ગુજરાતના આ મંદિરમાં થાય છે અન્નકૂટની લૂંટ, 85 ગામના લોકોને અપાયું લૂંટ માટે આમંત્રણ

  • November 01, 2024 07:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે વર્ષેથી દિવાળીના બીજા દિવસે કે નવા વર્ષે ભગવાન રાજા રણછોડજીને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ પ્રસાદનો મંદિરમાં પહાડ બનાવાય છે, જેને બાદમાં લૂંટ ચલાવાય છે. વર્ષો જૂની આ પંરપરા હજુ પણ યથાવત છે.

ભગવાનને 151 મણનો અન્નકૂટ ધરવામાં આવે છે

યાત્રાધામ ડાકોર ખાતે નવ વર્ષના પહેલા દિવસે રાજસ્તાનના શ્રીનાથજીની જેમ ડાકોરના ઠાકોરને 151 મણનો અન્નકૂટ ધરવામાં આવે છે અને આ પ્રસાદને લૂંટવા માટે 85 ગામના લોકોને આમંત્રણ આપવામાં આવે છે. ભગવાન રાજા રણછોડની વહેલી સવારે મંગળા આરતી કર્યા બાદ ભગવાનનું કેસર સ્નાન કરાવવામાં આવે છે. આ પછી ભગવાનને શણગાર કરાય છે. જેમાં ભગવાનનું મંદિર બપોરના સમયે બંધ કરીને અંદરના ભાગે ભગવાનનું સન્મુખ સેવકો દ્વારા અન્નકૂટ પીરસવામાં આવે છે, ડાકોર ખાતે આ પ્રથા વર્ષોથી યથાવત છે.

આ રીતે ઉજવાય છે અન્નકૂટ લૂંટવાની પ્રથા

આ પ્રથામાં સૌપ્રથમ ભગવાનની સમક્ષ ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવે છે. અન્નકૂટમાં ભગવાનને બુંદી, ભાત અને અલગ-અલગ અનેક મીઠાઈનો પ્રસાદ ધરવામાં આવે છે. આ પછી મંદિરના દ્વાર ખોલતાની સાથે આમંત્રિત કરેલા નજીકના 85 ગામના લોકો અન્નકૂટ લૂંટીને જતા રહે છે.

પહેલો પાક ભગવાનને અર્પણ કરવાની પરંપરા

આસપાસના વિસ્તારના ખેતરના માલિકો તેમના પાકનો પહેલો ફાલ ભગવાનને ધરાવે છે. તેમાંથી ભાત બનાવી તેનો ડૂંગર બનાવાય છે અને તેને લૂંટવા માટે 85 ગામના લોકોને આમંત્રણ અપાય છે. લૂંટેલો અન્નકૂટ જે લોકો લઈ જાય છે તે પોતાના પરિવારના લોકો, જરૂરિયાતમંદો, પશુઓને ખવડાવે છે. સાથે જ ઘરે પરત ફરતી વખતે બહાર ઉભેલા ભક્તોને પ્રસાદી આપતા હોય છે.

અન્નકૂટ લૂંટવા આવેલા ગામના લોકોનું કહેવું છે કે, ભગત બોડાણા ઠાકોરજીને જ્યારથી ડાકોર લાવ્યા તે સમયથી એટલે કે 700 વર્ષથી આ પરંપરા યથાવત છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર આયોજન કરાય છે. આ અનોખી પરંપરા જોવા મોટી સંખ્યામાં ભક્તો ડાકોર ઉમટે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News