેશભાઈ પરમારની આ માગણી મંજૂર કરવામાં આવી છે કે કેમ? તે જાણવા માટે ઇન્ચાર્જ કુલપતિ નીલમબરીબેન દવેનો ટેલીફોનિક સંપર્ક સાધવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો ફોન નો- રીપ્લાય રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application